Thursday, May 2, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમેક્સિકોમાં પકડાઈ ગયો કુખ્યાત ગેંગસ્ટર દીપક બોક્સર: માનવ તસ્કરોની મદદથી અમેરિકા જવાની...

    મેક્સિકોમાં પકડાઈ ગયો કુખ્યાત ગેંગસ્ટર દીપક બોક્સર: માનવ તસ્કરોની મદદથી અમેરિકા જવાની પેરવીમાં હતો, લોરેન્સ બિશ્નોઈએ ભારત છોડવામાં કરી હતી મદદ

    દીપક બોક્સર અમિત ગુપ્તાની હત્યાના સંબંધમાં વોન્ટેડ હતો. અમિત ગુપ્તાને ગયા વર્ષે 23 ઓગસ્ટે ઉત્તર દિલ્હીના બુરારી વિસ્તારમાં ગોળી મારવામાં આવી હતી.

    - Advertisement -

    દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલને મોટી સફળતા મળી છે. દિલ્હી એનસીઆરમાં મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર દીપક બોક્સરની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે સ્પેશિયલ સેલની જનકપુરી ટીમે પહેલાથી જ એફઆઈઆર કરી નાખી હતી. સ્પેશિયલ સેલના 5 અધિકારી દીપક બોક્સરને લેવા માટે ગયા હતા.

    રિપોર્ટ મુજબ, દીપક બોક્સર નકલી પાસપોર્ટના આધારે મેક્સિકો પહોંચ્યો હતો અને ત્યાંથી ગેરકાયદેસર અમેરિકા જવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. એફબીઆઈની મદદથી તેને મેક્સિકોમાં જ પકડી લેવામાં આવ્યો અને ઇસ્તાંબુલના માર્ગે આજે સવારે ભારત લાવવામાં આવ્યો હતો.

    એરપોર્ટ પર થઈ ગેંગસ્ટર દીપક બોક્સરની ધરપકડ

    દીપક બોક્સરને લઈ આવનારી ફ્લાઈટ બુધવારે સવારે 4:40 વાગ્યે એરપોર્ટ પર લેન્ડ થઈ અને પછી દિલ્હી પોલીસે સત્તાવાર એફબીઆઈના અધિકારીઓ પાસેથી દીપક બોક્સરની કસ્ટડી લીધી હતી. ત્યારબાદ કાનૂની કાર્યવાહી પૂરી કરીને એરપોર્ટ પર જ કુખ્યાત ગેંગસ્ટર દીપક બોક્સરની ધરપકડ કરી હતી.

    - Advertisement -

    જે પછી સૌથી પહેલા દીપક બોક્સરનો મેડિકલ ટેસ્ટ થશે એ પછી તેને આજે જ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસ દીપક બોક્સરની રિમાંડની માંગણી કરશે અને એ તપાસ કરશે કે દીપક બોક્સર કયા ગેંગસ્ટરના સંપર્કમાં હતો.

    લોરેન્સ બિશ્નોઈએ ભાગવામાં મદદ કરી હતી

    દીપક બોક્સર ગોગી ગેંગને લીડ કરતો હતો. આ ગેંગ કથિત રીતે લોરેન્સ બિશ્નોઈની ગેંગ સાથે મળીને કામ કરતી હતી. દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ, લોરેન્સ બિશ્નોઈએ જ દીપક બોક્સરને ભારત છોડવામાં મદદ કરી હતી. પોલીસે દીપક ઉપર ત્રણ લાખ રૂપિયાનું ઇનામ રાખ્યું હતું.

    બિલ્ડરની હત્યાના કેસમાં વોન્ટેડ હતો

    દીપક બોક્સર અમિત ગુપ્તાની હત્યાના સંબંધમાં વોન્ટેડ હતો. અમિત ગુપ્તાને ગયા વર્ષે 23 ઓગસ્ટે ઉત્તર દિલ્હીના બુરારી વિસ્તારમાં ગોળી મારવામાં આવી હતી. ગોગી ગેંગની કમાન દીપક બોક્સરના હાથમાં હતી અને આ ગેંગના શાર્પશૂટર અંકિત ગુલિયાએ કથિત રીતે અમિત ગુપ્તાની હત્યા કરી હતી.

    નકલી પાસપોર્ટથી મેક્સિકો પહોંચ્યો

    સ્પેશિયલ કમિશનર (સ્પેશિયલ સેલ) એજીએસ ધાલીવાલે જણાવ્યું કે, જાન્યુઆરીમાં ઇનપુટ મળ્યું હતું કે દીપકે રવિ અંટિલના નામથી નકલી પાસપોર્ટ બનાવ્યો હતો. આ પાસપોર્ટ તેણે બરેલીમાં બનાવડાવ્યો હતો. એ પછી તે કોલકાતા પહોંચ્યો હતો. કોલકાતાથી દુબઈ પહોંચ્યા બાદ ત્યાંથી અલમાટી, કઝાખસ્તાન અને પછી તુર્કી પહોંચ્યો હતો. ત્યાંથી આ ગેંગસ્ટર સ્પેન ગયો અને આખરે વિવિધ માર્ગે મેક્સિકો પહોંચ્યો હતો.

    હ્યુમન ટ્રાફિકર્સની મદદથી અમેરિકા જવા માગતો હતો

    એજીએસ ધાલીવાલે વધુ માહિતી આપતાં કહ્યું કે, “પોલીસ સતત તેને ટ્રેક કરી રહી હતી. દીપકના સાથીઓની પૂછપરછ અને ટેક્નિકલ ઇનપુટની મદદથી તે મેક્સિકન શહેર કેનકનમાં હોવાની માહિતી મળી. કેનકન શહેર માનવ તસ્કરો અને ડ્રગ માફિયાઓ માટે બદનામ છે. દીપક ત્યાં એટલે જ ગયો કારણકે તે માનવ તસ્કરોની મદદથી અમેરિકા જવા ઈચ્છતો હતો.”

    અમેરિકામાં દીપક બોક્સરના સાથીઓ પહેલાંથી જ હાજર હતા. અહીંથી તે દિલ્હી અને આસપાસના રાજ્યોમાં પોતાની ગેંગ ચલાવવા ઇચ્છતો હતો. પોલીસે નકલી પાસપોર્ટ બનાવનાર વ્યક્તિની પણ ધરપકડ કરી લીધી છે. પોલીસને શંકા છે કે મેક્સિકો પહોંચવામાં તેણે 40 લાખ ખર્ચ્યા હતા અને આમાં તેના કઝિન સંદીપે મદદ કરી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં