Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઓડિશા ટ્રેન અકસ્માતના ઘાયલોના જીવ બચાવવા સેંકડોની સંખ્યામાં આગળ આવ્યા યુવાનો, રક્તદાન...

    ઓડિશા ટ્રેન અકસ્માતના ઘાયલોના જીવ બચાવવા સેંકડોની સંખ્યામાં આગળ આવ્યા યુવાનો, રક્તદાન માટે લાઈનો લાગી: અત્યાર સુધીમાં 3 હજાર યુનિટ બ્લડ એકત્રિત કરાયું

    અકસ્માત સર્જાયા બાદ અનેક યુવાનો બાલાસોર મેડિકલ કૉલેજ ખાતે રક્તદાન કરવા એકઠા થઈ ગયા હતા તો કેટલાક 4-5 કલાકથી લાઈનમાં ઉભા રહીને પોતાનો નંબર આવે તેની રાહ જોઈ રહ્યા હતા.

    - Advertisement -

    શુક્રવારે (2 જૂન, 2023) સાંજે ઓડિશા સ્થિત બાલાસોરમાં ત્રણ ટ્રેન વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેના કારણે 260થી વધુ મુસાફરો મૃત્યુ પામ્યા છે તો સેંકડો લોકોને નાની-મોટી ઇજા પહોંચી છે. અકસ્માતમાં ઘાયલ થયેલા આ લોકોને જરૂરી લોહી પૂરું પાડવા માટે બાલાસોરના સ્થાનિકો રાત્રે જ મોટી સંખ્યામાં હોસ્પિટલ પહોંચ્યા હતા અને રક્તદાન કરવા માટે રીતસરની લાઈનો લાગી હતી. જાણવા મળ્યા અનુસાર, અત્યાર સુધીમાં 3 હજાર યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું છે. 

    અકસ્માત સર્જાયા બાદ અનેક યુવાનો બાલાસોર મેડિકલ કૉલેજ ખાતે રક્તદાન કરવા એકઠા થઈ ગયા હતા તો કેટલાક 4-5 કલાકથી લાઈનમાં ઉભા રહીને પોતાનો નંબર આવે તેની રાહ જોઈ રહ્યા હતા. આ તમામે મળીને 3 હજાર યુનિટ લોહી એકત્રિત કરી નાંખ્યું હતું. આ બાબતની જાણકારી આપતાં કટકની એસસીબી મેડિકલ કોલેજના ડો.જયંત પાંડાએ જણાવ્યું હતું કે, “દુર્ઘટના બાદ યુવાનો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. સેંકડો લોકોએ રક્તદાન કર્યું છે. કટક, બાલાસોર અને ભદ્રકમાં ગઈકાલ રાતથી અત્યાર સુધીમાં 3000 યુનિટથી વધુ લોહી એકઠું થયું છે. આ સિવાય અમને મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી રાહત ભંડોળમાંથી પણ દાન મળી રહ્યું છે.”

    નોંધનીય છે કે આ ઘટના ગમખ્વાર દુર્ઘટના શુક્રવારે (2 જૂન, 2023) મોડી સાંજે બની હતી. સાંજે સાતેક વાગ્યાના અરસામાં શાલિમારથી ચેન્નાઇ જતી કોરોમંડલ એક્સપ્રેસ ઓડિશાના બાલાસોર પાસે પાટા પરથી ઉતરી ગઈ હતી, જેના કારણે તેના 10થી 12 ડબ્બા ખડી પડ્યા હતા. જેમાંથી અમુક બાજુની લૂપ લાઈન પર ઉભેલી માલગાડી સાથે ટકરાયા હતા. થોડી જ વારમાં જે લાઈન પર ડબ્બા પડ્યા હતા ત્યાંથી બેંગ્લોરથી આવતી હાવડા એક્સપ્રેસ આવી પહોંચી હતી. જેથી તેની ટક્કર થવાના કારણે તેના પણ 3-4 ડબ્બા પડી ગયા હતા.

    - Advertisement -

    આ ઘટનામાં સેંકડો લોકોને ઇજા પહોંચી છે તો 261 લોકો મૃત્યુ પામ્યા છે. ઘટના બાદથી જ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું, જે હવે પૂર્ણ થઇ ગયું છે અને રિસ્ટોરેશનનું કામ શરૂ કરી દેવાયું છે. બીજી તરફ, વડાપ્રધાન મોદી પણ ઘટનાસ્થળની મુલાકાત માટે જઈ રહ્યા છે. તેઓ જે સ્થળે ઘટના બની ત્યાં નિરીક્ષણ કરશે અને જાણકારી મેળવશે અને ત્યારબાદ કટક ખાતે જ્યાં ઘાયલોની સારવાર ચાલી રહી છે ત્યાં પણ જશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં