Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટનવીન જિંદલના ઘરની બહાર ઉભેલી પોલીસ વાન પર હુમલો, કાચ તોડી નંખાયા:...

    નવીન જિંદલના ઘરની બહાર ઉભેલી પોલીસ વાન પર હુમલો, કાચ તોડી નંખાયા: પૂર્વ ભાજપ નેતાએ કહ્યું- ‘જેહાદીઓની કરતૂત’, પોલીસની સ્પષ્ટતા

    નવીન જિંદલે ટ્વિટ સાથે બે તસ્વીરો શૅર કરી છે, જેમાં દેખાય છે કે એકે ગાડીનો પાછલો કાચ તોડી નાંખવામાં આવ્યો છે.

    - Advertisement -

    ભારતીય જનતા પાર્ટીના પૂર્વ નેતા નવીન જિંદલને (Naveen Jindal) હજુ પણ ધમકીઓ મળવાની ચાલુ જ છે. બીજી તરફ, નવીન જિંદલના ઘરની બહાર સુરક્ષામાં તહેનાત પોલીસ વાન પર જ હુમલો થવાની ઘટના બની છે. સ્વયં નવીન જિંદલ દ્વારા ટ્વિટ કરીને આ બાબતની જાણકારી આપવામાં આવી છે. તેમણે પોલીસ વાનની તસ્વીર પણ શૅર કરી હતી. 

    ટ્વિટમાં નવીન જિંદલના જણાવ્યા અનુસાર, ‘મારા પરિવારના જીવને ઇસ્લામિક જેહાદીઓથી જોખમ છે અને એક મહિનાથી હું દિલ્હી પોલીસને અનેક વખત પુરાવા સહિત લેખિતમાં આપી ચૂક્યો છું.’ તેમણે વધુમાં જણાવ્યું કે, તેમના ઘરની બહાર એક પીસીઆર એક જવાન સાથે તહેનાત રહે છે પરંતુ રાત્રે પીસીઆર પર જ હુમલો (Police Van Attacked) થયો હતો અને કાચ તોડી નાંખવામાં આવ્યા હતા. તેમણે આ માટે ‘જેહાદીઓ’ને જવાબદાર ગણાવ્યા છે. તેમણે સાથે દિલ્હી પોલીસને તેમના પરિવારની સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવાની પણ અપીલ કરી હતી.

    નવીન જિંદલે ટ્વિટ સાથે બે તસ્વીરો શૅર કરી છે, જેમાં દેખાય છે કે એકે ગાડીનો પાછલો કાચ તોડી નાંખવામાં આવ્યો છે. કોઈ ભારે વજનવાળી વસ્તુ કાચમાં મારવામાં આવી હોય તેમ લાગી રહ્યું છે. એક તસ્વીરમાં પોલીસકર્મી પણ નજરે પડે છે, જેઓ કોઈ સાથે ફોન પર વાત કરતા દેખાય છે.

    - Advertisement -

    અપડેટ: આ મામલે પોલીસે કહ્યું છે કે નવીન જિંદલના ઘરની બહાર પીસીઆર વાન પર કોઈ પથ્થરમારો થયો નથી. આસપાસ કેટલાક ઘરોમાં બાંધકામ ચાલી રહ્યું છે, જેના માલસામાનમાંથી એક પથ્થર એક વાહન નીચે આવી જતાં ઉછળીને પીસીઆરની વિન્ડ સ્ક્રીન પર લાગતા કાચ તૂટી ગયો હતો.

    ઉલ્લેખનીય છે કે મોહમ્મદ પયગંબર મુદ્દે કથિત વિવાદિત ટિપ્પણી મામલે ચાલેલા વિવાદને પગલે ભારતીય જનતા પાર્ટીએ બે નેતાઓ નૂપુર શર્મા અને નવીન જિંદલને બરતરફ કરી દીધા હતા. ત્યારથી સતત આ બંને નેતાઓને ધમકીઓ મળી રહી છે અને દેશ-વિદેશમાંથી તેમની વિરુદ્ધ ફતવા બહાર પાડવામાં આવી રહ્યા છે. બંને નેતાઓ અને તેમના પરિવારને જોખમ જોતાં તેમને પોલીસ સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. 

    આ પહેલાં ગત મહિને રાજસ્થાનના ઉદયપુરમાં હિંદુ ટેલર કન્હૈયાલાલની હત્યા બાદ બીજા દિવસે નવીન જિંદલને પણ ધમકીભર્યા મેઈલ મળ્યા હતા અને જેમાં તેમને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. તેમણે આ વિગતો ટ્વિટર મારફતે શૅર કરી હતી. 

    નવીન જિંદલને ત્રણ ધમકીભર્યા ઈ-મેઈલ મળ્યા હતા. જેમાં ઉદયપુરમાં કન્હૈયા લાલની ગરદન કાપવાનો વિડીયો પણ મોકલીને નવીન જિંદલ અને તેમના પરિવારને પણ આ જ રીતે ગળું કાપીને મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. 

    ભાજપ નેતાએ ટ્વીટમાં બંને ઈમેલના સ્ક્રીનશોટ પણ શેર કર્યા હતા. પહેલા ઈમેલના સ્ક્રીનશોટમાં અકબર આલમનું નામ દેખાય છે. જેમાં અકબરે લખ્યું છે કે “નવીન કુમાર આતંકવાદી હવે તારો વારો છે. બહુ જલ્દી આ જ રીતે તારી ગરદન પણ કાપી નાંખીશ.” અન્ય એક ઈમેઇલમાં પણ વિડીયો મોકલીને ધમકી આપવામાં આવી હતી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં