આ વર્ષે લાલ કિલ્લાની પ્રાચીર પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રજોગું સંબોધન અનેક રીતે યાદગાર રહ્યું હતું. આ સંબોધનમાં વડાપ્રધાને દેશને ગુલામીથી સંબંધિત તમામ ચીજોથી મુક્ત થવાની વાત પણ કરી હતી. ત્યારબાદ એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે દેશમાં રહેલી એવી ઘણી ચીજો અથવાતો સ્થાનોના નામ બદલવામાં આવી શકે છે જે ગુલામીના ચિન્હ તરીકે આજે પણ સ્થિત છે. આ પ્રકારના સ્થાનોમાં દિલ્હીનો પ્રખ્યાત રાજપથ પણ સામેલ છે જેને એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે કેન્દ્ર સરકારે તેનું નામ બદલીને કર્તવ્ય પથ રાખવાનો નિર્ણય લઇ લીધો છે.
Government of India to rename New Delhi's historic Rajpath & Central Vista lawns as 'Kartavya Path': Sources pic.twitter.com/9wgi7j6fx8
— ANI (@ANI) September 5, 2022
મેઈન સ્ટ્રીમ મિડિયામાં પ્રકાશિત એક અહેવાલ અનુસાર દિલ્હીના રાજપથનું નામ બદલીને હવે કર્તવ્ય પથ રાખવામાં આવનાર છે. આ મામલે આવતીકાલે નવી દિલ્હી નગર પરિષદ એટલેકે NDMCની એક ખાસ બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં રાજપથનું નામ બદલીને કર્તવ્ય પથ રાખવાનો પ્રસ્તાવ મુકવામાં આવશે જેને બાદમાં પસાર કરવામાં આવશે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે ઇન્ડિયા ગેટ પર હાલમાં જ પ્રસ્થાપિત કરવામાં આવેલી નેતાજી સુભાષ ચંદ્ર બોસની પ્રતિમાથી રાષ્ટ્રપતિ ભવન સુધીના સંપૂર્ણ માર્ગનું નામ કર્તવ્ય પથ રખવામાં આવશે. અહીં એ જાણવું જરૂરી છે કે અંગ્રેજી શાસન દરમ્યાન રાજપથ જે ‘Kings Way’નું હિન્દી ભાષાંતર છે તેનું નામકરણ રાજા પંચમ જ્યોર્જના નામ પર રાખવામાં આવ્યું હતું. હવે જો કે એવું લાગી રહ્યું છે કે નરેન્દ્ર મોદી સરકાર અંગ્રેજી શાસનથી માંડીને મોગલ શાસન સુધીના તમામ નામને બદલી નાખવા પર વિચાર કરી રહી છે.
હાલમાં જ ભારત સરકારે ભારતીય જળ સેનાના ધ્વજથી સેંટ જ્યોર્જ ક્રોસને હટાવી દીધો હતો અને શિવાજી મહારાજ સાથે સંલગ્ન ચિન્હ ઉમેરીને તેને સંપૂર્ણ ભારતીય રંગે રંગી દીધો હતો. અગાઉ 2014માં જ્યારે નરેન્દ્ર મોદી પહેલી વખત ભારતના વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે થોડા જ મહિનાઓમાં વડાપ્રધાનના અધિકારીક નિવાસ સ્થાનનો માર્ગ જે રેસકોર્સ રોડ તરીકે ઓળખાતો હતો તેનું નામ બદલીને લોક કલ્યાણ માર્ગ કરી દીધું હતું. આમ હવે ભારતીય વડાપ્રધાનનું આધિકારિક નિવાસસ્થાન દિલ્હીના 7, લોક કલ્યાણ માર્ગ પર આવેલું છે.
અત્રે એ પણ નોંધવું જરૂરી છે કે નવો કર્તવ્ય પથ નરેન્દ્ર મોદી સરકારના સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો જ એક ભાગ છે જેના અંતર્ગત સંસદ ભવનથી માંડીને લટીયન્સ દિલ્હીની ઘણીબધી ઈમારતોને નવેસરથી બાંધવામાં આવી છે.