વિપક્ષી દળો સતત અલગ-અલગ મુદ્દાઓ પર મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેવા સમયે એક મોટા નેતાએ મોદી સરકારની પ્રશંસા કરી છે. તેમણે મોદી સરકારને જાહેરમાં 10માંથી 8 ગુણ આપીને તેમની સરાહના કરી છે. ઓડિશાના CM અને BJD અધ્યક્ષ નવીન પટનાયકે મોદી સરકારની વિદેશનીતિ અને ભ્રષ્ટાચાર વિરોધી કાર્યવાહીને લઈને 10માંથી 8 ગુણ આપ્યા છે. સાથે તેમણે ‘વન નેશન, વન ઇલેક્શન’ અને મહિલા અનામત બિલ પર પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી.
અહેવાલોના જણાવ્યા અનુસાર રવિવારે (24 સપ્ટેમ્બરે) ઓડિશામાં મીડિયા સમૂહ દ્વારા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઓડિશાના મુખ્યમંત્રી અને બીજૂ જનતા દળ (BJD)ના અધ્યક્ષ નવીન પટનાયક પણ ઉપસ્થિત હતા. આ કાર્યક્રમમાં CM પટનાયકે મોદી સરકારની વિદેશનીતિ અને ભ્રષ્ટાચાર નાબૂદીની દિશામાં થઈ રહેલા કાર્યોની પ્રશંસા કરી હતી.
Odisha CM Naveen Patnaik applauds PM, giving him an impressive 8/10 for foreign policy and anti-corruption efforts. He hails PM Modi's dedication to eradicating corruption and serving the nation. Patnaik also backs the One Nation One Election initiative.pic.twitter.com/GNU129cjab
— Debiprasad (@AskLipun) September 24, 2023
તેમણે PM મોદીની પ્રશંસા કરતાં કહ્યું હતું કે, PM મોદી ભ્રષ્ટાચારને જડમૂળથી ઉખેડવા માટે કામ કરી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું હતું કે “હું PM મોદીને વિદેશનીતિ અને અન્ય બાબતોમાં જે કંઈ કર્યું છે તેના માટે 10માંથી 8 અંક આપીશ, સાથે જ આ સરકારમાં ભ્રષ્ટાચાર પણ ઓછો થયો છે. તેમણે ભ્રષ્ટાચારને નાબૂદ કરવામાં મદદ કરી છે અને તેઓ આપણાં દેશના લોકોની સેવા કરવાના પૂર્ણ પ્રયાસો કરી રહ્યા છે.”
મહિલા અનામત અને ‘વન નેશન, વન ઇલેક્શન’ પર આપી પ્રતિક્રિયા
મહિલા અનામત બિલ પર એક પ્રશ્નનો જવાબ આપતી વખતે CM પટનાયકે કહ્યું હતું કે, “મને લાગે છે કે આ એક મહત્વપૂર્ણ પગલું છે. મારી પાર્ટીએ હંમેશા મહિલા સશક્તિકરણનું સમર્થન કર્યું છે. મારા પિતાએ (પૂર્વ મુખ્યમંત્રી બીજૂ પટનાયકએ) સ્થાનિક ચૂંટણીઓમાં મહિલાઓ માટે 33% સીટો અનામત રાખી હતી અને મે તેને વધારીને 50% કરી દીધી છે.”
એ ઉપરાંત ‘વન નેશન, વન ઇલેક્શન’ને સમર્થન આપતા BJP પ્રમુખે કહ્યું હતું કે “અમે હંમેશા તેનું સ્વાગત કર્યું છે, અમે તેના માટે તૈયાર છીએ.” એ સિવાય કેન્દ્ર સરકાર સાથેના તેમના સંબંધો વિશે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે “અમારા કેન્દ્ર સાથે મધુર સંબંધો છે, સ્વાભાવિક રીતે અમે અમારા રાજ્યનો વિકાસ ઈચ્છીએ છીએ અને વિકાસમાં કેન્દ્ર સરકારની ભાગીદારી મહત્વપૂર્ણ છે.”