પેપર ડમી કાંડ બાદ હવે AAP નેતા યુવરાજ સિંહને હવે વધુ એક FIRનો સામનો કરવો પડી શકે છે. આ મામલો છે કથિતરૂપે ડમી પેપર લખનાર એક વ્યક્તિનું અપહરણ કરવાનો તેમજ તેને ઘરમાં ગોંધી રાખવાનો. અહેવાલો અનુસાર આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો હતો જ્યારે SOG સમક્ષ હાજર થવાના એક દિવસ અગાઉ યુવરાજ સિંહે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.
New 18 ગુજરાતીના એક અહેવાલ અનુસાર જ્યારે SOG સામે હાજર થવાનું હતું તેના એક દિવસ અગાઉ યુવરાજ સિંહે પ્રેસ કોન્ફરન્સ સંબોધિત કરી હતી. આ કોન્ફરન્સમાં તેણે એક વ્યક્તિનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે તેના માતપિતા તેની પાસે આવીને તેને વિનંતી કરી ગયા હતાં કે પોતાના પુત્રનું નામ તેઓ પ્રેસ કોન્ફરન્સમાં ન લે કારણકે તે સગીર છે અને તેની કારકિર્દીનો પ્રશ્ન છે. ત્યારબાદ યુવરાજે આ વ્યક્તિનો તે સગીર હોવા છતાં તેનો વિડીયો ઉતાર્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
યુવરાજ સિંહે એમ પણ જણાવ્યું હતું કે આ માતાપિતાએ ખોળો પાથરીને તેની સમક્ષ વિનંતી કરી હતી. યુવરાજ સિંહે પ્રેસ કોન્ફરન્સમાં આ વ્યક્તિનું નામ તો લીધું ન હતું પરંતુ આ ઘટના બની હતી તેનો ઉલ્લેખ જરૂર કર્યો હતો. હવે પોલીસ સમક્ષ એ વ્યક્તિના માતાપિતા જ યુવરાજ સિંહ વિરુદ્ધ પોતાના પુત્રનું અપહરણ કરવા તેમજ તેને તેની મરજી વિરુદ્ધ ઘરમાં ગોંધી રાખવાની ફરિયાદ કરી શકે છે તેમ ઉપરોક્ત અહેવાલ જણાવે છે.
આ અહેવાલમાં સૂત્રો એમ પણ કહી રહ્યા છે કે સંબંધિત વ્યક્તિ જે ગામનો છે એ ગામનાં સરપંચને પણ આ નવી FIRમાં સાક્ષી બનાવવામાં આવી શકે છે. જો આ નવી FIR દાખલ કરવામાં આવશે તો AAP નેતા યુવરાજ સિંહની મુશ્કેલીઓ વધી શકે છે. જાણવા મળ્યાં મુજબ અપહરણની ફરિયાદ ઘોઘા પોલીસ સ્ટેશને દાખલ થઇ શકે છે.
AAP નેતા યુવરાજ સિંહની ડમી પેપર કાંડને અનુલક્ષીને ગયા અઠવાડીએ ધરપકડ થઇ હતી, ભાવનગર SOG સમક્ષ પહેલી તારીખ દરમ્યાન પોતાની તબિયત ખરાબ હોવાનું કહીને યુવરાજ સિંહ હાજર નહોતા થયા અને વધુ મુદત માંગી હતી. પરંતુ SOGએ વધુ મુદત ન આપતાં બે જ દિવસમાં હાજર થવાનું કહેતા યુવરાજ સિંહ હાજર થયા હતાં અને તેમની લાંબી પુછપરછ બાદ તેમની SOG દ્વારા ધરપકડ કરવામ આવી હતી.