Friday, April 19, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટસુપ્રસિદ્ધ મહુડી ઘંટાકર્ણ મહાવીર મંદિરના બે ટ્રસ્ટીઓએ 45 લાખના સોનાની ઉચાપત કરી...

  સુપ્રસિદ્ધ મહુડી ઘંટાકર્ણ મહાવીર મંદિરના બે ટ્રસ્ટીઓએ 45 લાખના સોનાની ઉચાપત કરી હોવાની ફરિયાદ, FIR દાખલ થયા બાદ ધરપકડ

  ભૂપેન્દ્ર વોરાનું કહેવું છે કે, ધનતેરસના તહેવાર દરમિયાન ભગવાનને ચઢાવવામાં આવેલો સોનાનો વરખ ઉતારી લેવામાં આવે છે, પણ આ વખતે વરખ ઓછો ઉતર્યો હતો.

  - Advertisement -

  સુપ્રસિદ્ધ મહુડી ઘંટાકર્ણ મહાવીર મંદિરમાં બે ટ્રસ્ટીઓએ 45 લાખના સોનાની ઉચાપત કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. મંદિરના ટ્રસ્ટી અને મુંબઈના કાંદિવલીમાં રહેતા એક વ્યક્તિએ બુધવારે ગાંધીનગરના માણસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીને મંદિરના બે ટ્રસ્ટીઓએ મંદિરને દાનમાં આપેલા રૂપિયા 45 લાખના સોનાના વરખની ઉચાપત કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી. તેમની આ ફરિયાદ બાદ માણસા પોલીસે આ મામલે ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  સુપ્રસિદ્ધ મહુડી ઘંટાકર્ણ મહાવીર મંદિરમાં સોનાની ઉચાપત કરવાનો મામલો ત્યારે સામે આવ્યો જયારે મુંબઈના કાંદિવલી (વેસ્ટ)માં આવેલી લક્ષ્મીસદન સોસાયટીમાં રહેતા ભૂપેન્દ્ર વોરાએ આ બાબતે ફરિયાદ નોંધાવી. ગાંધીનગરના મહુડીમાં આવેલા ઘંટાકર્ણ મહાવીર મંદિરના આઠ ટ્રસ્ટીઓ છે. જેમાં વોરા અને શાહ સમાજના 2-2 અને મહેતા સમુદાયના ચાર ટ્રસ્ટીઓ છે. ભૂપેન્દ્ર વોરાનું કહેવું છે કે, ધનતેરસના તહેવાર દરમિયાન ભગવાનને ચઢાવવામાં આવેલો સોનાનો વરખ ઉતારી લેવામાં આવે છે, પણ આ વખતે વરખ ઓછો ઉતર્યો હતો.

  800 ગ્રામ સોનું ઓછું ઉતરતા શંકા ગઈ

  અહેવાલોમાં જણાવ્યા અનુસાર દર વર્ષે દિવાળી પર્વ પર ધનતેરસના દિવસે ઘંટાકર્ણ મહાવીર દેવનો સંપૂર્ણ વર્ષનો સોનાનો વરખનો ઉતારો ઉતારવામાં આવે છે. તે મુજબ ડિસેમ્બર-2022માં ટ્રસ્ટીઓએ સોનાના વરખનો ઉતારો ઉતારી એક ડોલમાં રાખી તે ડોલ તિજોરીમાં મૂકી હતી. જે બાદ સોનાનો વરખ ભરેલી ડોલ ટ્રસ્ટીઓએ એક વખત ગળાવવા માટે બહાર કાઢી હતી, પરંતુ તે દિવસે સોનું ગળાવવાનું શક્ય ન બનતા તે ડોલ ટ્રસ્ટીઓની હાજરીમાં પાછળ જાળીમાં મૂકી તાળું મારવામાં આવ્યું હતું.

  - Advertisement -

  ત્યારબાદ ગત 15 ફેબ્રુઆરી, 2023ના રોજ ટ્રસ્ટીઓ દ્વારા જ્યારે મંદિરના સોનાના જથ્થાની તપાસ કરવામાં આવી ત્યારે તેઓને જાણવા મળ્યું કે દાનમાં આવેલા સોનામાંથી લગભગ 800 ગ્રામ સોનાની વરખ ઓછી હતી. બાદમાં ટ્રસ્ટીઓએ એકાઉન્ટન્ટની પૂછપરછ કરતા તેમણે વાસણામાં રહેતા નિલેશ મહેતા અને પાલડીમાં રહેતા સુનિલ મહેતા નામના બે ટ્રસ્ટીઓની સંડોવણી હોવા તરફ ઈશારો કર્યો હતો. એકાઉન્ટન્ટની આ વાત સાંભળીને સહુ કોઈ ચોંકી ઉઠયા હતા. બાદમાં તેઓએ તપાસ હાથ ધરવાનું નક્કી કર્યું હતું.

  CCTV ચકાસતા આખો ભાંડો ફૂટ્યો

  ટ્રસ્ટીઓએ મંદિરના CCTV ફૂટેજ ચકાસ્યા ત્યારે આરોપીઓની કરતૂતનો ભાંડો ફૂટ્યો હતો. સીસીટીવી ફૂટેજમાં તેમને નજરે પડ્યું કે, નિલેશ અને સુનિલે એક વાર મંદિરના તમામ કર્મચારીઓને બહાર મોકલી દીધા હતા. બાદમાં તેઓ આ સોનાની વરખ લઈ ગયા હતા, જેમાં સુખડ સુગંધ ભેળવેલી હતી. કોઈને શંકા ન જાય એટલા માટે નિલેશે પૂજારી પાસેથી સુખડ મિશ્રિત તેલ માંગ્યુ હતું અને પછી તેને પોતાના શરીર પર લગાવી દીધું હતું. પછીથી તે સોનું લઈને મંદિરમાંથી બહાર નીકળી ગયો હતો.

  ભૂપેન્દ્ર વોરાએ કરેલી ફરિયાદમાં એવા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે કે, સુનિલ અને નિલેશે મંદિરના ખજાનામાંથી એક સોનાની ચેઈનની પણ ચોરી કરી હતી. તેમને એવી પણ શંકા છે તેઓએ મંદિરમાંથી કેટલીક રોકડ રકમની પણ ચોરી કરી છે. જોકે, આ રકમ કેટલી છે તે અંગે હજુ સુધી કોઈ જાણકારી સામે નથી આવી. ભૂપેન્દ્ર વોરાની ફરિયાદ બાદ મહુડી મંદિરના બંને ટ્રસ્ટીઓ વિરૂદ્ધ આઈપીસીની કલમ 409, 114 મુજબનો ગુનો નોંધી ધરપકડ કરી છે.

  નોંધનીય છે કે સુખડીના પ્રસાદ માટે પ્રખ્યાત આ ઘંટાકર્ણ મહાવીર જૈનનું ભવ્ય મંદિર ગાંધીનગરથી લગભગ 35 કિમી અંતરે આવેલા મહુડી ગામમાં આવેલુ છે. મહુડી જૈનોનું પવિત્ર યાત્રાધામ છે. આ યાત્રાધામ જૈનોના 24 તીર્થક્ષેત્રમાંનું એક છે અને તે પણ પોતાનું વિશેષ મહત્વ ધરાવે છે. આ જૈન મંદિરનું સંકુલ લગભગ બે કિલોમીટર જેટલા વિસ્તારમાં પથરાયેલુ છે. અહીં ઘંટાકર્ણ ભગવાનનું મુખ્ય મંદિર આવેલું છે. આ આખું મંદિર આરસપહાણથી બનેલું છે અહીંના દેરાસરમાં ઘંટાકર્ણજી તેમજ પદ્માવતી માતાના મંદિરોનો મહિમા છે. જૈન સમાજના હજારો યાત્રાળુઓને તહેવારો અને રજાઓને દિવસે અહીંયા આવે છે. એક માન્યતા પણ પ્રચલિત છે કે અહીંયા મળતો સુખડીનો પ્રસાદ મંદિરના પરિસરની બહાર લઇ જઇ શકાતો નથી.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં