શરાબ નીતિ કૌભાંડ મામલે પકડાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને હજુ પણ રાહત મળી નથી. ધરપકડ અને રિમાન્ડ વિરુદ્ધ તેમણે કરેલી અરજી પર દિલ્હી હાઈકોર્ટે કોઈ પણ વચગાળાની રાહત આપવાનો ઇનકાર કરીને EDને જવાબ દાખલ કરવા માટે કહ્યું અને સુનાવણીની આગામી તારીખ 3 એપ્રિલ મુકરર કરી છે.
દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં ED દ્વારા 21 માર્ચના રોજ ધરપકડ બાદ કેજરીવાલને બીજા દિવસે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં 28 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. આ ધરપકડ અને રિમાન્ડના આદેશ વિરૂદ્ધ તેમણે દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરી હતી. શનિવારે (23 માર્ચ) અરજી કરીને તાત્કાલિક સુનાવણીની માંગ કરવામાં આવી, પરંતુ ફગાવી દેવામાં આવી હતી. ત્યારબાદ બુધવારે (27 માર્ચ) સુનાવણી હાથ ધરવામાં આવી.
#BREAKING
— Live Law (@LiveLawIndia) March 27, 2024
⁰No interim relief for today to Arvind Kejriwal as Delhi High Court issues notice on his plea challenging arrest and #ED remand as well as on interim relief plea.
Matter to be heard on April 03.#ArvindKejriwal pic.twitter.com/uokL7ZAA2n
કોર્ટે બુધવારે પ્રથમ કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવી અને ત્યારબાદ ED તરફથી ASG SV રાજુની દલીલો સાંભળી અને આદેશ આપ્યો હતો. કોર્ટે કેજરીવાલને કોઇ વચગાળાની રાહત આપવાની ના પાડી દીધી અને તેમની અરજીઓ પર EDનો જવાબ માગ્યો હતો. હવે આ મામલે એજન્સી જવાબ દાખલ કરશે.
કોર્ટમાં કેજરીવાલ તરફથી અભિષેક સિંઘવીએ દલીલો કરતાં કહ્યું હતું કે આ કેસમાં કેજરીવાલની ધરપકડ કરવાની કોઇ જરૂર ન હતી અને ED દ્વારા ‘તપાસમાં સહકાર ન આપવામાં આવતો હોવાનાં’ કારણો આપીને સત્તાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમણે ચૂંટણી સામે ધરપકડ થવાનો મુદ્દો ઉઠાવ્યો અને દાવો કર્યો કે તેનાથી ખોટો સંદેશ જશે અને આ પગલું લોકશાહીના પ્રાથમિક સિદ્ધાંતોથી વિરુદ્ધ છે.
બીજી તરફ, ED તરફથી ASGએ જણાવ્યું કે, વારંવાર જણાવવામાં આવ્યા છતાં તેમને અરજીની નકલ છેક સોમવારે આપવામાં આવી અને આ કામ શનિવારે જ થઈ શક્યું હોત. તેમણે કેજરીવાલના વકીલો પર જાણીજોઈને મોડું કરવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું કે, તેઓ વિલંબ કરીને મૂંઝવણ પેદા કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, EDએ કોર્ટ સમક્ષ જવાબ દાખલ કરવા માટે સમય માગ્યો હતો. જે વિનંતી કોર્ટે માન્ય રાખી.
કોર્ટે આદેશમાં કહ્યું કે, આ તબક્કે EDનો જવાબ જાણવો જરૂરી છે અને તેમણે કશું નથી કહેવું તેવું માનીને આદેશ પસાર કરી શકાય નહીં. જેથી તેઓ લેખિત જવાબ 2 એપ્રિલ સુધીમાં રજૂ કરે અને 3 એપ્રિલના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.