Tuesday, April 30, 2024
More
    હોમપેજદેશસૂર્યમિશનનો વધુ એક પડાવ પાર: પૃથ્વીથી 72 હજાર કિલોમીટર દૂર પહોંચ્યો આદિત્ય-L1,...

    સૂર્યમિશનનો વધુ એક પડાવ પાર: પૃથ્વીથી 72 હજાર કિલોમીટર દૂર પહોંચ્યો આદિત્ય-L1, ત્રીજી વખત કક્ષા બદલી

    ISROએ જણાવ્યું કે આદિત્ય-L1ની નવી કક્ષા 296 KM X 71767 KM છે. એટલે કે આ કક્ષામાં તેનું પૃથ્વીથી સૌથી ઓછું અંતર 296 કિલોમીટર, જ્યારે સૌથી વધુ અંતર 71767 કિલોમીટર હશે.

    - Advertisement -

    મિશન આદિત્ય-L1 ભારતનું પહેલું સૂર્યમિશન છે, જે પૃથ્વીથી લગભગ 15 લાખ કિલોમીટર દૂર સૂર્ય અને પૃથ્વી વચ્ચે આવેલા પ્રથમ લેગ્રેજિયન પોઈન્ટ (L1)ના ઓર્બિટમાં જઈને સૂર્યના વાતાવરણનું અધ્યયન કરશે. 10 સપ્ટેમ્બરના રોજ રાત્રે 2.30ના અરસામાં આદિત્ય-L1ની ત્રીજી વાર પૃથ્વીની ઓર્બિટ બદલવાની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. ભારતીય સ્પેસ એજન્સી ISROએ ટ્વિટ કરીને આ વિશે માહિતી આપી હતી.

    ભારતીય સ્પેસ એજન્સી ISROએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, ISTRAC સેન્ટર ખાતેથી આદિત્ય-L1ની પૃથ્વીની ઓર્બિટ બદલવાની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. ઓપરેશન દરમિયાન મોરીશસ, બેંગલોર અને પોર્ટ બલેયર સ્થિત ISROના ગ્રાઉન્ડ સ્ટેશનથી મિશનની પ્રક્રિયાને ટ્રેક કરવામાં આવી હતી. ISROએ જણાવ્યું કે આદિત્ય-L1ની નવી કક્ષા 296 KM X 71767 KM છે. એટલે કે આ કક્ષામાં તેનું પૃથ્વીથી સૌથી ઓછું અંતર 296 કિલોમીટર, જ્યારે સૌથી વધુ અંતર 71767 કિલોમીટર હશે. ઉલ્લેખનીય છે કે પૃથ્વીની આસપાસ આ અવકાશીય પદાર્થો લંબગોળ આકારે ભ્રમણ કરે છે.

    હવે 15 સપ્ટેમ્બર રાત્રે 2 કલાકે આદિત્ય-L1ની કક્ષા બદલવામાં આવશે. જેને EBN#4 કહેવામાં આવે છે. આદિત્ય-L1 18 સપ્ટેમ્બર સુધી પૃથ્વીની આસપાસ ચાર વખત તેની ભ્રમણકક્ષા બદલશે. જ્યારે તે L1 પોઈન્ટ પર પહોંચશે ત્યારે તે દરરોજની 1440 તસવીરો મોકલશે. જેથી કરીને યોગ્ય રીતે સૂર્યનો અભ્યાસ કરી શકાય. આ તસવીરો આદિત્ય મિશનમાં સ્થાપિત વિઝિબલ એમિશન લાઈન કોરોનાગ્રાફ (VELC) દ્વારા લેવામાં આવશે.

    - Advertisement -

    આ પહેલા બે વાર કરવામાં આવ્યું હતું અર્થ- બાઉન્ડ ફાયર

    આદિત્ય-L1 મિશનને 2 સપ્ટેમ્બરના રોજ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી લૉન્ચ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 3 સપ્ટેમ્બરના રોજ આદિત્ય-L1એ પહેલી વાર સફળતાપૂર્વક કક્ષા બદલી હતી. એ પછી 5 સપ્ટેમ્બરના રોજ બીજી વાર થ્રસ્ટરને ફાયર કરીને તેની કક્ષા બદલવામાં આવી હતી. હવે આ પ્રક્રિયા ત્રણ વાર થઈ ચૂકી છે. આ ઉપરાંત વધુ બે વાર આદિત્ય-L1ની કક્ષામાં પરિવર્તન કરવામાં આવશે.

    ભારતનું પ્રથમ સૂર્યમિશન છે આદિત્ય-L1

    ઉલ્લેખનીય છે કે આદિત્ય-L1 ભારતનું સર્વપ્રથમ સૂર્યમિશન છે, જેનો ઉદ્દેશ્ય સૂર્યનો અભ્યાસ કરવાનો છે. 2 સપ્ટેમ્બર, 2023ના રોજ શ્રીહરિકોટાથી તેનું સફળ પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું. આ સ્પેસ ઓબ્ઝર્વેટરી પૃથ્વી અને સૂર્ય વચ્ચે આવેલા L1 પોઈન્ટ પર સ્થિત હેલો ઓર્બિટમાં રહીને સૂર્યનો અભ્યાસ કરશે. આ પોઈન્ટ એવું સ્થાન હોય છે જ્યાં પૃથ્વી અને સૂર્યનાં ગુરુત્વાકર્ષણ બળો આકર્ષણ-અપાકર્ષણ સર્જે છે, જેથી કોઇ પણ વસ્તુ ત્યાં રાખી શકાય છે.

    આદિત્ય L1ને એવી રીતે ગોઠવવામાં આવશે જેથી તે 365 દિવસ સૂર્યનો અભ્યાસ કરી શકશે. આ પોઈન્ટનું પૃથ્વીથી અંતર 15 લાખ કિલોમીટર છે, જે કાપતાં તેને ચાર મહિના જેટલો સમય લાગશે. જોકે, આમ તો સૂર્યથી આ અંતર માત્ર 1 ટકા જેટલું જ કહેવાય કારણ કે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું કુલ અંતર 15 કરોડ કિલોમીટર છે. આદિત્ય- L1 સૂર્યની નજીક જઈને તેના કોરોના (બહારનું પડ) તાપમાન, અવકાશમાં તેનાથી થતી અસરો, પૃથ્વી પર તેની અસરો તેમજ અન્ય ગ્રહો પર તેની અસરોનો અભ્યાસ કરશે અને મહત્વપૂર્ણ ડેટા પૃથ્વી સુધી મોકલાવશે, જે ઈસરોને ભવિષ્યનાં સ્પેસ મિશનોમાં અત્યંત અગત્યનો પુરવાર થશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં