Thursday, March 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરેસ્ક્યુ હોય કે રક્તદાન, ઓડિશા ટ્રેન દુર્ઘટના બાદ સેવામાં ખડેપગે રહ્યા RSS સ્વયંસેવકો:...

    રેસ્ક્યુ હોય કે રક્તદાન, ઓડિશા ટ્રેન દુર્ઘટના બાદ સેવામાં ખડેપગે રહ્યા RSS સ્વયંસેવકો: એક મેસેજ ગયો અને સેંકડો કાર્યકરો હાજર થઇ ગયા; બજરંગ દળ પણ સેવામાં કાર્યરત 

    ટ્રેન અકસ્માત આ હિંદુ સંગઠનોના કાર્યકરોએ રેસ્ક્યુ, રક્તદાન, ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવા અને પીડિતો અને તેમના પરિજનોની ભોજન-પાણીની વ્યવસ્થા વગેરેની જવાબદારી પોતાના માથે લઇ લીધી હતી.

    - Advertisement -

    ઓડિશા ખાતે એકસાથે ત્રણ ટ્રેન વચ્ચે અકસ્માત થતાં કરૂણાંતિકા સર્જાઈ હતી અને સેંકડો લોકો ઇજા પામ્યા હતા. અત્યાર સુધીના અહેવાલો અનુસાર, ઘટનામાં કુલ 288 લોકોનાં મોત થયાં છે જ્યારે 700થી વધુ લોકો સારવાર હેઠળ છે. આ ઘટના બન્યાની થોડી જ ક્ષણોમાં જેમ-જેમ ખબર પડતી ગઈ તેમ લોકો ઘટનાસ્થળે એકઠા થતા ગયા હતા અને રેસ્ક્યુ શરૂ કરી દીધું હતું, પછીથી NDRF-SDRFની ટીમો અને આર્મી પણ જોડાઈ હતી. આ બચાવકાર્યમાં બજરંગ દળ અને RSSના સ્વયંસેવકો પણ પાછળ પડ્યા ન હતા. 

    ટ્રેન અકસ્માત આ હિંદુ સંગઠનોના કાર્યકરોએ રેસ્ક્યુ, રક્તદાન, ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવા અને પીડિતો અને તેમના પરિજનોની ભોજન-પાણીની વ્યવસ્થા વગેરેની જવાબદારી પોતાના માથે લઇ લીધી હતી.

    નવભારત ટાઈમ્સના અહેવાલ મુજબ, દુર્ઘટના બાદ સંઘના સ્વયંસેવકોના એક વોટ્સએપ ગ્રુપમાં રક્તદાન માટે એક મેસેજ મોકલવામાં આવ્યો હતો. જે વાંચ્યા બાદ ગણતરીની મિનિટોમાં અગણિત સ્વયંસેવકો તાત્કાલિક દવાખાને પહોંચી ગયા. આટલું જ નહીં, જે જગ્યા પર આ ગમખ્વાર અકસ્માત સર્જાયો તે સ્થળે પણ સંઘના સ્વયંસેવકો રેસ્ક્યુ ઓપરેશનમાં મદદે દોડી ગયા હતા. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર જે જગ્યા પર પ્રશાસન પણ એક સમયે મૂંઝવણમાં મૂકાયું હતું તે સમયે સંઘના સ્વયંસેવકોએ મોરચો સંભાળ્યો અને ઘાયલોને બચાવવામાં મદદ કરી હતી. પોતાના ખાનગી વાહનોમાં પહોંચેલા RSSના કાર્યકર્તાઓએ એક પણ ક્ષણ વ્યર્થ કર્યા વગર તેમના જ વાહનોમાં અનેક ઘાયલોને તાત્કાલિક સારવાર માટે ખસેડ્યા હતા. NDRFની રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં જ સંઘના 250થી વધુ સ્વયંસેવકો મદદ માટે પહોંચી ચૂક્યા હોવાનું પણ રિપોર્ટમાં જણાવાયું છે.

    - Advertisement -

    રિપોર્ટ અનુસાર, RSS કાર્યકર્તા રવિનારાયણનું કહેવું છે કે આ ટ્રેન દુર્ઘટના બાલાસોરના મહંગા ગામ પાસે થઈ હતી. સંઘના ઘણા કાર્યકરો આ ગામમાં રહે છે. ઘટનાસ્થળથી માત્ર 3 કિમી દૂર સંઘના બાલાસોર જિલ્લા કાર્યકર્તાનું ઘર આવેલું છે. અકસ્માત બાદ તેઓ કેટલાક સ્વયંસેવકો સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જ્યારે તેમણે જોયું કે પરિસ્થિતિ અત્યંત ભયાનક છે, ત્યારે તેમણે વોટ્સએપ મેસેજ અને કોલ દ્વારા સ્વયંસેવકોને વહેલી તકે મદદે પહોંચવા આહ્વાન કર્યું હતું. આ ઘટના સાંજે 6.50 વાગ્યાની આસપાસ બની હતી અને 7 વાગ્યા સુધીમાં સંઘના કાર્યકરો આવી પહોંચ્યા હતા.

    ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને સંઘના કાર્યકર્તાઓએ પ્રશાશન પહોંચે તે પહેલાં જ સ્થાનિક લોકોની મદદથી ટ્રેનના દરવાજા ખોલીને ઘાયલોને બહાર કાઢવાનું શરૂ કરીને બાઈક, ગાડી અને ટ્રેક્ટરની મદદથી તેમને તાત્કાલિક સારવાર માટે પહોંચાડવા લાગ્યા હતા. જ્યાં સુધી એમ્બ્યુલન્સ આવે ત્યાં સુધીમાં સંઘના સ્વયંસેવકો અનેક ઘાયલોને હોસ્પિટલ પહોંચાડી ચૂક્યા હતા. જણાવ્યા અનુસાર એક બીજા પર ચડી ગયેલા ટ્રેનના ડબ્બામાંથી ઘાયલોને બહાર કાઢવા ખૂબ મુશ્કેલ હતા, રેસ્ક્યુ ટીમો પણ મૂંઝવણમાં હતી તે સમયે રમેશ નામના એક સ્વયંસેવક હિંમત દાખવીને બોગી પર ચડી ગયા અને અંદર ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા.

    સંઘના અનેક કાર્યકર્તાઓ રાતથી જ મદદ કાર્યોમાં વળગેલા હતા અને રેસ્ક્યુ અને રક્તદાન બાદ પણ આ સેવાકાર્યો ન અટકાવતાં સવારે પણ યાત્રીઓના પરિજનો અને બચાવ દળોના જમવા અને પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં લાગી ગયા હતા. હજારોની સંખ્યામાં સ્વયંસેવકો ભોજન અને પાણી પહોંચાડવાની કવાયદમાં ખડેપગે રહ્યા હતા. સાથે જ દવાખાનામાં દાખલ યાત્રીઓના પરિવાર સાથે સંપર્ક કરવા માટે પણ સંઘના સ્વયંસેવકોનો સિંહ ફાળો રહ્યો હોવાનું મીડિયા અહેવાલો જણાવી રહ્યા છે.

    સંઘ ઉપરાંત બજરંગદળ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓએ પણ ઓડિશા ટ્રેન અકસ્માત બાદ ખડેપગે સેવા આપી રહ્યા છે. અનેક જગ્યાઓ પર રક્તદાન કેન્દ્રો ઊભાં કરીને ઘાયલો માટે લોહી એકઠું કરવાનું કાર્ય પણ તેમના દ્વારા કરવામાં આવ્યું, સાથે જ અન્ય હિંદુ સંગઠનોના કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં રક્તદાન કરવા પહોંચ્યા હતા.

    RSS ઉપરાંત અગ્રણી હિંદુ સંગઠન વિશ્વ હિંદુ પરિષદની યુવા પાંખ બજરંગ દળના કાર્યકર્તાઓએ પણ આ સેવાકાર્યોમાં શક્ય તમામ મદદ કરી હતી. સંગઠનના કાર્યકર્તાઓ બચાવ કાર્ય, રક્તદાન, ઘાયલોની સારવારથી માંડીને તમામ રીતે મદદ કરી હતી અને આખી રાત ખડેપગે રહ્યા હતા. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં