નીતિ આયોગ દ્વારા ‘નેશનલ મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઈન્ડેક્સઃ પ્રોગ્રેસ ઓફ રિવ્યુ 2023’ના શીર્ષક હેઠળના અહેવાલમાં ગુજરાતના ગરીબી દર અંગે આંકડા બહાર પાડવામાં આવ્યા છે. ગુજરાતમાં વર્ષ 2015-16થી 2019-21 દરમિયાન કુલ 47 લાખ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે. ગરીબી રેખા હેઠળના લોકોનો વસ્તી દર 18.47% થી ઘટીને 11.66% નોંધાયો છે, જે ગુજરાતની કુલ વસ્તીના લગભગ 5.13% છે. નીતિ આયોગના રિપોર્ટ અનુસાર વર્ષ 2015-16 અને 2019-21 દરમિયાન સમગ્ર દેશમાં લગભગ 13.5 કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે.
નીતિ આયોગના અહેવાલ મુજબ, ગુજરાતમાં સરકાર દ્વારા મળતી શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવી વિવિધ સરકારી યોજનાઓનું પણ મહત્વનું યોગદાન હોવાનું જણાવાયું છે. વર્ષ 2015-16માં રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં ગરીબ લોકોની વસ્તી 27.5% હતી, જેમાં વર્ષ 2019-21માં 17.15%નો ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત શહેરી વિસ્તારમાં ગરીબીનો દર 2015-16માં 6.49% હતો, જે 2019-21માં ઘટીને 3.81% થયો છે. રાજકોટ જિલ્લામાં સૌથી ઓછી 3.98% ગરીબ વસ્તી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે દાહોદમાં રાજ્યનો સૌથી વધુ ગરીબી દર 38.27% નોંધાયો છે. બીજી બાજુ અમદાવાદનું સ્થાન 5.49% ગરીબ વસ્તી સાથે પાંચમા ક્રમે છે.
નોંધનીય છે કે, ગુજરાત વ્યાપાર ક્ષેત્રે વિશ્વભરમાં ખૂબ પ્રસિદ્ધ છે. અન્ય રાજ્યના લોકો પણ ગુજરાતમાં રોજગાર મેળવવા માટે અહીં વસવાટ કરતા હોય છે. તાજેતરમાં બહાર પાડવામાં આવેલા નીતિ આયોગના અહેવાલ અનુસાર શહેરી વિસ્તારની સરખામણીએ ગ્રામ્ય વિસ્તારમાં ગરીબી રેખામાં ઘટાડો થયા હોવાનું બહાર આવ્યું છે. જેથી કહી શકાય કે, શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા અને રોજગારને લગતી રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનું ગરીબી ઘટાડવામાં નોંધપાત્ર યોગદાન રહ્યું છે.
રિપોર્ટ અનુસાર, ભારતમાં સૌથી વધુ ગરીબી ધરાવતા રાજ્યમાં ઝારખંડ, ઓડિશા અને દાદરા નગરહવેલીનો સમાવેશ થાય છે. વર્ષ 2011-12ની માહિતી મુજબ દેશમાં કુલ 21.92% લોકો ગરીબી રેખા હેઠળ જીવન જીવતા હતા એટલે કે આશરે 26 કરોડ 97 લાખ લોકો ગરીબ હતા. જેમાં ગરીબી રેખા હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં 25.70% અને શહેરી વિસ્તારમાં 13.70% ગરીબી હોવાની માહિતી ધ્યાનમાં આવી હતી. તે સમયે દેશના કુલ ગરીબોમાંથી લગભગ 21 કરોડ ગરીબ લોકો માત્ર ગ્રામ્ય વિસ્તારોના હતા. જ્યારે 5 કરોડ ગરીબ લોકો શહેરી વિસ્તારના હોવાનું જાણવા મળ્યું છે.