હરિયાણાના નૂંહમાં હિંદુઓની ધાર્મિક યાત્રા પર હુમલાની ઘટના બાદ મનોહરલાલ ખટ્ટર સરકાર કડક હાથે કામ લઇ રહી છે. એક તરફ અનેક FIR દાખલ કરીને તોફાનોમાં સામેલ આરોપીઓની ધરપકડ કરવામાં આવી રહી છે તો બીજી તરફ ગેરકાયદેસર બાંધકામો પણ હટાવવામાં આવી રહ્યાં છે. પરંતુ પંજાબ-હરિયાણા હાઇકોર્ટે સોમવારે (7 ઓગસ્ટ, 2023) આ બુલડોઝર એક્શન પર રોક લગાવી દીધી છે.
હાઇકોર્ટે સોમવારે હરિયાણામાં ચાલતી ગેરકાયદેસર બાંધકામો હટાવવાની કામગીરીનું સ્વયં સંજ્ઞાન લીધું હતું અને આગામી આદેશ સુધી નૂંહમાં બુલડોઝર એક્શન પર રોક લગાવી દીધી હતી. હાઇકોર્ટે આ મામલે સરકારને નોટિસ પાઠવીને જવાબ માગ્યો છે. મામલો બપોરે 2 વાગ્યે સાંભળવામાં આવશે.
#BREAKING Punjab and Haryana High Court takes suo motu cognizance of demolitions carried out by authorities in Nuh after communal violence.
— Live Law (@LiveLawIndia) August 7, 2023
Court stays all demolitions.#NuhViolence #Haryana pic.twitter.com/hAfg4UiC91
ઉલ્લેખનીય છે કે તોફાનો બાદ હરિયાણા સરકારે આરોપીઓનાં ગેરકાયદેસર બાંધકામો વિરુદ્ધ ડ્રાઈવ શરૂ કરી હતી અને આવાં મકાનો ચિહ્નિત કરીને એક પછી એક તોડવાનું શરૂ કર્યું હતું. ગુરૂવારે નૂંહની નજીક સરકારી જમીન પર ગેરકાયદેસર કબ્જો જમાવીને રહેતા બાંગ્લાદેશીઓનાં ઝૂંપડાં પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. તપાસમાં જાણવા મળ્યું હતું કે તેમાંથી મોટાભાગના તોફાનોમાં સામેલ હતા.
બીજા દિવસે પણ બુલડોઝર કાર્યવાહી ચાલુ રહી હતી અને પોલીસને સાથે રાખીને સ્થાનિક તંત્રે 45 જેટલાં ઘરો અને દુકાનો પર બુલડોઝર ચલાવ્યાં હતાં. આ ઘરો અને દુકાનો એ તોફાનીઓનાં હતાં, જેમણે ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું. આ ઉપરાંત જે ઘરો પરથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો તેને પણ તોડી પાડવામાં આવ્યું હતું.
રવિવારે (6 ઓગસ્ટ, 2023) સોહનામાં આવેલ સહારા હોટેલ પણ તોડી પાડવામાં આવી. ત્રણ માળની આ હોટેલ પરથી હિંદુઓની ધાર્મિક યાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. રવિવારે સ્થાનિક તંત્રે તેની ઉપર બુલડોઝર ફેરવી દીધું હતું. અધિકારીએ જણાવ્યું હતું કે, તે ગેરકાયદેસર રીતે બની હતી અને તોફાનોમાં અહીંથી પથ્થરો ફેંકવામાં આવ્યા હતા. જેના કારણે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
નૂંહ હિંસાની વાત કરવામાં આવે તો ગત 31 જુલાઈ, 2023 (સોમવારે) હિંદુ સંગઠનોએ એક ધાર્મિક યાત્રાનું આયોજન કર્યું હતું. નિયત સમયે યાત્રા નીકળીને થોડી જ આગળ જતાં મુસ્લિમ વિસ્તારમાં પથ્થરમારો કરવામાં આવ્યો અને ત્યારબાદ હિંસા ફાટી નીકળી હતી. આ હિંસામાં બે હોમગાર્ડ્સ, ત્રણ હિંદુઓ અને એક મૌલવી સહિત કુલ 6 લોકોનાં મોત થયાં હતાં.
હિંસા મામલે પોલીસે અનેક FIR દાખલ કરીને ઉન્માદી તત્વોની ધરપકડ કરી લીધી હતી અને હાલ પણ કાર્યવાહી ચાલુ છે.