Wednesday, April 17, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટ‘અમદાવાદનું નામ કર્ણાવતી કરવા માટે છેલ્લાં 2 વર્ષમાં કોઈ દરખાસ્ત મોકલાઈ નથી’:...

  ‘અમદાવાદનું નામ કર્ણાવતી કરવા માટે છેલ્લાં 2 વર્ષમાં કોઈ દરખાસ્ત મોકલાઈ નથી’: વિધાનસભામાં સરકારે જણાવ્યું, સતત ઉઠતી રહી છે શહેરનું નામ બદલવાની માંગ

  તાજેતરમાં જ હિંદુ સંગઠન બજરંગ દળ તેમજ અખિલ ભારતીય વિદ્યાર્થી સંગઠને આ મુદ્દો ઉઠાવીને અમદાવાદ શહેરનું નામ બદલવાની માંગ કરી હતી.

  - Advertisement -

  ગુજરાતના સૌથી મોટા નગર અમદાવાદનું નામ કર્ણાવતી (Karnavati) કરવાની માંગ ઘણા સમયથી ઉઠતી રહી છે. તાજેતરમાં પણ હિંદુ સંગઠનોએ માંગ ઉઠાવીને સરકાર સમક્ષ આ અંગે નિર્ણય લેવાની અપીલ કરી હતી. પરંતુ ગુજરાત સરકારે જણાવ્યું છે કે તેમણે અમદાવાદનું (Ahmedabad) નામ બદલવા અંગે કોઈ દરખાસ્ત મોકલવામાં આવી નથી.

  હાલ ચાલતા વિધાનસભા સત્રમાં આ મુદ્દાની ચર્ચા કરવામાં આવી હતી. જેના જવાબમાં સરકાર તરફથી જણાવવામાં આવ્યું કે તેમના તરફથી કેન્દ્ર સરકારને અમદાવાદનું નામ કર્ણાવતી કરવા માટે કોઈ પણ પ્રકારની દરખાસ્ત મોકલવામાં આવી નથી. 

  કોંગ્રેસ ધારાસભ્ય અને પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આ પ્રશ્ન કર્યો હતો. તેમણે પૂછ્યું હતું કે છેલ્લા 2 વર્ષમાં અમદાવાદ શહેરનું નામ બદલવા માટે રાજ્ય સરકાર તરફથી કેટલી વખત કેન્દ્ર સરકારને દરખાસ્ત મોકલવામાં આવી છે. જેના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે કોઈ દરખાસ્ત કરવામાં આવેલ નથી. ઉપરાંત, બીજો પ્રશ્ન એ પૂછાયો હતો કે કેન્દ્ર સરકાર તરફથી શું પ્રતિભાવ મળ્યા? પરંતુ પહેલો પ્રશ્ન જ નકારમાં હોવાના કારણે બીજો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી તેમ સરકારે જણાવ્યું હતું.

  - Advertisement -

  ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ 2021માં એક ધારાસભ્યે વિધાનસભા સત્રમાં પ્રશ્ન કર્યો હતો અને પૂછ્યું હતું કે સરકારે અમદાવાદનું નામ બદલવા માટે શું પગલાં લીધાં છે? તે સમયે પણ તત્કાલીન વિજય રૂપાણી સરકારે આ આ જ પ્રકારનો જવાબ આપ્યો હતો. 

  અમદાવાદ શહેરનું નામ બદલવા માટેની માંગ વર્ષોથી ઉઠી રહી છે. તાજેતરમાં જ હિંદુ સંગઠન બજરંગ દળ તેમજ અખિલ ભારતીય વિદ્યાર્થી સંગઠને આ મુદ્દો ઉઠાવીને અમદાવાદ શહેરનું નામ બદલવાની માંગ કરી હતી. એબીવીપીએ પોતાનાં સંમેલનમાં અમદાવાદનું નામ બદલવા માટે એક પ્રસ્તાવ પણ પસાર કર્યો હતો. 

  જાન્યુઆરીના અંતમાં અમદાવાદમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે 74 વર્ષ પૂર્ણ થતાં છાત્ર હુંકાર સંમેલન યોજ્યું હતું. આ દરમિયાન કેટલાક પ્રસ્તાવો પસાર કરવામાં આવ્યા, જેમાં આ મુદ્દો પણ સામેલ હતો. સંગઠને પ્રસ્તાવમાં ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, શહેરનું નામ તેની સાચી ઓળખ દર્શાવતું ‘કર્ણાવતી’ કરવામાં આવે. 

  અમદાવાદ શહેરનું નામ બદલવાની માંગ છેલ્લાં ઘણાં વર્ષોથી ચાલી રહી છે. આ માંગ ઉઠાવનારાઓમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટી પણ સામેલ છે. ઘણાં વર્ષોથી તેઓ પણ અમદાવાદનું નામ બદલવાનો મુદ્દો ઉઠાવતા રહ્યા છે. તેમજ પાર્ટી ઘણી વખત અમદાવાદનો ઉલ્લેખ ‘કર્ણાવતી મહાનગર’ તરીકે જ કરતી જોવા મળે છે. 

  સંગઠનોનું કહેવું છે કે અમદાવાદનું મૂળ નામ ‘કર્ણાવતી’ હતું અને જેની સ્થાપના રાજા કર્ણદેવે કરી હતી. પછીથી 1400ની સાલમાં ઇસ્લામિક શાસક અહમદશાહે નામ બદલીને અહમદાબાદ કરી નાંખ્યું હતું. જેથી શહેરને તેની સાચી ઓળખ ફરી આપવામાં આવે. 

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં