જમ્મુ-કાશ્મીરના પુલવામામાં પોલીસ અને સુરક્ષા દળોએ એક મોટા આતંકવાદી ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. દક્ષિણ કાશ્મીરના પુલવામામાં 5 કિલો IED એટલે કે ઇમ્પ્રોવાઈઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ જપ્ત કરવામાં આવ્યું છે તેમજ એક આતંકવાદીના સહયોગીની પણ ધરપકડ થઈ છે.
રિપોર્ટ અનુસાર, ધરપકડ કરાયેલા આતંકી સહયોગીનું નામ ઇશફાક અહેમદ વાની છે અને તે પુલવામાના અરિગામ વિસ્તારમાં રહે છે. ઇશફાક ખુલાસા બાદ પોલીસે પુલવામામાં 5 કિલો IED જપ્ત કર્યો હતો.
Pulwama Police averted a major tragedy by apprehending a #terror associate Ishfaq Ahmed Wani R/O Arigam #Pulwama and recovering an #IED (approx 5-6Kgs) on his disclosure. Case registered and investigation started.@JmuKmrPolice pic.twitter.com/DfGykYVL4p
— Kashmir Zone Police (@KashmirPolice) May 7, 2023
ઉત્તર કાશ્મીરમાં સુરક્ષા વધારવામાં આવી, તંત્ર હાઈ એલર્ટ પર
ઉત્તર કાશ્મીરમાં સતત ત્રણ એન્કાઉન્ટર બાદ સુરક્ષા વધારી નાખવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, આ એન્કાઉન્ટરમાં સંયુક્ત સુરક્ષા દળોએ પાંચ આતંકવાદીઓને ઠાર કર્યા છે. અધિકારીઓનું કહેવું છે કે, ગ્રાઉન્ડ લેવલે વધારાની ફોર્સ તહેનાત કરવામાં આવી છે. તો એરિયલ સર્વિલન્સ માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, કાશ્મીરમાં આ મહિનાના અંતમાં G20 બેઠક યોજવાની છે એટલે સુરક્ષા તંત્રને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે.
આ ઉપરાંત, આતંકવાદીઓ કે વિસ્ફોટકોની હિલચાલ અટકાવવા માટે ઊભા કરાયેલા ચેક પોઈન્ટ પર વાહનોની કડક ચેકિંગ કરવામાં આવી રહી છે. આ માટે સ્નિફર ડોગ્સની પણ મદદ લેવામાં આવી રહી છે.
છેલ્લા પાંચ દિવસોમાં પાંચ આતંકવાદીઓ ઠાર કરવામાં આવ્યા
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ ચાલી રહેલા અભિયાન હેઠળ કરવામાં આવેલા એન્કાઉન્ટરમાં છેલ્લા પાંચ દિવસોમાં પાંચ આતંકવાદીઓ ઠાર કરવામાં આવ્યા હતા. તેમાંથી ત્રણ આતંકવાદીઓ દક્ષિણ કાશ્મીરના હતા. ગુલમર્ગ નજીક ઉત્તર કાશ્મીરમાં આતંકવાદીઓની હાજરીને લીધે મોટા આતંકી હુમલાની અટકળો થઈ રહી છે. સુરક્ષા એજન્સીઓનું કહેવું છે કે તેઓ કોઈપણ પડકારનો સામનો કરવા માટે સક્ષમ છે.
રાજૌરીમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલુ
જમ્મુ-કાશ્મીરમાં 20 એપ્રિલ, 2023ના રોજ બપોરે ભારતીય સેનાના એક વાહનમાં આગ લાગતાં પાંચ જવાનો વીરગતિને પ્રાપ્ત થયા હતા. ભારતીય સેનાએ બાદમાં જણાવ્યું હતું કે આ આતંકી હુમલો હતો. આ હુમલામાં અન્ય એક જવાન ઈજાગ્રસ્ત થવાને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ હુમલા બાદ સુરક્ષા દળો રાજૌરીના કાંડી જંગલમાં આતંકવાદ વિરોધી ઓપરેશન કરી રહ્યા છે. એન્કાઉન્ટરમાં કેટલાક આતંકવાદીઓ પણ માર્યા ગયા હોવાનું સામે આવ્યું છે. હાલ આ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે સતત એનકાઉન્ટર ચાલી રહ્યાં છે.