Friday, May 3, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપાકિસ્તાનમાં ઇશનિંદાના આરોપસર મૉબ લિંન્ચિંગની વધુ એક ઘટના: ઇમરાન ખાનની સરખામણી પયગમ્બર...

    પાકિસ્તાનમાં ઇશનિંદાના આરોપસર મૉબ લિંન્ચિંગની વધુ એક ઘટના: ઇમરાન ખાનની સરખામણી પયગમ્બર સાથે કરનાર મૌલાનાની ટોળાએ હત્યા કરી નાંખી

    ચાલુ રેલીએ તેણે મોટેથી બૂમ પાડીને PTI પ્રમુખ ઇમરાન ખાનની સરખામણી પયગમ્બર સાથે કરી હતી. તેણે કહ્યું હતું કે, તે પયગમ્બર જેટલું જ ઇમરાન ખાનનું પણ સન્માન કરે છે, કારણ કે તેઓ પ્રામાણિક વ્યક્તિ છે. 

    - Advertisement -

    ઇશનિંદાના નામે ટોળા દ્વારા થતી હત્યા પાકિસ્તાનમાં સામાન્ય બાબત બનતી જાય છે. હવે આવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ખૈબર પખ્તુન્વામાં પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહેરીક-એ-ઇન્સાફની (PTI) રેલી દરમિયાન એક ટોળાએ ઇશનિંદાના આરોપસર એક વ્યક્તિની મારીમારીને હત્યા કરી નાંખી હતી. 

    મૃતક વ્યક્તિની ઓળખ મૌલાના નિગર આલમ તરીકે થઇ છે. તે PTIનો કાર્યકર હતો અને પાર્ટીએ મોંઘવારી અને અન્ય મુદ્દાઓનો વિરોધ કરવા માટે આયોજિત કરેલી રેલીમાં ભાગ લેવા માટે ગયો હતો. દરમ્યાન ચાલુ રેલીએ તેણે PTI પ્રમુખ ઇમરાન ખાનની સરખામણી પયગમ્બર સાથે કરી હતી. તેણે કહ્યું હતું કે, તે પયગમ્બર જેટલું જ ઇમરાન ખાનનું પણ સન્માન કરે છે, કારણ કે તેઓ પ્રામાણિક વ્યક્તિ છે. 

    તેનું આ વાક્ય સાંભળતાંની સાથે જ ટોળાએ આતંક મચાવ્યો હતો અને તેને ઘેરી લઈને માર મારવાનો શરૂ કરી દીધો હતો. જેના વિડીયો પણ સોશિયલ મીડિયા પર ફરતા થયા છે જેમાં લોકો એક વ્યક્તિને લાકડી-દંડા વડે તેમજ લાત-મુક્કા મારતા જોવા મળે છે. (દ્રશ્યો વિચલિત કરી શકે છે) 

    - Advertisement -

    પોલીસના જણાવ્યા અનુસાર, તેમણે મૃતક વ્યક્તિને બચાવવા માટેના પ્રયાસ કર્યા હતા પરંતુ ટોળા સામે કશું કરી શક્યા ન હતા. જાણવા મળ્યા અનુસાર, હત્યા બાદ ટોળાએ શરીરને ક્ષત-વિક્ષત કરવાના પ્રયાસ કર્યા હતા પરંતુ પોલીસે મૃતદેહ કબ્જે કરી લીધો હતો. પોલીસે વધુમાં જાણવું કે, વિસ્તારમાં હજુ અશાંતિ છે અને તેમણે આ મામલે કાર્યવાહી શરૂ કરી દીધી છે. તેઓ મૃતકના પરિજનોને પણ મળ્યા હોવાનું ઉમેર્યું હતું. 

    રિપોર્ટ્સ અનુસાર, હત્યા પહેલાં કેટલાક લોકોએ ટોળે વળીને રેલીમાં પયગમ્બર મોહમ્મદનું અપમાન કરવાના આરોપસર PTI કાર્યકર પર કેસ દાખલ કરવાની માંગણી કરી હતી. જેનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં ભીડ ‘અલ્લાહુ અકબર’ અને ‘સર તન સે જુદા’ના નારા લગાવતી જોવા મળે છે.

    ફેબ્રુઆરીમાં પણ બની હતી આવી જ ઘટના

    પાકિસ્તાનમાં ઇશનિંદાના આરોપસર મોબ લિંન્ચિંગ અને હત્યા થવાની ઘટનાઓ અટકવાનું નામ લઇ રહી નથી. ગત ફેબ્રુઆરી મહિનામાં પાકિસ્તાનના પંજાબ પ્રાંતના નાનકાના સાહિબ ખાતે કુરાનના અપમાનના આરોપી એક વ્યક્તિને ટોળાએ પોલીસ સ્ટેશનમાંથી ખેંચી કાઢીને મારી નાંખ્યો હતો. 

    ઇશનિંદાના કેસમાં તેની ધરપકડ કરીને પોલીસ મથકે રાખવામાં આવ્યો હતો. દરમ્યાન એક દિવસે ટોળું પોલીસ મથકે ધસી ગયું હતું અને આરોપીને ખેંચી કાઢીને માર મારીને હત્યા કરી નાંખી હતી. એટલું જ નહીં, ટોળાએ તેની લાશ સળગાવવાના પણ પ્રયાસો કર્યા હતા. સોશિયલ મીડિયા પર કેટલાક વિડીયો વાયરલ થયા હતા, જેમાં ટોળું એક વ્યક્તિને પગ પકડીને ખેંચી લાવીને, કપડાં કાઢીને લાકડી-દંડા વડે મારતું જોવા મળે છે.

    અહીં ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં ઇશનિંદા વિરુદ્ધ કાયદો બનાવવામાં આવ્યો છે અને આ કાયદા હેઠળ ગુનેગાર સાબિત થતા વ્યક્તિને મૃત્યુદંડ સુધીની સજા થઇ શકે છે. જોકે પાકિસ્તાનમાં મોટાભાગના કિસ્સાઓમાં આ ‘ઇશનિંદા’ના આરોપીઓનો ફેંસલો કોર્ટ નહીં પરંતુ ટોળું જ કરી નાંખતું હોય છે. કોઈ પણ ધર્મ, મઝહબનાં પાત્રો કે પ્રતીકો વિશે અપમાનજનક ટિપ્પણી કે વ્યવહારને ‘ઇશનિંદા’ (Blasphemy) ગણવામાં આવે છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં