ગુજરાત સહિત આખા દેશમાં માતાજીની આરાધનાના પર્વ નવરાત્રીનો (Navratri 2024) પ્રારંભ થઇ ચૂક્યો છે. ત્યારે મધ્ય પ્રદેશના ઇન્દોરમાં (Madhya Pradesh) મુસ્લિમ આયોજકનો ગરબા કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી હિંદુ સંગઠનોના આકરા વિરોધ બાદ કરવામાં આવી છે. આયોજકનું નામ ફિરોઝ ખાન છે અને તે ઇન્દોરમાં છેલ્લા 36 વર્ષથી ગરબાના આયોજનમાં જોડતા આવ્યા છે. જોકે આ વર્ષે વિવાદ બ પોલીસે તે લોકોના ગરબાના (Garba) આયોજનને પરવાનગી નથી આપી અને 10 દિવસ માટે થનાર આયોજન ઠપ થઇ ગયું છે.
વાસ્તવમાં આ આખા ઘટનાક્રમમાં વિશ્વ હિંદુ પરિષદ, બજરંગદળ તેમજ હિંદુ જાગરણ મંચ સહિતના હિંદુ સંગઠનોનો મહત્વનો ભાગ રહ્યો હતો. સંગઠનોનો આરોપ છે કે ગરબાના કાર્યક્રમમાં મુખ્ય આયોજકોમાં મુસ્લિમ વ્યક્તિનું હોવું ન ચલાવી લેવાય. તેમનો એવો પણ આરોપ હતો કે આ રીતે લવ જેહાદ (Love Jihad) જેવા દુષણો વધે તેવો ડર છે. આ સમગ્ર ઘટના ઇન્દોરના (Indore) ગણેશનગરની છે. આ મામલે ભંવરકુવા પોલીસે વિવાદ ન વધે તે હેતુથી ગરબા આયોજનને પરવાનગી નથી આપી.
હિંદુ સંગઠનોએ શું કર્યો વિરોધ
આ સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક હિંદુ સંગઠનો વિરોધ કરી રહ્યા હતા. વિશ્વ હિંદુ પરિષદ (VHP) દ્વારા જે પોલીસને અરજી આપવામાં આવી હતી તેમાં કહેવામાં આવ્યું હતું કે, ગણેશનગરમાં મુસ્લિમ આયોજક સહિતના લોકો દ્વારા આયોજિત થઈ રહેલા ગરબાના કાર્યક્રમનો હેતુ લવ જેહાદ અને અશ્લીલતા જેવા દુષણો ફેલાવવા માટે કરવામાં આવી રહ્યો છે.
હિંદુ જાગરણ મંચે (Hindu Jagran Manch) પણ ગરબા કાર્યક્રમના આયોજક મંડળમાં ફિરોઝ ખાન સામે વાંધો ઉઠાવ્યો હતો. જાગરણ મંચના સુમિત હર્દીયાએ આ મામલે જણાવ્યું હતું કે, “આયોજકોએ આખા વિસ્તારમાં મોટા મોટા પોસ્ટરો માર્યા હતા. જે જોઇને અમે અધિકારીઓને સંપર્ક કરીને વિરોધ નોંધાવ્યો.” પોલીસ અને પ્રશાસને આ મામલે કડક વલણ રાખીને તાત્કાલિક પોસ્ટર હટાવવાની કામગીરી કરવામાં આવી. સાથે જ પરવાનગી પણ ન આપી અને પંડાલ હટાવવા સૂચના આપવામાં આવી.
આયોજકોએ પરવાનગી નહોતી માંગી- સ્થાનિક પોલીસ
આ મામલે બજરંગદળે પણ આકરું વલણ ધારણ કર્યું હતું. બજરંગદળના કાર્યકર્તાઓએ પણ પોલીસ પાસે માંગ કરી હતી કે આ પ્રકારના આયોજનો પર રોક લગાવવામાં આવે. આ મામલે પોલીસે પણ કડક વલણ અપનાવીને ગરબા આયોજકોને આયોજન રદ કરવા જણાવ્યું હતું. પોલીસે તેમ પણ કહ્યું છે કે આયોજકો દ્વારા પરવાનગી પણ નથી માંગવામાં આવી. પોલીસ પ્રશાસન દ્વારા વિરોધને પગલે આયોજકોને ગરબા રદ કરવાનું કહેવામાં આવ્યું છે. સાથે જ આ 10 દિવસનો ગરબાનો પ્રોગ્રામ રદ કરી દેવામાં આવ્યો છે.
બીજી તરફ ગણેશનગરના ‘શિખર ગરબા મંડળ’ના આયોજકો પૈકીના એક એવા ફિરોઝ ખાને આ મામલે કહ્યું છે કે તેમણે પહેલા જ ગરબા માટે પરવાનગી લઇ લીધી છે. તેમના જણાવ્યા અનુસાર તેઓ છેલ્લા 36 વર્ષથી આ પ્રકારનું આયોજન કરતા આવ્યા છે. તેમનો આરોપ છે કે જે સ્થાન પર ગરબા કાર્યક્રમ હતો, તેના માલિકને દબાણ કરીને આ આયોજન રદ કરવા પ્રેશર આપવામાં આવ્યું છે. તેમનું કહેવું છે કે જો તેમના મુસ્લિમ હોવા પર વાંધો હોય તો તેઓ ગરબાના ગ્રાઉન્ડમાં પગ નહીં મુકે, પરંતુ નવરાત્રીના ગરબાનું આયોજન થવા દેવામાં આવે.