Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણ‘લડત રૂપાલા સામે હતી, મોદી સામે જવાનું ન હતું; તેમણે બેન-દીકરીઓ માટે...

    ‘લડત રૂપાલા સામે હતી, મોદી સામે જવાનું ન હતું; તેમણે બેન-દીકરીઓ માટે જે કર્યું છે તે ભૂલવું ન જોઈએ’: બોલ્યાં પદ્મિનીબા- હવે ભાજપ-કોંગ્રેસ થઈ ગયું, લડાઈ સ્વાભિમાનની હોય તેવું નથી લાગતું

    આંદોલન રાજકીય બની ગયું છે કે કેમ, તે સવાલ પર તેમણે કહ્યું હતું કે, “હું અત્યારે પોતે નથી કહેતી, પરંતુ હું એ લોકો (સંકલન સમિતિ) પર આરોપ મૂકી પણ શકું છું કે શું તમે કોંગ્રેસના પક્ષે છો? અત્યારે દુનિયા એવું જ વિચારે છે કે ક્ષત્રિય સમાજ હવે ટીકીટ માટે લડે છે.

    - Advertisement -

    પરષોત્તમ રૂપાલા સામે ચાલતા આંદોલનનો મુખ્ય ચહેરો રહેલાં અને છેલ્લા થોડા સમયથી ક્ષત્રિય સંસ્થાઓની સંકલન સમિતિથી અંતર બનાવીને ચાલતાં પદ્મિનીબા વાળા ફરી સામે આવ્યાં છે અને સમગ્ર મુદ્દાને રાજકીય રંગ આપવાના આરોપ સાથે સમિતિની ટીકા કરી છે. એક પ્રેસ કૉન્ફરન્સમાં તેમણે કહ્યું કે, આ મુદ્દો રૂપાલા સુધી સીમિત રહેવો જોઈતો હતો અને તેને નરેન્દ્ર મોદી કે ભાજપના વિરોધ અને રાજકીય મુદ્દા સુધી લઇ જવાની કોઇ જરૂર ન હતી. 

    પ્રેસ કૉન્ફરન્સમાં તેમણે કહ્યું કે, “આપણે મોદી સાહેબનાં કામને ભૂલવાં ન જોઈએ. આવાસ યોજનાઓથી માંડીને આયુષ્માન ભારત સુધી….આજે ગરીબ વર્ગ માટે જે કંઈ કર્યું છે તે મોદી સાહેબે જ કર્યું છે. આપણે તેમના વિરુદ્ધ નહતું જવાનું, આ ફક્ત રૂપાલા સામેની જ લડાઇ હતી. મેં કહ્યું પણ હતું કે આ રાજકીય લડત બનશે તો હું ભાગ નહીં લઉં. મારી લડત રૂપાલા ભાઈ સાથે હતી, છે અને રહેશે. હું હજુ પણ સમાજ સાથે છું જ, પરંતુ આપણે સમગ્ર હિંદુત્વના મુદ્દાને ગેરમાર્ગે ન દોરવો જોઈએ.”

    આંદોલન રાજકીય બની ગયું છે કે કેમ, તે સવાલ પર તેમણે કહ્યું હતું કે, “હું અત્યારે પોતે નથી કહેતી, પરંતુ હું એ લોકો (સંકલન સમિતિ) પર આરોપ મૂકી પણ શકું છું કે શું તમે કોંગ્રેસના પક્ષે છો? અત્યારે દુનિયા એવું જ વિચારે છે કે ક્ષત્રિય સમાજ હવે ટીકીટ માટે લડે છે. આમાં રાજકીય બાબતો અને કોંગ્રેસ ક્યાંથી આવ્યાં? તમારે લડત આપવી જ હતી તો અન્ય રસ્તાઓ પણ હતા. પણ હવે કોંગ્રેસ તરફ વળ્યા છો તો દુનિયા આક્ષેપો તો કરશે જ.

    - Advertisement -

    તેમણે આગળ પીએમ મોદી વિશે કહ્યું, “તમે કહો છો કે રૂપાલાને મોદી સાહેબે ન હટાવ્યા, મોદી સાહેબ અમારા વિરોધી થઈ ગયા. પણ મોદી સાહેબે તો કંઈ કર્યું નથી. મોદી સાહેબે દેશ માટે અને બેન-દીકરીઓ માટે જે કર્યું છે તે ન ભૂલવું જોઈએ.” તેમણે એ પણ સ્પષ્ટતા કરી કે તેઓ કોઈને સારું લગાડવા માટે નથી કહી રહ્યાં, પરંતુ જે સત્ય હશે તે કહેશે. 

    પદ્મિનીબાએ કહ્યું કે, “પરષોત્તમ રૂપાલાનો વિરોધ હતો જ. પણ હવે સમાજ ફરી ગયો. ત્યારે એવું કહેતા હતા કે ‘બીજેપી સાથે વેર નહીં ને રૂપાલાની ખેર નથી’ પણ હવે કોંગ્રેસને રાજકીય સ્તરે લઇ આવ્યા. પણ આજે નહીં, ભવિષ્યમાં તેની ખબર પડશે. તેમણે એમ પણ કહ્યું કે, હમણાં કોંગ્રેસ-કોંગ્રેસ ચાલે છે અને સ્વાભિમાનની લડાઇ ક્યાંય દેખાય નથી રહી. તેમણે કહ્યું કે, “સ્વાભિમાનની લડાઇ રૂપાલા સુધી જ સીમિત રાખવાની હતી, પણ હવે કોંગ્રેસ-ભાજપ કરી નાખ્યું છે. આમાં મને સ્વાભિમાનની કોઇ લડાઇ ચાલતી હોય તેવું મને નથી લાગતું.”

    તેમણે સંકલન સમિતિ પર રોષ ઠાલવતાં કહ્યું કે, મેં જ્યારથી સંકલન સમિતિનો વિરોધ કર્યો ત્યારથી અમુક અભદ્ર ટિપ્પણીઓ આવવા માંડી છે. પરંતુ હું તેમને જવાબ આપીશ નહીં. તેઓ તેમનું કામ કરે છે, હું સમાજ અને હિંદુત્વનું કામ કરી રહી છું.” તેમણે આગળ કહ્યું કે, “હું કોઈનાથી ડરીશ નહીં. મને અત્યારે પણ એવા ફોન આવી રહ્યા છે કે તમે મોદીનું ઉપરાણું લો છો. હું મોદી સાહેબનું ઉપરાણું નથી લેતી, હિંદુત્વને સાથે લઈને ચાલવું જોઈએ. આજે આ સમાજને ગુમરાહ કરી નાખ્યો છે. પણ ત્યારથી મારી સામે ઘણું ચાલુ થઈ ગયું. 

    સમિતિ વિશે તેમણે કહ્યું કે, મહાસંમેલન અને તે પહેલાં પણ જે સમ્મેલનમાં હું જાઉં ત્યાં સંકલન સમિતિના ચાર-પાંચ લોકો છે તેઓ મને બોલવા દેતા નથી કે સ્થાન આપતા નથી. હવે તો મીડિયામાં પણ મારી બાઈટ લેવાની ના પાડવામાં આવી રહી છે. અત્યારે સંકલન સમિતિના અમુક તત્વોને એવું છે કે પદ્મિનીબા ઘરે શાંતિથી બેસી જાય. એટલે તેઓ કરે છે તો કરવા દેવું જોઈએ, એમ માનીને હું ઘરે બેસી ગઈ હતી, તોપણ એ લોકોને નડે છે. બહાર નીકળું તોપણ નડે છે, તો સંકલન સમિતિએ કરવું છે શું. 

    જોકે, તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ સમાજ સાથે જ છે અને સહકાર પણ પૂરેપૂરો આપશે. પરષોત્તમ રૂપાલાએ ફરી માંગેલી માફી વિશે તેમણે કહ્યું કે, આખો સમાજ જે કરે એ થશે. આમાં હું એકલી કંઈ કહી ન શકું. પણ અત્યારે કોંગ્રેસ-કોંગ્રેસ ચાલી રહ્યું છે, તેમાં અમારી સ્વાભિમાનની લડત દેખાય નથી રહી.” 

    પદ્મિનીબા વાળા એ મહિલાઓ પૈકીનાં એક છે, જેમણે પરષોત્તમ રૂપાલાનો તેમના નિવેદનના કારણે વિરોધ શરૂ કર્યો હતો. જોકે પછીથી રાજપૂત સંકલન સમિતિ સાથે મતભેદો થવાના કારણે તેઓ સમિતિથી દૂર થઈ ગયાં છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં