દેશમાં તમામ ચૂંટણીઓ એકસાથે કરાવવા તરફ આગળ વધતાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે બુધવારે (18 સપ્ટેમ્બર) ‘વન નેશન-વન ઇલેક્શન’ પર ગઠિત સમિતિએ સોંપેલા રિપોર્ટને મંજૂરી આપી દીધી છે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક સમિતિ બનાવવામાં આવી હતી, જેણે ગત માર્ચ, 2024માં પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. આ રિપોર્ટને મોદી સરકારની કેબિનેટે મંજૂરી આપી છે. હવે સંસદના આગામી સત્રમાં બિલ લાવવામાં આવે તેવી શક્યતા છે.
બુધવારે (18 સપ્ટેમ્બર) મોદી સરકારની કેબિનેટ બેઠક મળી હતી, જેમાં ‘વન નેશન-વન ઇલેક્શન’ પર સમિતિએ સોંપેલા રિપોર્ટને સ્વીકારી લેવામાં આવ્યો અને અધિકારિક મંજૂરી અપાઈ. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હવે સરકાર આગામી સંસદના સત્રમાં (શિયાળુ સત્ર, ડિસેમ્બરમાં) એક બિલ લાવશે અને બંધારણમાં સંશોધન કરીને એકસાથે ચૂંટણી યોજવાનો માર્ગ મોકળો બનાવશે.
ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલાં જ એક સમાચાર સામે આવ્યા હતા, જેમાં જણાવવામાં આવ્યું હતું કે મોદી સરકારના આ જ કાર્યકાળ દરમિયાન ‘વન નેશન-વન ઇલેક્શન’ લાગુ કરવામાં આવશે અને 2029માં તમામ ચૂંટણીઓ એકસાથે થશે. મોદી સરકાર 3.0ના પ્રથમ 100 દિવસ પૂર્ણ થવા પર આ રિપોર્ટ સામે આવ્યો હતો. હવે જાણવા મળ્યા અનુસાર, કેબિનેટની મંજૂરી પણ મળી ગઈ છે.
શું છે સમિતિના રિપોર્ટમાં?
આ સમિતિની રચના 2 સપ્ટેમ્બર, 2023ના રોજ કરવામાં આવી હતી. પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદ તેના અધ્યક્ષ છે. બાકીના સભ્યોમાં ગૃહમંત્રી અમિત શાહ, રાજ્યસભામાં પૂર્વ વિપક્ષ નેતા ગુલામ નબી આઝાદ, ફાયનાન્સ કમિશનના પૂર્વ ચેરમેન એન.કે સિંઘ, લોકસભાના પૂર્વ સેક્રેટરી જનરલ સુભાષ કશ્યપ, વરિષ્ઠ વકીલ હરીશ સાલવે વગેરે તેના સભ્યો છે. કાયદા મંત્રી અર્જુનરામ મેઘવાલ આમંત્રિત સદસ્ય છે. લોકસભામાં વિપક્ષ નેતા અધીર રંજન ચૌધરીને પણ સભ્ય નીમવામાં આવ્યા હતા, પરંતુ તેમણે રાજીનામું આપી દીધું હતું. સમિતિએ કુલ 65 બેઠકો કરીને વિવિધ રાજકીય પાર્ટીઓ સહિત અનેક હિતધારકો, નિષ્ણાતોના મત લઈને, ચર્ચા-વિચારણાને અંતે આ રિપોર્ટ તૈયાર કર્યો છે. જે રાષ્ટ્રપતિને સોંપવામાં આવ્યો હતો.
સમિતિએ ભલામણ કરી છે કે પહેલા તબક્કામાં લોકસભા અને તમામ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવામાં આવે. ત્યારબાદ બીજા તબક્કામાં મહાનગરપાલિકા-નગરપાલિકાઓ અને પંચાયતોની ચૂંટણી યોજાય. જે સંસદ-વિધાનસભાની ચૂંટણીના 100 દિવસોની અંદર કરવામાં આવે.
આ સિવાય સમિતિએ સંસદ, વિધાનસભા, નગરપાલિકાઓ અને પંચાયતોની ચૂંટણી માટે એક જ મતદાર યાદી અને એક જ ફોટો આઇડેન્ટિટી કાર્ડની પણ ભલામણ કરી છે. આ માટે આર્ટિકલ 325માં સુધારો કરવો પડશે અને ચૂંટણી પંચ રાજ્યોનાં કમિશનો સાથે મળીને આ કામ કરી શકશે. જોકે, આ સુધારા માટે રાજ્યોની સહમતી જરૂરી છે.