કોલકાતામાં 31 વર્ષીય ટ્રેની ડૉક્ટર સાથે બનેલી બળાત્કાર અને હત્યાની ઘટનાના વિરોધમાં સમગ્ર દેશમાં ચાલતાં પ્રદર્શનો વચ્ચે વર્ષ 2012માં સામૂહિક બળાત્કારનો ભોગ બનેલી યુવતી નિર્ભયાની માતાએ પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Benerjee) પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે ઘટના બાદ થઈ રહેલ વ્યાપક વિરોધ દરમિયાન પરિસ્થિતિ ન સંભાળી શકવા બદલ CM મમતાને નિષ્ફળ ગણાવ્યાં અને રાજીનામાંની માંગ કરી હતી. સાથે એમ પણ કહ્યું હતું કે, તેઓ જ મુખ્યમંત્રી છે તો પછી વિરોધ પ્રદર્શનો અને માર્ચ કોની સામે કરી રહ્યાં છે?
નોંધનીય છે કે શુક્રવાર (16 ઑગસ્ટ) પશ્ચિમ બંગાળ CM મમતા બેનર્જીએ આ મામલે કોલકાતાના મૌલાલીથી ડોરિના ક્રોસિંગ સુધી દોષિતોને મૃત્યુદંડની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરતી પદયાત્રાનું નેતૃત્વ કર્યું હતું. ઘણા લોકો પ્રશ્ન કરી રહ્યા છે કે મુખ્યમંત્રી મમતા છે, એટલું જ નહીં ગૃહ મંત્રાલય અને સ્વાસ્થ્ય મંત્રાલય પણ તેમની પાસે જ છે. પોલીસ તેમની પાસે છે, તો પછી તેઓ વિરોધ-પ્રદર્શન કોની સામે કરી રહ્યાં છે? આવા જ પ્રશ્ન નિર્ભયાની માતાએ પણ કર્યા હતા.
નિર્ભયાની માતા આશા દેવીએ PTI સાથેની વાતચીતમાં મમતા બેનર્જી પર વિરોધ પ્રદર્શન કરીને લોકોનું ધ્યાન હટાવવાનો પ્રયાસ કરવાના આરોપ લગાવીને તેમની ટીકા કરી હતી. ઉપરાંત તેમણે કહ્યું હતું કે “મમતા ગુનેગારો સામે કાર્યવાહી કરવા માટે તેમની સત્તાનો ઉપયોગ કરવાને બદલે પ્રદર્શન કરીને જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યાં છે.”
તેમણે વધુમાં CM મમતા માટે કહ્યું હતું કે, “તેઓ પોતે એક મહિલા છે. રાજ્યના વડા તરીકેની જવાબદારી નિભાવતી વખતે તેમણે ગુનેગારો સામે કડક પગલાં લેવા જોઈએ. તેમણે રાજીનામું આપવું જોઈએ, કારણ કે તેઓ પરિસ્થિતિને સંભાળવામાં નિષ્ફળ ગયાં છે.” તેમણે આગળ કહ્યું કે “જ્યાં સુધી કેન્દ્ર અને રાજ્ય સરકારો બળાત્કારીઓ માટે કોર્ટમાંથી ઝડપી સજા મેળવવા માટે ગંભીર નહીં થાય ત્યાં સુધી દેશના વિવિધ ભાગોમાં દરરોજ આવી ક્રૂરતા થતી રહેશે.” તેમણે મહિલા સુરક્ષાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે “જ્યારે કોલકાતાની મેડિકલ કોલેજમાં મહિલાઓ સુરક્ષિત ન હોય અને તેમની સાથે આવી બર્બરતા કરવામાં આવતી હોય તો દેશમાં મહિલાઓની સુરક્ષાની સ્થિતિ સમજી શકાય છે.”
મમતા પ્રદર્શન કોની સામે કરી રહ્યાં છે?
#WATCH | On rape and murder of woman resident doctor at RG Kar Medical College and Hospital, Nirbhaya's mother Asha Devi says, " The most unfortunate thing is the situation that has developed there. Govts are accusing each other and holding protests instead of working on that… pic.twitter.com/rmI1T8fJ14
— ANI (@ANI) August 18, 2024
ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, “સૌથી વધુ દુર્ભાગ્યપૂર્ણ ત્યાં જે સ્થિતિ સર્જાઇ છે એ છે. સરકારો એકબીજા પર આરોપ લગાવી રહી છે અને કેસ અને મહિલા સુરક્ષા પર કામ કરવાના સ્થાને પ્રદર્શનો કરવામાં આવી રહ્યાં છે. સ્વાસ્થ્ય મંત્રાલય, પોલીસ..બધું જ મુખ્યમંત્રી પાસે હોય તો પછી એ ખબર પડતી નથી કે તેઓ પ્રદર્શન કોની સામે કરી રહ્યાં છે અને કોની પાસે સજાની માંગ કરી રહ્યાં છે? કાયદો તેમના હાથમાં છે, સરકાર કમસે કમ નીચલી કોર્ટમાં કેસ યોગ્ય રીતે લડી શકે છે. આવું થાય ત્યારે નિર્ભયાનું નામ સામે આવે છે, પણ આપણે એ ઘટનામાંથી શું શીખ્યા હતા? સિસ્ટમમાં ત્યારપછી શું ફેરફારો આવ્યા છે?”