Saturday, April 13, 2024
More
  હોમપેજગુજરાતઈસરોના લેટર જ નહીં, UKની કેમ્બ્રિજ યુનિવર્સીટીની ડિગ્રી પણ ફર્જી..: મિતુલ ત્રિવેદી...

  ઈસરોના લેટર જ નહીં, UKની કેમ્બ્રિજ યુનિવર્સીટીની ડિગ્રી પણ ફર્જી..: મિતુલ ત્રિવેદી કેસમાં નવો ખુલાસો, મોબાઈલમાં બનાવ્યું હતું સર્ટિફિકેટ

  મિતુલે પોતે ઈસરો અને નાસા સાથે જોડાયેલો હોવાનું કહીને વીર નર્મદ યુનિવર્સીટીમાં વર્ષ 2021માં સાયન્સ ઈન વેદા શાસ્ત્રનો એક સેમિનાર પણ કર્યો હતો. એટલું જ નહીં, શહેરની અન્ય પણ ઘણી શાળાઓમાં આ પ્રકારના કાર્યક્રમો અને સેમિનાર કર્યા હતા.

  - Advertisement -

  ચંદ્રયાન-3ની ડિઝાઇન પોતે તૈયાર કરી હોવાનાં બણગાં ફૂંકીને ચર્ચામાં આવનાર સુરતના કથિત વૈજ્ઞાનિક મિતુલ ત્રિવેદીની ધરપકડ બાદ હવે એક પછી એક વધુ ખુલાસા થઇ રહ્યા છે. હવે જાણવા મળ્યું છે કે માત્ર ઈસરોમાં જોડાયાનાં પ્રમાણપત્રો જ નહીં પરંતુ કેમ્બ્રિજ યુનિવર્સીટીની ડિગ્રી પણ તેણે ખોટી બનાવી હતી. 

  દિવ્ય ભાસ્કરના રિપોર્ટ અનુસાર, સુરત SOGની તપાસમાં સામે આવ્યું છે કે, મિતુલ ત્રિવેદીએ યુ.કેની કેમ્બ્રિજ યુનિવર્સીટીનું ડોક્ટર ઑફ ડિવિનિટી ઈન ક્વોન્ટમ ફિજીક્સનું બોગસ ડિગ્રી સર્ટિફિકેટ બનાવ્યું હતું. જે મોબાઈલમાં બનાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે, જેથી તેનો મોબાઈલ પણ જપ્ત કરીને FSLમાં મોકલવામાં આવ્યો છે. 

  રિપોર્ટ અનુસાર, મિતુલે પોતે ઈસરો અને નાસા સાથે જોડાયેલો હોવાનું કહીને વીર નર્મદ યુનિવર્સીટીમાં વર્ષ 2021માં સાયન્સ ઈન વેદા શાસ્ત્રનો એક સેમિનાર પણ કર્યો હતો. એટલું જ નહીં, શહેરની અન્ય પણ ઘણી શાળાઓમાં આ પ્રકારના કાર્યક્રમો અને સેમિનાર કર્યા હતા. SOGએ તેણે જ્યાં-જ્યાં સેમિનાર કર્યા હતા તેની વિગતો મેળવીને આ આયોજન કરનારાઓને પણ નોટિસ મોકલાવી છે. 

  - Advertisement -

  ઈસરો ચેરમેનના હસ્તાક્ષર પણ બનાવી કાઢ્યા, બંને લેટરો ફર્જી હોવાનું તપાસમાં સામે આવ્યું

  સુરત પોલીસ અનુસાર, ચંદ્રયાન-3ના લેન્ડિંગ બાદ મીડિયા અને સોશિયલ મીડિયામાં છવાઈ ગયા બાદ મિતુલ ત્રિવેદીએ પોતાની પાસે ઈસરોનો અપોઈન્ટમેન્ટ લેટર પણ હોવાનું જણાવ્યું હતું. જેમાં ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનના એન્શિયન્ટ સાયન્સ એપ્લિકેશન ડિપાર્ટમેન્ટ વિભાગના આસિસ્ટન્ટ ચેરમેન તરીકે તેની નિમણૂક થઇ હોવાનું જણાવવામાં આવ્યું હતું. જેની ઉપર તારીખ 26 ફેબ્રુઆરી, 2020ની લખવામાં આવી છે. આ ઉપરાંત, ઈસરોના આગામી પ્રોજેક્ટ ‘મરક્યુરી ફોર્સ ઈન સ્પેસ’ના સ્પેસ રિસર્ચ મેમ્બર તરીકે નિમણૂક થઇ હોવાનો દાવો કરતો એક પત્ર પણ રજૂ કર્યો હતો. 

