હરિયાણાના નૂંહમાં હિંદુઓની શોભાયાત્રા પર મુસ્લિમ ટોળાંએ હુમલો કરી દેતાં મોટાપાયે હિંસા ફાટી નીકળી હતી. જે મામલે હરિયાણા પોલીસે અનેક FIR દાખલ કરીને સેંકડો તોફાનીઓની ધરપકડ કરી લીધી હતી. હવે સરકારે બુલડોઝર એક્શન થકી ગેરકાયદેસર કબ્જો જમાવીને બેઠેલા લોકોને હટાવવાનું શરૂ કર્યું છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગુરૂવારે (3 ઓગસ્ટ, 2023) સાંજે નૂંહથી 20 કિલોમીટર દૂર આવેલા તાવડુમાં ગેરકાયદેસર કબ્જો કરીને બેઠેલા લોકોનાં લગભગ 250 જેટલાં ઝૂંપડાં તોડી પાડવામાં આવ્યાં હતાં. આમાંથી મોટાભાગના રોહિંગ્યા મુસ્લિમો હોવાનું અને બાંગ્લાદેશથી ભારતમાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરીને અહીં વસવાટ કરતા હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત, તેઓ હિંસામાં પણ સામેલ હોવાના અહેવાલો છે.
Bulldozers in #Nuh
— TOI Gurgaon (@TOIGurgaon) August 4, 2023
More than 200 shanties bulldozed in Tauru area of Nuh in presence of security forces. #Haryanaviolence pic.twitter.com/vH3FIbgQjC
રોહિંગ્યાઓએ હરિયાણા શહેર વિકાસ નિગમની જમીન પર ગેરકાયદેસર કબ્જો જમાવી લીધો હતો. પ્રાથમિક તપાસમાં તેઓ નૂંહમાં થયેલી હિંદુવિરોધી હિંસામાં પણ સામેલ હોવાનું જાણવા મળ્યું હતું. ગુરૂવારે સાંજે સ્થાનિક તંત્રના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને સાથે પોલીસતંત્રની મદદથી ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો, ત્યારબાદ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યાં હતાં.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે, આ ગેરકાયદેસર વસવાટ કરતા લોક્કો બાંગ્લાદેશથી ભારતમાં ઘૂસી આવ્યા હતા અને અગાઉ આસામમાં રહેતા હતા. થોડાં વર્ષોથી તેમણે હરિયાણા અર્બન ઓથોરિટીની જમીન પર વોર્ડ નંબર 1માં મોહમ્મદપુર રોડ પર કબ્જો જમાવી લીધો હતો અને ઘરો-ઝૂંપડાં તાણી બાંધ્યાં હતાં. કુલ 1 એકર જમીન પર ગેરકાયદેસર કબ્જો કરી લેવામાં આવ્યો હતો, જે હટાવી દેવાયો છે.
ઉલ્લેખનીય છે કે નૂંહ હિંસા બાદ પોલીસ અને સ્થાનિક તંત્રે આમાં ઘૂસણખોરો અને બહારનાં તત્વોનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરી હતી. તે પહેલાં સીએમ મનોહરલાલ ખટ્ટરે પણ સંકેત આપ્યા હતા કે હરિયાણા સરકાર પણ યુપીની યોગી આદિત્યનાથ સરકારની જેમ બુલડોઝર એક્શન લેશે.
ઉલ્લેખનીય છે કે સોમવારે (31 જુલાઈ, 2023) હરિયાણાના મેવાત વિસ્તારના નૂંહમાં હિંસા ફાટી નીકળી હતી. હિંદુ સંગઠનો દ્વારા આયોજિત શોભાયાત્રા પર મુસ્લિમ સમુદાયનાં ટોળાંએ પૂર્વનિયોજિત કાવતરાના ભાગરૂપે હુમલો કરી દીધો હતો. આ દરમિયાન પથ્થરમારો કરવામાં આવ્યો તો અનેક વાહનોમાં આગ પણ લગાડી દેવામાં આવી હતી. હિંસામાં કુલ 6 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
નૂંહ હિંદુવિરોધી હિંસાને લઈને ઑપઇન્ડિયાનું વિસ્તૃત કવરેજ અહીંથી વાંચી શકાશે.