ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) સંભલ જિલ્લામાં 24 નવેમ્બરે જામા મસ્જિદના સરવે દરમિયાન થયેલ હિંસા (Sambhal Violence) મામલે મોટા ખુલાસાઓ થઇ રહ્યા છે. આ દરમિયાન જ પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે સંભલ હિંસા દરમિયાન હુમલાખોરોએ કરેલ ફાયરિંગમાં પાકિસ્તાની (Pakistani Cartridge) અને અમેરિકાની કારતૂસોનો ઉપયોગ થયો હતો. તપાસ દરમિયાન પોલીસને ઘટનાસ્થળેથી છ કારતૂસના શેલ મળી આવ્યા હતા. જે કારતૂસ અમેરિકી (American Cartridge) અને પાકિસ્તાની હોવાનું પોલીસે જણાવ્યું હતું.
સંભલ હિંસા બાદ પોલીસ આ મામલે કડક તપાસ કરી રહી છે. ત્યારે આ મામલે 3 ડિસેમ્બરે પોલીસ અને ફોરેન્સિકની ટીમ મસ્જિદની આસપાસના નાળા અને ઝાડીઓમાં તપાસ કરી રહી હતી. ત્યારે ગટરની ગંદકીમાંથી છ કારતૂસના શેલ મળી આવ્યા હતા. જેમાંથી એક કારતૂસ 9 મીમીની છે અને તેના પર POF 9 mm 68-27 (પાકિસ્તાન ઓર્ડિનન્સ ફેક્ટરી) એવું લખેલું હતું. મળેલ પાકિસ્તાની કારતૂસના આધારે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સંભલ હિંસામાં વિદેશી ફંડિંગ હોઈ શકે છે.
આ ઉપરાંત બીજા .32 બોરના કારતૂસ પર મેડ ઇન યુએસએ (Made in USA) લખેલું છે આ કારતૂસ અમેરિકાનું હોવાનું માનવામાં આવી રહ્યું છે. ફોરેન્સિક ટીમ ત્રીજા કારતૂસની તપાસ કરી રહી છે જેના પર FN એવું લખેલું હતું અને બંને અક્ષરો વચ્ચે સ્ટાર દોરેલો છે. આ ઉપરાંત ત્રણ દેશી બનાવટના કારતૂસ (બે 12 અને એક .32 બોર) પણ મળી આવ્યા છે. આ 6 કારતૂસોમાંથી એક કારતૂસ એવી હતી જેને ફાયર કરવામાં આવી હતી પરંતુ તે મિસ થઇ ગઈ હતી એટલે કે ફાયર થઇ નહોતી.
નોંધનીય છે કે 12 બોરના બે શેલ અને 32 બોરના બે શેલ મળી આવ્યા છે. જોકે, અગાઉ પોલીસે કહ્યું હતું કે હિંસામાં માર્યા ગયેલા લોકોની હત્યા દેશી બનાવટના 315 બોર હથિયારોથી કરવામાં આવી હતી. નોંધનીય છે કે સંભલ હિંસા મામલે પોલીસ હવે વિદેશી ફંડિંગ હોવાની દિશા તરફ તપાસ કરી રહી છે.
શું હતી સમગ્ર ઘટના
સંભલ જિલ્લા કોર્ટે સંભલ જામા મસ્જિદના સ્થાને હરિ હર મંદિર હોવાનો દાવો સ્વીકારી સરવેનો આદેશ આપ્યો હતો ત્યારે આ સરવે દરમિયાન 24 નવેમ્બરના રોજ મસ્જિદ ખાતે આવેલ ટીમ અને પોલીસ પર મુસ્લિમોના ટોળાએ હુમલો કરી દીધો હતો. સંભલ હિંસા દરમિયાન 5 લોકોના મૃત્યુ અને 28 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.
આ ઉપરાંત પોલીસકર્મીઓને જીવતા સળગાવી દેવાના પ્રયાસો થયા હતા, જેમાં મુસ્લિમ મહિલાઓ પણ સામેલ હતી. એવું પણ સામે આવ્યું હતું કે વ્હોટ્સએપ ગ્રુપ્સમાં મેસેજ મોકલીને હથિયારો સાથે વધુમાં વધુ ટોળું ભેગું કરવાના પ્રયાસ થયા હતા. આ મામલે પોલીસે 2750 લોકો સામે કેસ નોંધ્યો હતો જેમાંથી મોટાભાગના અજાણ્યા છે. આરોપીઓમાં સપા સાંસદ ઝિયાઉર રહેમાન બર્ક અને સપા ધારાસભ્યના પુત્રને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા છે.