  આ બંને લેટર મામલે સુરત પોલીસે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે બંને બોગસ છે અને મિતુલ કોઈ રીતે ઈસરો સાથે જોડાયેલો નથી. ત્યારબાદ પોલીસે ઈસરોને પણ જાણ કરી હતી અને આ મામલે વધુ જાણકારી માગી હતી. 26 ઓગસ્ટે સુરત પોલીસે મોકલેલા ઈ-મેઈલનો 27મીએ ઇસરોએ જવાબ આપ્યો હતો અને જણાવ્યું હતું કે જે લેટરની વાત છે એ તદ્દન ખોટો છે અને સંસ્થાને તેની સાથે કોઈ લેવાદેવા નથી. FIR અનુસાર, ઇસરોએ જણાવ્યું હતું કે, ‘પ્રાથમિક તપાસ અને ઈસરોના તત્કાલીન ચેરમેન ડૉ. કે સિવનના હસ્તાક્ષર સાથે મેળ કરતાં આ લેટર ખોટો હોવાનું જણાય છે. જોકે, આ અંગે વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે અને વધુ વિગતો હવે પછીથી આપવામાં આવશે.’

  મિતુલ ત્રિવેદીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ માગ્યા હતા, જે શુક્રવારે પૂર્ણ થાય છે. પોલીસે જણાવ્યું હતું કે, મિતુલના પત્રો તેમજ આ પ્રકારના નકલી પત્રો કોઈ સરકારી કચેરીમાં આપ્યા છે કે કેમ તે બાબતની તપાસ કરવાની છે તેમજ લેટરપેડ અને તેનું ફોર્મેટ તેમજ તત્કાલીન ચેરમેન કે સિવનના નામની સહી ક્યાંથી મેળવી તે બાબતની પણ તપાસ જરૂરી છે. બંને પક્ષે દલીલો બાદ કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા હતા. 

  શું છે આખો કેસ?

  વાસ્તવમાં, ચંદ્રયાનનું લેન્ડર ચંદ્રમાની સપાટી પર લેન્ડ થયા બાદ સોશિયલ મીડિયા પર સુરતના મિતુલ ત્રિવેદીનો એક ઑડિયો વાયરલ થયો હતો, જેમાં તે પોતાના શિક્ષક સાથે વાતચીત કરતો સાંભળવા મળે છે. મિતુલ શિક્ષકને કહે છે કે પોતે ઈસરો સાથે જોડાયેલો છે અને ચંદ્રયાનની ડિઝાઇન બનાવવામાં તેણે મોટી ભૂમિકા ભજવી હતી. આ ઑડિયો વાયરલ થયા બાદ મેઈનસ્ટ્રીમ મીડિયા ચેનલોએ પણ મિતુલના ઘરે ધામા નાખ્યા હતા અને તેના ઇન્ટરવ્યૂ આવવા માંડ્યા હતા. પછીથી શંકા જતાં એક-બે અખબારોએ સવાલ ઉઠાવ્યા બાદ આ મામલે પોલીસ મથકે અરજી થઇ હતી, જેના આધારે તપાસના આદેશ અપાયા હતા. 

  તપાસમાં સુરત પોલીસને મિતુલના દાવામાં ગોલમાલ લાગતાં તેની સામે ગુનો નોંધીને ધરપકડ કરી લેવામાં આવી હતી. પોલીસ સામે તેણે કબૂલ્યું હતું કે આ બધાં નાટકો તેણે માત્ર એટલા માટે કર્યાં હતાં જેથી વધુ બાળકો તેના ટ્યુશન ક્લાસીસમાં આવે. બાકી ઈસરો કે નાસા સાથે તેને કોઈ જાતનો સંબંધ નથી.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં