Friday, November 22, 2024
More
    હોમપેજદુનિયા‘તહવ્વુર રાણાને ભારત પ્રત્યાર્પિત કરી શકાય’: અમેરિકાની કોર્ટે ઠેરવ્યું; 26/11ના મુંબઈ હુમલાનું...

    ‘તહવ્વુર રાણાને ભારત પ્રત્યાર્પિત કરી શકાય’: અમેરિકાની કોર્ટે ઠેરવ્યું; 26/11ના મુંબઈ હુમલાનું કાવતરું ઘડવામાં સામેલ હતો આતંકવાદી, ભારત લાવવાનો માર્ગ વધુ મોકળો બન્યો 

    કોર્ટે કહ્યું હતું કે, “રાણા વિરુદ્ધ અમેરિકામાં જે આરોપસર કેસ ચાલ્યો હતો તેના કરતાં ભારતનો કેસ જુદો પણ હોય શકે છે તે વાતમાં કોઇ શંકા નથી. જેથી તથ્યોને ધ્યાને લેતાં સંધિ મુજબ તેનું પ્રત્યાર્પણ થાઈ જ શકે તેમ છે.”

    - Advertisement -

    26/11ના મુંબઈ આતંકવાદી હુમલામાં સામેલ મૂળ પાકિસ્તાનના આતંકવાદી તહવ્વુર રાણાને ભારત પ્રત્યાર્પિત કરી શકાય તેવું અમેરિકાની એક કોર્ટે ઠેરવ્યું છે. રાણાએ અપીલ દાખલ કરી હતી, જેની ઉપર ગત 15 ઑગસ્ટના રોજ ચુકાદો આપતાં કોર્ટે કહ્યું કે ભારત અને US વચ્ચેની એક્સ્ટ્રેડિશન ટ્રીટી અનુસાર તેને ભારત પ્રત્યાર્પિત કરી જ શકાય તેમ છે. 

    આ પહેલાં કેલિફોર્નિયાની સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ કોર્ટે રાણાની હેબિયસ કોર્પસ અરજી ફગાવી દીધી હતી, જેમાં મેજિસ્ટ્રેટ કોર્ટના એ આદેશને પડકારવામાં આવ્યો હતો, જેમાં તેને ભારત પ્રત્યાર્પિત કરવા માટે આદેશ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ તેણે કોર્ટ ઑફ અપીલમાં અપીલ દાખલ કરી હતી, પરંતુ ત્યાંથી પણ તેને રાહત મળી નથી. કોર્ટે કેલિફોર્નિયાની કોર્ટનો ચુકાદો યથાવત રાખ્યો હતો. 

    પ્રત્યાર્પણ માટેના આદેશની સમીક્ષા કરતાં USની કોર્ટે નોંધ્યું હતું કે, તહવ્વુર રાણા પર જે આરોપ છે તે ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રીટી હેઠળ આવે છે અને જેના હેઠળ પ્રત્યાર્પણ કરી શકાય તેમ છે. એમ પણ જણાવવામાં આવ્યું કે, રાણાએ જે આરોપ છે તે ગુનાઓ આચર્યા હોવાની સાબિત કરવા માટે ભારતે મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ પૂરતા પુરાવા પણ રજૂ કર્યા છે. 

    - Advertisement -

    તહવ્વુર રાણા પાકિસ્તાન મૂળનો કેનેડિયન વ્યક્તિ છે. તેની વિરુદ્ધ 2008ના મુંબઈ આતંકવાદી હુમલાનું ષડ્યંત્ર રચવામાં ભૂમિકા ભજવવાનો આરોપ છે. આ પહેલાં અમેરિકાની ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં તેની વિરુદ્ધ મુંબઈ હુમલો કરનાર આતંકવાદી સંગઠનને મદદ કરવાના આરોપસર કેસ પણ ચાલ્યો હતો. જોકે, કોર્ટે તેને વિદેશમાં સ્થિત આતંકવાદી સંગઠનને મદદ કરવાના અને ડેનમાર્કમાં આતંકી હુમલાઓ કરવા માટે મટીરીયલ સપોર્ટ પૂરો પાડવાના આરોપસર દોષી ઠેરવ્યો હતો, પરંતુ ભારતમાં થયેલા આતંકવાદી હુમલાઓમાં મટિરિયલ સપોર્ટ પૂરો પાડવાના ગુનામાં દોષમુક્ત કર્યો હતો. 

    અમેરિકાની જેલમાં સાત વર્ષ રહ્યા બાદ ભારતે તેના પ્રત્યાર્પણ માટેની માંગ કરી હતી, જેથી મુંબઈ આતંકવાદી હુમલામાં તેની સંડોવણી મામલે કેસ ચલાવી શકાય. જોકે, રાણાએ મૅજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે તેને ભારત-અમેરિકા વચ્ચેની સંધિ મુજબ પ્રત્યાર્પિત કરી શકાય નહીં. તેણે એવું કારણ આપ્યું હતું કે, એક જ ગુના માટે બે વખત કેસ ચલાવી શકાય નહીં તેવી ટ્રીટીમાં જોગવાઈ છે. સાથે એવી પણ દલીલ કરી હતી કે ભારતે તેની વિરુદ્ધના આરોપો સાબિત કરવા માટે યોગ્ય પુરાવા રજૂ કર્યા નથી. પરંતુ કોર્ટ આ દલીલ ફગાવી ચૂકી છે. 

    કોર્ટે કહ્યું હતું કે, “રાણા વિરુદ્ધ અમેરિકામાં જે આરોપસર કેસ ચાલ્યો હતો તેના કરતાં ભારતનો કેસ જુદો પણ હોય શકે છે તે વાતમાં કોઇ શંકા નથી. જેથી તથ્યોને ધ્યાને લેતાં સંધિ મુજબ તેનું પ્રત્યાર્પણ થાઈ જ શકે તેમ છે.”

    જોકે, હજુ તહવ્વુર રાણા પાસે પ્રત્યાર્પણ રોકવા માટે ઉપલી કોર્ટમાં અપીલ કરવા માટે કાયદાકીય વિકલ્પો ઉપલબ્ધ છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં