Tuesday, November 12, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઓરિસ્સામાં ત્રણ ટ્રેન વચ્ચે અકસ્માત: કોરોમંડલ એક્સપ્રેસ, હાવડા એક્સપ્રેસ અને માલગાડી અથડાતાં...

    ઓરિસ્સામાં ત્રણ ટ્રેન વચ્ચે અકસ્માત: કોરોમંડલ એક્સપ્રેસ, હાવડા એક્સપ્રેસ અને માલગાડી અથડાતાં સેંકડો મુસાફરોને ઇજા, અનેકની હાલત ગંભીર

    સુપરફાસ્ટ એક્સપ્રેસ મેઈન લાઈન પર ચાલી રહી હતી, જ્યાંથી પાટા પરથી ઉતરી ગયા બાદ લૂપ લાઈન પર ઉભેલી માલગાડી સાથે ટકરાઈ હતી.

    - Advertisement -

    ઓરિસ્સામાં શુક્રવારે (2 જૂન, 2023) સાંજે એક મોટો ટ્રેન અકસ્માત સર્જાયો છે. અહીં યશવંતપુર-હાવડા એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગયા બાદ એ જ ટ્રેક પર આવતી કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન તેની સાથે અથડાઈ હતી. આ બંને ટ્રેનના ડબ્બા ત્રીજા ટ્રેક પર ઉભેલી માલગાડી સાથે ટકરાયા હતા. આ ઘટનામાં અનેક લોકોને ઇજા પહોંચી છે તો અનેક ગંભીર રીતે ઘાયલ થયા છે. 

    અકસ્માત સાંજે લગભગ 6:50 વાગ્યે બન્યો હોવાનું કહેવાય છે. કોરોમંડલ એક્સપ્રેસ બપોરે 3:30 વાગ્યે કોલકત્તાના શાલિમાર સ્ટેશન ઉપડી હતી અને 6:30 વાગ્યે ઓરિસ્સાના બાલાસોર સ્ટેશને પહોંચી હતી. જ્યાં બાલાસોરના બહનગા સ્ટેશન નજીક ટ્રેનને અકસ્માત નડ્યો હતો. ટ્રેન આવતીકાલે સાંજે 4:50 વાગ્યે ચેન્નાઇ પહોંચવાની હતી.

    રિપોર્ટ અનુસાર, સુપરફાસ્ટ એક્સપ્રેસ મેઈન લાઈન પર ચાલી રહી હતી, જ્યાંથી પાટા પરથી ઉતરી ગયા બાદ લૂપ લાઈન પર ઉભેલી માલગાડી સાથે ટકરાઈ હતી. અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે ટ્રેનનું એન્જીન માલગાડી પર ચડી ગયું હતું અને અન્ય ઘણા ડબ્બા ઉતરી ગયા હતા.

    - Advertisement -

    તાજા અહેવાલો અનુસાર, ઘટનામાં અનેક મુસાફરોને ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. આ તમામને બાલાસોરની નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતને જોતાં અનેક લોકોનાં મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઇજાગ્રસ્તોમાંથી 30 વ્યક્તિઓની હાલત ગંભીર હોવાનું કહેવાય રહ્યું છે. 

    ઘટના બાદ તાત્કાલિક સ્પેશિયલ રિલીફ કમિશનર અને અન્ય અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. મેડિકલ કોલેજ અને બાલાસોરની આસપાસની તમામ હોસ્પિટલોને એલર્ટ પર રાખવામાં આવી છે. બીજી તરફ, બચાવકાર્ય માટે 3 NDRF યુનિટ્સ, 4 ODRAF યુનિટ્સ અને 60 એમ્બ્યુલન્સને બોલાવી લેવામાં આવ્યાં હતાં અને આ લખાય રહ્યું છે ત્યારે બચાવકાર્ય ચાલી રહ્યું છે. 

    હાલ આ રુટની તમામ ટ્રેનને રોકી દેવામાં આવી છે તો કેટલીક અન્ય રૂટ પર મોકલી આપવામાં આવી છે. બીજી તરફ ઘટનાસ્થળે બચાવકાર્ય માટે ટીમો મોકલવામાં આવી રહી છે. ઓરિસ્સાના મુખ્ય સચિવે જણાવ્યું કે, ઇજાગ્રસ્તોને લઇ જવા માટે 50 એમ્બ્યુલન્સ કામે લગાડવામાં આવી છે પરંતુ ઘાયલોની સંખ્યા વધુ છે, જેના કારણે તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવા માટે મોટી સંખ્યામાં બસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 

    આ ઘટનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એક ટ્વિટ કર્યું છે અને ઘાયલોના ઝડપી સ્વાસ્થ્યની પ્રાર્થના કરી છે. સાથે તેમણે ઉમેર્યું કે તેમણે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે ફોન પર ચર્ચા કરી છે અને હાલ બચાવકાર્ય ગતિમાં છે. તેમણે અસરગ્રસ્તોને તમામ પ્રકારની સહાય પૂરી પાડવાનું આશ્વાસન આપ્યું હતું. 

    (નવી જાણકારી મળ્યા બાદ રિપોર્ટ અપડેટ કરવામાં આવ્યો છે.)

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં