Wednesday, May 8, 2024
More
    હોમપેજરાજકારણમેનકા ગાંધીને 100 કરોડની માનહાનિની નોટિસ: ઇસ્કોન વિશે કરી હતી ટિપ્પણી, કહ્યું...

    મેનકા ગાંધીને 100 કરોડની માનહાનિની નોટિસ: ઇસ્કોન વિશે કરી હતી ટિપ્પણી, કહ્યું હતું- તેઓ કતલખાનાંમાં વેચી દે છે ગાયો

    આ પ્રકારના અપમાનજનક અને બદનક્ષીભર્યા આક્ષેપોથી વિશ્વભરના ઇસ્કોનના અનુયાયીઓ, સમર્થકો અને શુભેચ્છકોને ઠેસ પહોંચી છે. ઇસ્કોન સામે ચાલતા દુષ્પ્રચાર સામે ન્યાય મેળવવા માટે અમે કોઇ પણ કસર છોડીશું નહીં- ISKCON

    - Advertisement -

    આધ્યાત્મિક સંસ્થા ISKCON દ્વારા ભાજપ સાંસદ મેનકા ગાંધીને 100 કરોડ રૂપિયાની માનહાનિની નોટિસ મોકલવામાં આવી છે. તાજેતરમાં તેમણે એક નિવેદનમાં કહ્યું હતું કે ISKCON વૃદ્ધ અને બીમાર ગાયોને કસાઇઓને વેચી દે છે. જેને લઈને સંસ્થાએ રદિયો આપ્યા બાદ હવે માનહાનિની નોટિસ મોકલાવી છે. 

    ઇસ્કોન કોલકત્તાના પ્રવક્તા રાધારમણ દાસે X પર પોસ્ટ કરીને લખ્યું કે, “ISKCON પર પાયાવિહોણા આરોપો લગાવવા બદલ અમે મેનકા ગાંધીને 100 કરોડ રૂપિયાની માનહાનિની નોટિસ પાઠવી છે. આ પ્રકારના અપમાનજનક અને બદનક્ષીભર્યા આક્ષેપોથી વિશ્વભરના ઇસ્કોનના અનુયાયીઓ, સમર્થકો અને શુભેચ્છકોને ઠેસ પહોંચી છે. ઇસ્કોન સામે ચાલતા દુષ્પ્રચાર સામે ન્યાય મેળવવા માટે અમે કોઇ પણ કસર છોડીશું નહીં.”

    મેનકા ગાંધીનો જે વીડિયો સામે આવ્યો હતો, તેમાં તેઓ કહે છે કે, “હું તેમની (ઇસ્કોન) અનંતપુર ગૌશાળા ગઈ, જ્યાં એક પણ બચ્ચા વગરની અને દૂધ ન આપનારી ગાય કે તેનાં વાછરડાં અમને ન મળ્યાં. એટલે કે આવી ગાયો અને વાછરડાં કતલખાનાંને વેચી દેવામાં આવ્યાં.”

    - Advertisement -

    આ બાબતને લઈને લીગલ નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે, મેનકા ગાંધીએ આંધ્રપ્રદેશમાં ઇસ્કોન સંચાલિત અનંતપુર ગૌશાળાની મુલાકાત લીધી હોય તેવા કોઇ રેકોર્ડ ઉપલબ્ધ નથી. આગળ કહેવામાં આવ્યું કે, તેમણે (મેનકા) સંસ્થાની છબીને નુકસાન પહોંચાડવા માટે જાણીજોઈને આ ટિપ્પણીઓ કરી છે. સંસ્થાએ કહ્યું કે, તેઓ પોતાના શબ્દો પરત ખેંચે અને બિનશરતી માફી માંગીને ભવિષ્યમાં આ પ્રકારની ટિપ્પણીઓ ન કરવાની બાંહેધરી આપે. તેમજ આ માફી તમામ અગ્રણી અખબારોમાં પ્રકાશિત કરાવે અને સોશિયલ મીડિયા પર પણ તેની જાહેરાત કરે તેમ જણાવાયું છે. નોટિસમાં ઉમેરવામાં આવ્યું કે, જો આમ નહીં કરવામાં આવે તો ઇસ્કોન 100 કરોડનો માનહાનિનો દાવો માંડવા માટે કાર્યવાહી શરૂ કરશે. 

    મેનકા ગાંધીએ બીજું શું કહ્યું હતું? 

    મેનકા ગાંધીએ કહ્યું હતું, “સૌથી મોટા ચીટરો હોય તો તેઓ ઇસ્કોન છે. સરકાર તરફથી તેમણે ગૌશાળા ચલાવવા માટે દુનિયાભરના ફાયદા મળે છે. મોટી જમીન મળે છે. હું તેમની અનંતપુર ગૌશાળામાં ગઈ…… ત્યાં એક પણ સૂકી ગાય ન હતી. બધી દૂધ આપનારી ગાય….એક પણ વાછરડું ન હતું. તેનો અર્થ બધાં વેચી નાખવામાં આવ્યાં. ઇસ્કોન તેની ગાયોને કસાઈઓને વેચે છે. જેટલું તેઓ કરે છે તેટલું કોઈ નથી કરતા…….તેઓ રસ્તા પર જઈને ‘હરે રામ, હરે કૃષ્ણ’ કરે છે, પરંતુ જેટલી ગાયો તેમણે કસાઈઓને વેચી છે તેટલી કોઈએ નથી વેચી.”

    જોકે, આ આરોપોને લઈને પછીથી ઈસ્કોને પણ જવાબ આપ્યો હતો અને ફગાવી દીધા હતા. સંસ્થાએ કહ્યું હતું કે, “સંસ્થા ગૌવંશના રક્ષણ માટે સતત પ્રયાસરત રહી છે અને માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં આ ક્ષેત્રમાં કામ કરે છે. જેવા આરોપો લગાવવામાં આવે છે તેવું કશું જ નથી અને ગૌશાળામાં તેમને જીવનપર્યંત સાચવવામાં આવે છે.” એમ પણ કહ્યું કે, સંસ્થા 60 કરતાં વધુ ગૌશાળાઓ ચલાવે છે, જેમાં સેંકડો ગૌવંશની કાળજી લેવામાં આવે છે.

    પૂર્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી ઉત્તર પ્રદેશના સુલતાનપુરથી સાંસદ છે અને પશુ અધિકારો માટે અવાજ ઉઠાવતાં રહે છે. તાજેતરમાં ઇસ્કોન વિશે તેમણે કરેલી ટિપ્પણીઓના કારણે ચર્ચામાં આવ્યાં હતાં. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં