Friday, November 22, 2024
More
    હોમપેજવગેરે...મનોરંજન350 ફિલ્મો કરી ચૂકેલા મિથુન ચક્રવર્તીને મળશે દાદાસાહેબ ફાળકે અવોર્ડ: કેન્દ્રીય મંત્રી...

    350 ફિલ્મો કરી ચૂકેલા મિથુન ચક્રવર્તીને મળશે દાદાસાહેબ ફાળકે અવોર્ડ: કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કરી જાહેરાત, જાન્યુઆરીમાં મળ્યો હતો પદ્મશ્રી પુરસ્કાર

    મિથુન ચક્રવર્તીને જાન્યુઆરી 2024માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. ભારતીય સિનેમાના ઈતિહાસમાં મિથુનની ગણતરી મહાન અભિનેતાઓમાં થાય છે. મિથુન એકમાત્ર એવા અભિનેતા છે જેમને તેમની પહેલી જ ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો.

    - Advertisement -

    ભારતીય ફિલ્મ જગતના સર્વશ્રેષ્ઠ અવોર્ડ એટલે દાદા સાહેબ ફાળકે એવોર્ડ (Dadasaheb Phalke Award). 8 ઓક્ટોબરે 70મો નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહ યોજવા જઈ રહ્યો છે. આ સમારોહ દરમિયાન મિથુન ચક્રવર્તીને (Mithun Chakraborty) દાદાસાહેબ ફાળકે એવોર્ડ આપવામાં આવશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnav) સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને સોમવારે (30 સપ્ટેમ્બર) તેની સત્તાવાર જાહેરાત કરી હતી.

    ઉલ્લેખનીય છે કે લગભગ 40 વર્ષની અભિનય ક્ષેત્રની કારકિર્દીમાં મિથુન બંગાળી, હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ, ઉડિયા અને ભોજપુરી જેવી ઘણી ભાષાઓમાં 350થી વધુ ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. મિથુને પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત 1976માં ‘મૃગયા’ ફિલ્મથી કરી હતી. આ ફિલ્મમાં જ તેમણે નેશનલ એવોર્ડ પણ જીત્યો હતો. ત્યારે મિથુન ચક્રવર્તીને ફિલ્મ જગતનો સર્વશ્રેષ્ઠ દાદાસાહેબ ફાળકે અવોર્ડ મળવા જઈ રહ્યો છે.

    આ અંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા માધ્યમ X પર પોસ્ટ કરતા લખ્યું હતું કે, “મિથુન દાની નોંધપાત્ર સિનેમેટિક સફર ઘણી પેઢીઓને પ્રેરણા આપે છે. અમને એ જાહેરાત કરતા ગર્વ થાય છે કે દાદાસાહેબ ફાળકે સિલેક્શન જ્યુરીએ ભારતીય સિનેમામાં તેમના પ્રતિષ્ઠિત યોગદાન માટે આ વર્ષે સુપ્રસિદ્ધ અભિનેતા મિથુન ચક્રવર્તીને આ એવોર્ડ આપવાનું નક્કી કર્યું છે.” આગળ તેમણે લખ્યું હતું કે, આ એવોર્ડ 8 ઓક્ટોબર, 2024ના રોજ 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં એનાયત કરવામાં આવશે. અભિનેતાને PM નરેન્દ્ર મોદીએ પણ શુભેચ્છાઓ પાઠવી હતી.

    - Advertisement -

    આ અંગે અભિનેતા અને ભાજપ નેતા મિથુન ચક્રવર્તીએ પણ પોતાનો આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “મારી પાસે શબ્દો નથી. ન તો હું હસી શકું છું કે ન રડી શકું છું. આ આટલી મોટી વાત છે… મેં આની કલ્પના પણ કરી ન હતી. હું ખૂબ જ ખુશ છું, જ્યાંથી કોલકાતાથી આવું છું, ફૂટપાથ પરથી ઉઠેલા વ્યક્તિને આ સન્માન મળવું, હું તેની કલ્પના પણ નથી કરી શકતો. બસ એટલું જ કહીશ કે, હું આ મારા પરિવાર અને વિશ્વભરના મારા ચાહકોને સમર્પિત કરું છું.”

    નોંધનીય છે કે, મિથુન ચક્રવર્તીને જાન્યુઆરી 2024માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. ભારતીય સિનેમાના ઈતિહાસમાં મિથુનની ગણતરી મહાન અભિનેતાઓમાં થાય છે. મિથુન એકમાત્ર એવા અભિનેતા છે જેમને તેમની પહેલી જ ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. આ આગાઉ વર્ષ 2023માં અભિનેત્રી વહીદા રહેમાનને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં