Saturday, May 4, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપાકિસ્તાન: સલીમે ખ્રિસ્તી મહિલા સિક્યુરિટી ગાર્ડને ‘ઇશનિંદા’ના આરોપમાં ફસાવવાની ધમકી આપી, કહ્યું-...

    પાકિસ્તાન: સલીમે ખ્રિસ્તી મહિલા સિક્યુરિટી ગાર્ડને ‘ઇશનિંદા’ના આરોપમાં ફસાવવાની ધમકી આપી, કહ્યું- તને કાપીને ફેંકી દઈશ- Video

    ખ્રિસ્તી મહિલાએ એક વ્યક્તિને નંબર પ્લેટ અને પાસ વગર ઘૂસવા પર વાંધો ઉઠાવ્યો હતો, જેને લઈને મુસ્લિમ વ્યક્તિ ભડકી ઉઠ્યો હતો. 

    - Advertisement -

    પાકિસ્તાનમાં અવારનવાર ‘ઇશનિંદા’ના કાયદાનો દુરુપયોગ થયો હોય તેવા મામલા સામે આવતા રહ્યા છે. તાજેતરમાં પાકિસ્તાનના કરાંચીનો એક વિડીયો સામે આવ્યો હતો જેમાં એક મુસ્લિમ વ્યક્તિ એક ખ્રિસ્તી મહિલા સિક્યુરિટી ગાર્ડ સાથે માથાકૂટ કરી તેને ઇશનિંદાના આરોપસર ફસાવવાની ધમકી આપતો જોવા મળે છે. 

    આ ઘટના કરાંચીની હોવાનું મીડિયા અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે. અહીં સ્થિત જિન્નાહ ઇન્ટરનેશનલ એરપોર્ટના કાર્ગો એરિયામાં આ બનાવ બન્યો હતો. અહીં સિક્યુરિટી ગાર્ડ તરીકે એક ખ્રિસ્તી મહિલા ફરજ પર હાજર હતી. દરમ્યાન, તેણે એક વ્યક્તિને નંબર પ્લેટ અને પાસ વગર ઘૂસવા પર વાંધો ઉઠાવ્યો હતો, જેને લઈને મુસ્લિમ વ્યક્તિ ભડકી ઉઠ્યો હતો. 

    ધમકી આપનાર સલીમ પાકિસ્તાન સરકારનો કર્મચારી હતો. એરપોર્ટના કાર્ગો એરિયામાં તેનો એક મિત્ર નંબર પ્લેટ વગરની કાર લઈને માન્ય પાસ વગર જ ઘૂસી રહ્યો હતો. જેના કારણે ત્યાં હાજર મહિલા કર્મચારીએ તેને અટકાવ્યો હતો. ત્યારબાદ સલીમ ત્યાં આવી પહોંચ્યો અને તેણે મહિલાને તેના મિત્રને કાર પાર્ક કરવા દેવા માટે કહ્યું હતું અને તેમ ન કરવા પર મૌલાનાઓને બોલાવીને ‘ઇશનિંદા’ના ખોટા આરોપમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.  

    - Advertisement -

    વિડીયોમાં ખ્રિસ્તી મહિલા અને કેટલાક વ્યક્તિઓ વચ્ચેની વાતચીત સાંભળવા મળે છે. મહિલા સલીમ નામના વ્યક્તિ ઉપર ‘તૌહીન-એ-રિસાલત’ (ઇશનિંદા) લગાવવાની ધમકી આપવાનો આરોપ લગાવે છે. તે એમ પણ પૂછતી સંભળાય છે કે આમાં ‘ઇશનિંદા’ કઈ રીતે થઇ ગઈ? અને જેણે તેની સામે કેસ કરવો હોય એ કરી દે. 

    વિડીયોમાં સલીમ કહેતો સંભળાય છે કે તે મૌલાનાઓને બોલાવશે. ત્યારબાદ મહિલા કહે છે કે જે ‘તૌહીન-એ-રિસાલત’નો ખોટો કેસ કરશે તેને પણ પોલીસ પકડશે. ત્યારે સલીમ કહે છે કે, હું પાગલ માણસ છું, કાપીને ફેંકી દઈશ. 

    આ ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ પાકિસ્તાન સિવિલ એવિએશન ઓથોરિટીએ સલીમ નામના ઈસમને નોકરીમાંથી છૂટો કરવામાં આવ્યો છે અને તેની સામે તપાસ શરૂ કરવામાં આવી છે. 

    પાકિસ્તાનમાં ઇશનિંદાના કાયદાનો દુરુપયોગ એ કોઈ નવી વાત નથી. ત્યાં ટોળું જાતે જ કોર્ટ બનીને આવા કેસનો નિકાલ લાવી દે છે. આ પહેલાં અનેક કિસ્સાઓ એવા બની ચૂક્યા છે જેમાં કોઈ વ્યક્તિ ઉપર ‘ઇશનિંદા’નો આરોપ લગાવીને મુસ્લિમ ભીડે તેની હત્યા કરી નાંખી હોય. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં