રાજકોટના (Rajkot) જસદણમાં (Jasdan) બળાત્કાર અને બ્લેકમેલિંગનો મામલો સામે આવ્યો છે. અહીં સરફરાજ નામક એક યુવક પર સોશિયલ મીડિયાના માધ્યમથી સગીરાને ફસાવવાનો આરોપ છે. ફરિયાદ છે કે તે સગીરાને લગ્નની લાલચ આપીને વારંવાર તેની સાથે શારીરિક સંબંધ બાંધતો હતો અને બ્લેકમેલિંગ કરી રહ્યો હતો. તેનાથી ત્રાસીને આખરે સગીરાએ કંટાળીને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરી લીધી હતી.
અહેવાલો અનુસાર, આ મામલો રાજકોટ જિલ્લાના જસદણમાં આવેલ આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા સાણથલી ગામનો છે. આ ગામમાં રહેતી સગીરાને તેના જ ગામમાં રહેતા સરફરાજ ભટ્ટીએ ફસાવી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાવવામાં આવી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી બંને સંપર્કમાં આવ્યાં હતાં, પછી યુવક સગીરાને બ્લેકમેઇલ કરતો હતો.
ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, સરફરાઝે સગીરાને લગ્નની લાલચ આપી તેની પ્રેમજાળમાં ફસાવી હતી. તે સગીરાને બ્લેકમેઇલ કરી અને લગ્નની લાલચ આપ્યા બાદ તેના પર અવારનવાર બળાત્કાર ગુજારતો હતો. સરફરાજના કૃત્યોથી કંટાળીને સગીરાએ તેના પરિવારજનોને જાણ કરી હતી. ત્યારપછી પરિવારે સમગ્ર મામલા અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે ત્વરિત એક્શન લઇ સરફરાજની ધરપકડ કરી હતી. ઑપઇન્ડિયાએ આ મામલે વધુ માહિતી મેળવવા આટકોટ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવાના પ્રયાસ કર્યા હતા, જોકે પોલીસનો સંપર્ક થઇ શક્યો નહોતો. અહેવાલો જણાવી રહ્યા છે કે સરફરાજની ધરપકડ કરી લેવામાં આવી હતી.
પોલીસે આરોપી વિરુદ્ધ POCSO અને અન્ય કલમો અંતર્ગત ગુનો નોંધ્યો છે અને ધરપકડ કરીને રિમાન્ડની માંગણી કરી છે. હાલ તેની પૂછપરછ હાથ ધરીને વધુ તપાસ કરવામાં આવી રહી છે.