Saturday, April 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટજ્યાં ટ્રેન દુર્ઘટના થઇ ત્યાં પહોંચ્યા વડાપ્રધાન મોદી, હોસ્પિટલમાં દાખલ ઇજાગ્રસ્તોને પણ...

    જ્યાં ટ્રેન દુર્ઘટના થઇ ત્યાં પહોંચ્યા વડાપ્રધાન મોદી, હોસ્પિટલમાં દાખલ ઇજાગ્રસ્તોને પણ મળ્યા, કહ્યું- તપાસના આદેશ અપાયા છે, દોષિતોને બક્ષવામાં નહીં આવે 

    ઘટનાસ્થળે ચાલી રહેલા રાહત કર્યોની પીએમ મોદીએ સમીક્ષા કરી હતી તેમજ સ્થાનિક અધિકારીઓ, NDRF કર્મીઓ અને રેલવે અધિકારીઓ સાથે વાતચીત કરી હતી.

    - Advertisement -

    ઓડિશામાં ભયાનક ટ્રેન અકસ્માત સર્જાયા બાદ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે પીએમ મોદી બાલાસોર પહોંચ્યા હતા તેમજ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને મળ્યા હતા. શુક્રવારે (2 જૂન, 2023) સાંજે થયેલી આ દુર્ઘટનામાં 288 લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યા છે, તો 747 લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. અહીં પીએમ મોદીએ મીડિયા સાથે વાતચીત પણ કરી હતી અને ઘટના અંગે દુઃખ વ્યક્ત કરીને કહ્યું હતું કે જવાબદારોને છોડવામાં આવશે નહીં.

    શનિવારે (3 જૂન, 2023) પીએમ મોદી બાલાસોર ખાતે જ્યાં ત્રણ ટ્રેન અથડાઈ હતી તે સ્થળે પહોંચ્યા હતા. ઘટનાસ્થળે ચાલી રહેલા રાહત કર્યોની પીએમ મોદીએ સમીક્ષા કરી હતી તેમજ સ્થાનિક અધિકારીઓ, NDRF કર્મીઓ અને રેલવે અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. ઘટનાસ્થળેથી વડાપ્રધાન બાલાસોરની ફકીર મોહન હોસ્પિટલ પહોંચ્યા હતા અને ત્યાં દાખલ કરવામાં આવેલા ઘાયલોને મળ્યા હતા. પીએમ મોદીએ ડોક્ટરો પાસેથી તેમની સ્થિતિનો તાગ મેળવ્યો હતો.

    ‘દોષિતોને કડકમાં કડક સજા મળશે’

    પીએમ મોદીએ કહ્યું કે, આ દર્દનાક અને મનને વિચલિત કરનારી ઘટના છે. જેમને ઇજા પહોંચી છે તેમના ઉત્તમ સ્વાસ્થ્ય માટે સરકાર કોઈ કસર નહીં છોડે. જે પરિજન આપણે ગુમાવ્યા છે તેઓ તો પરત નહીં આવે પરંતુ સરકાર તેમના પરિજનોના દુઃખમાં તેમની સાથે છે. સરકાર માટે આ ઘટના અત્યંત ગંભીર છે અને દરેક પ્રકારની તપાસના નિર્દેશ આપવામાં આવ્યા છે અને જે કોઈ પણ દોષી હશે તેને બક્ષવામાં નહીં આવે. 

    - Advertisement -

    તેમણે દુર્ઘટના બાદ શક્ય તમામ મદદ પૂરી પાડનારા ઓડિશાના અધિકારીઓની પણ પ્રશંસા કરી તો રાતોરાત હજારો યુનિટ બ્લડ એકત્રિત કરનારા સ્થાનિક યુવકોને પણ અભિનંદન પાઠવ્યા હતા. અહીંના નાગરિકોને પણ આદરપૂર્વક નમન કરું છું કે તેમના સહયોગના કારણે આ રેસ્ક્યુ ઓપરેશન ઝડપથી આગળ વધારી શકાયું. ટ્રેક જલ્દીથી રિસ્ટોર થઇ જાય અને ફરીથી પરિવહન શરૂ થાય તે માટે રેલવે વિભાગ કામ કરી રહ્યો છે. હું આજે સ્વયં જઈને જોઈને આવ્યો છું. હોસ્પિટલમાં ઘાયલ નાગરિકો સાથે પણ મુલાકાત કરી છે. 

    ઓડિશા માટે રવાના થતાં પહેલાં વડાપ્રધાને દિલ્હીમાં એક ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી અને ઘટના અંગેની માહિતી અધિકારીઓ પાસેથી મેળવી હતી. રેલવે વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટ્રેન અકસ્માતમાં રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ થઈ ગયું છે અને હવે રિસ્ટોરેશનની કામગીરી શરુ કરવામાં આવી છે. અકસ્માતના કારણે આ રૂટની ઘણી ટ્રેનને અટકાવી દેવામાં આવી છે તો કેટલીકનો રૂટ બદલી નાંખવામાં આવ્યો છે. જાણકારી અનુસાર, 48 ટ્રેન રદ કરવામાં આવી છે જ્યારે 39 ડાઇવર્ટ કરાઈ છે અને 10 ટ્રેનનો રૂટ ટૂંકાવી દેવામાં આવ્યો છે.

    કોરોમંડલ એક્સપ્રેસ, હાવડા એક્સપ્રેસ અને માલગાડી વચ્ચે થયો ભીષણ અકસ્માત

    ઓડિશાના બાલાસોરમાં ગત 2 જૂને સાંજે સાતેક વાગ્યે શાલિમારથી ચેન્નાઇ જતી કોરોમંડલ એક્સપ્રેસ ઓડિશાના બાલાસોર પાસે પાટા પરથી ઉતરી ગઈ હતી, જેના કારણે તેના 10થી 12 ડબ્બા ખડી પડ્યા હતા. જેમાંથી અમુક ડબ્બા બાજુની લૂપ લાઈન પર ઉભેલી માલગાડી સાથે ટકરાયા હતા. થોડી જ વારમાં એ ટ્રેક પર બેંગલોર-હાવડા એક્સપ્રેસ આવી પહોંચી હતી અને કોરોમંડલ એક્સપ્રેસના ખડી પડેલા ડબ્બા સાથે અથડાતા તેના પણ 3-4 ડબ્બા પડી ગયા હતા. ત્રણ ટ્રેન વચ્ચે થયેલ આ ભીષણ અકસ્માતમાં સેંકડો લોકોને ઇજા પહોંચી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં