Sunday, October 13, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘રાવણ ખીલજી જેવો દેખાય તો શું વાંધો છે?’: ગીતકાર મનોજ મુંતશિર ‘આદિપુરુષ’ના...

    ‘રાવણ ખીલજી જેવો દેખાય તો શું વાંધો છે?’: ગીતકાર મનોજ મુંતશિર ‘આદિપુરુષ’ના બચાવમાં ઉતર્યા, કહ્યું- બંને પાત્રો મળતાં આવતાં હોય તો કંઈ ખોટું નથી

    ગીતકાર મનોજ મુંતશિરે ફિલ્મ 'આદિપુરુષ'ના ડાયલોગ્સ લખ્યા છે. તેમણે રાવણના પાત્ર વિશે થતી ટીકાઓ પર પ્રતિક્રિયા આપી હતી.

    - Advertisement -

    ફિલ્મ ‘આદિપુરુષ’નું ટીઝર લૉન્ચ થયા બાદ સોશિયલ મીડિયા પર ખૂબ ટીકા થઇ રહી છે અને હનુમાનજી અને રાવણના પાત્રો પર પણ સવાલો ઉઠ્યા છે ત્યારે હવે આ અંગે જાણીતા ગીતકાર મનોજ મુંતશિર ફિલ્મના બચાવમાં ઉતર્યા છે. તેમણે કહ્યું કે, રાવણ અને ખીલજીનો ચહેરો જો મળતો આવતો હોય તો તેમાં કશું ખોટું નથી. 

    મનોજ મુંતશિરે ફિલ્મ ‘આદિપુરુષ’ના ડાયલૉગ લખ્યા છે. એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે, “દરેક યુગમાં દુષ્ટતાનો પોતાનો એક ચહેરો હોય છે. રાવણ મારા માટે આ ચહેરો છે. અલાઉદ્દીન ખીલજી પણ દુષ્ટતાનો ચહેરો છે. જો એ બંને મેળ પણ ખાતા હોય, અમે જાણીજોઈને એમ નથી કર્યું પરંતુ મેળ પણ ખાતા હોય તો મને નથી લાગતું કે એ વાંધાજનક છે. અને જો તમે રાવણને ખીલજી જેવો દેખાવા માટે વધુ નફરત કરો તો એ સારી બાબત છે, તેમાં કશું ખોટું નથી.” 

    આ ઉપરાંત, મનોજ મુંતશિરે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી પણ એક ઇન્ટરવ્યૂનો વિડીયો શૅર કર્યો છે. જેમાં તેઓ કહે છે કે, “અમે 1 મિનિટ 35 સેકન્ડનું ટીઝર જોયું,જેમાં રાવણે ત્રિપુંડ લગાવ્યું છે. કયો ખીલજી ત્રિપુંડ લગાવે છે? કયો ખીલજી તિલક લગાવે છે? કયો ખીલજી જનેઉ પહેરે છે અને કયો ખીલજી રુદ્રાક્ષ ધારણ કરે છે? અમારા રાવણે આ 1 મિનિટ 35 સેકન્ડના ટીઝરમાં આ બધું જ કર્યું છે.”

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે ફિલ્મ આદિપુરુષનું ટીઝર લૉન્ચ થયું ત્યારથી સોશિયલ મીડિયા પર તેની ટીકા થઇ રહી છે. લોકો તેને રામાયણ સાથે સરખાવીને કહી રહ્યા છે કે, તેમાં પાત્રો સાથે છેડછાડ કરવામાં આવી છે. રાવણ બનેલા સૈફ અલી ખાનનો લુક રાવણ જેવો ઓછો અને અલાઉદ્દીન ખીલજી જેવો વધુ હોવાનું લોકોનું કહેવું છે. ઉપરાંત, હનુમાનજીના પાત્ર સામે પણ વાંધો ઉઠાવવામાં આવ્યો છે. 

    વિરોધ વચ્ચે ફિલ્મના બહિષ્કાર અને પ્રતિબંધને લઈને પણ માંગ તેજ બની છે. અયોધ્યાના રામમંદિરના પૂજારીએ કહ્યું હતું કે, ફિલ્મો બનાવવી એ ગુનો નથી પરંતુ વિવાદ સર્જવા માટે ફિલ્મો બનાવવી ન જોઈએ. આ ફિલ્મ ગરિમા વિરુદ્ધ છે, તેની ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે. બીજી તરફ, મહારાષ્ટ્રમાં પણ ભાજપ નેતાએ ચેતવણી આપતાં કહ્યું હતું કે, હિંદુઓની આસ્થાને ઠેસ પહોંચાડનારી ફિલ્મ હશે તો સ્ક્રીનિંગ રોકવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં