Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘આદિપુરુષ’ પર પ્રતિબંધની માંગ, અયોધ્યાના રામમંદિરના પૂજારીએ કહ્યું- ફિલ્મ ગરિમાની વિરુદ્ધ: મહારાષ્ટ્રમાં...

    ‘આદિપુરુષ’ પર પ્રતિબંધની માંગ, અયોધ્યાના રામમંદિરના પૂજારીએ કહ્યું- ફિલ્મ ગરિમાની વિરુદ્ધ: મહારાષ્ટ્રમાં પણ પ્રતિબંધની ચેતવણી

    રામમંદિરના મુખ્ય પૂજારીએ કહ્યું કે, ફિલ્મો બનાવવી ગુનો નથી પરંતુ વિવાદો સર્જવા માટે બનાવવામાં આવવી ન જોઈએ.

    - Advertisement -

    ફિલ્મ ‘આદિપુરુષ’ તેનું ટીઝર રિલીઝ થયા બાદ સતત વિવાદમાં રહી છે. ફિલ્મ વિશે પહેલાં તો લોકોને બહુ આશા હતી, પરંતુ 2 ઓક્ટોબરે તેનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યા બાદ સતત લોકો ટીકા કરી રહ્યા છે અને હવે તો ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ પણ થઇ રહી છે. ઉત્તરપ્રદેશના અયોધ્યા સ્થિત રામમંદિરના મુખ્ય પૂજારીએ ફિલ્મને ગરિમા વિરુદ્ધ ગણાવીને પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. 

    અયોધ્યાના રામમંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસે કહ્યું કે, ભગવાન રામ, હનુમાન અને રાવણનું ચિત્રણ મહાકાવ્ય (રામાયણ) અનુસાર નથી. આ ફિલ્મ તેમની ગરિમા વિરુદ્ધ છે. તેમણે કહ્યું કે, ફિલ્મ બનાવવી ગુનો નથી પરંતુ તેને ચર્ચામાં લાવવા માટે જાણીજોઈને વિવાદ સર્જવા માટે ન બનાવવી જોઈએ. 

    આદિપુરુષનું ટીઝર ગત રવિવારે (2 ઓક્ટોબર 2022) રિલીઝ કરવામાં આવ્યું હતું. જોકે, જે રીતે ફિલ્મમાં વધુ પડતા VFXનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેને લઈને લોકો તેની સરખામણી વિડીયો ગેઇમ અને કાર્ટૂન સાથે કરી રહ્યા છે. જેને લઈને સોશિયલ મીડિયા પર મીમ્સ પણ બની રહ્યાં છે. 

    - Advertisement -

    આ ઉપરાંત, ફિલ્મના ટીઝરમાં તમામ મુખ્ય પાત્રો રામ, સીતા, હનુમાન અને રાવણને દર્શાવવામાં આવ્યાં છે. જોકે, આ પાત્રોના ચિત્રણ સામે પણ લોકોએ સવાલો ઉઠાવ્યા છે. રાવણનું પાત્ર ભજવનાર સૈફ અલી ખાન રાવણ નહીં પરંતુ કોઈ ઇસ્લામિક આક્રાંતા જેવો લાગતો હોવાનું લોકોનું કહેવું છે. ઉપરાંત, હનુમાનજીનું પાત્ર પણ યોગ્ય ન હોવાનું કહીને પ્રશ્નો ઉભા કરવામાં આવ્યા છે. 

    બીજી તરફ, ફિલ્મના થઇ રહેલા વિરોધ વચ્ચે મધ્ય પ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ પણ સંજ્ઞાન લઈને ફિલ્મના ડાયરેક્ટરને એક પત્ર લખ્યો છે. તેમણે કહ્યું કે, કોઈ પણ ફિલ્મ નિર્માતા પાસેથી હિંદુ દેવતાઓના આવા ચિત્રણની આશા રાખી શકાય નહીં. ટીઝર જોઈને લોકોની ભાવનાઓને ઠેસ પહોંચે એ સ્વાભાવિક વાત છે. તેમણે લખ્યું છે કે, બહુમતી સમાજની ભાવનાઓને ધ્યાનમાં રાખીને આવા ચિત્રણ હટાવી દેવામાં આવે અને આગળ પણ આ પ્રકારની ભૂલો ન થાય તેનું ધ્યાન રાખવામાં આવે. 

    મીડિયા સાથે વાતચીત કરતાં તેમણે કહ્યું હતું કે, હનુમાનજીનાં વસ્ત્રોને ચામડાંનાં બતાવવામાં આવ્યાં છે, જ્યારે હનુમાન ચાલીસામાં હનુમાનજીનાં વસ્ત્રોનો સ્પષ્ટ ઉલ્લેખ છે. તેમણે એમ પણ કહ્યું કે, “તેમને દર વખતે અમારા ભગવાનો જ દેખાય છે, કોઈ અન્યના ભગવાનો પર આ પ્રકારની ફિલ્મો નથી બનાવતા.”  

    ભાજપ નેતાએ કહ્યું- મહારાષ્ટ્રમાં સ્ક્રીનીંગ નહીં થવા દઈએ 

    મહારાષ્ટ્રના ભાજપ નેતા રામ કદમે ફિલ્મ ‘આદિપુરુષ’ અંગે કહ્યું છે કે, ફરી એક વખત ફિલ્મ નિર્માતાઓએ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે દેવી-દેવતાઓનું ખરાબ ચિત્રણ કરીને કરોડો હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. આ વખતે માત્ર માફીથી કે દ્રશ્યો હટાવી દેવાથી ચલાવી લેવામાં આવશે નહીં, આવી ફિલ્મો પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવવો જોઈએ. તેમણે જણાવ્યું કે, મહારાષ્ટ્રમાં આ ફિલ્મનું સ્ક્રીનિંગ કરવામાં આવશે નહીં. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં