Sunday, May 5, 2024
More
    હોમપેજગુજરાતવીરગતિ પામેલા જવાન મહિપાલસિંહ વાળાના પરિવારને રાજ્ય સરકાર તરફથી 1 કરોડની સહાય:...

    વીરગતિ પામેલા જવાન મહિપાલસિંહ વાળાના પરિવારને રાજ્ય સરકાર તરફથી 1 કરોડની સહાય: CM ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લઈને ચેક અર્પણ કર્યો

    જમ્મુ-કાશ્મીરમાં ફરજ બજાવતાં વીરગતિ પામ્યા હતા મહિપાલસિંહ વાળા. મુખ્યમંત્રીએ આજે પરિવારજનોની મુલાકાત લઈને સહાયનો ચેક અર્પણ કર્યો હતો.

    - Advertisement -

    કાશ્મીરમાં આતંકવાદીઓ સામે લડતાં-લડતાં વીરગતિ પામેલા જવાન મહિપાલસિંહ વાળાના પરિજનોને રાજ્ય સરકાર તરફથી આર્થિક સહાય આપવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતે તેમના નિવાસસ્થાને જઈને ચેક અર્પણ કર્યો હતો. 

    રિપોર્ટ્સ અનુસાર, મુખ્યમંત્રીએ મહિપાલસિંહના પરિજનોને 1 કરોડ રૂપિયાનો ચેક અર્પણ કર્યો હતો. તેમણે વીર જવાનના પરિજનોની મુલાકાત વેળાની તસવીર પણ પોસ્ટ કરી હતી. મુખ્યમંત્રીએ લખ્યું કે, ‘જમ્મુ કાશ્મીરમાં વીરગતિ પામેલ ભારતીય સેનાના વીર જવાન મહિપાલસિંહ વાળાના પરિવારજનોને મળીને તેમને રાજ્ય સરકાર તરફથી સહાયનો ચેક અર્પણ કર્યોં. દેશની રક્ષા કાજે સર્વોચ્ચ બલિદાન આપનાર અમર જવાનને કૃતજ્ઞતાસહ વંદન.’

    ઉલ્લેખનીય છે કે મહિપાલસિંહ વીરગતિ પામ્યા બાદ તેમના પાર્થિવ દેહને અમદાવાદ લાવવામાં આવ્યો ત્યારે પણ મુખ્યમંત્રી પરિવારને મળવા માટે પહોંચ્યા હતા અને સાંત્વના આપી હતી. મંગળવારે ફરી તેમણે પરિજનોની મુલાકાત લીધી અને ચેક અર્પણ કર્યો હતો. 

    - Advertisement -

    અમદાવાદ માહિતી ખાતાના જણાવ્યા અનુસાર, રાજ્ય સરકાર ઉપરાંત કેન્દ્ર સરકાર અને ભારતીય સૈન્ય તરફથી પણ સહાય આપવામાં આવશે. જે કુલ રકમ 2 કરોડ 75 લાખ જેટલી છે.

    મહિપાલસિંહ પ્રવીણસિંહ વાળા મૂળ સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના મોજીદડ ગામના વતની હતા. જોકે, તેમનો પરિવાર ઘણા સમયથી અમદાવાદ જ રહેતો હતો. છેલ્લાં આઠ વર્ષથી તેઓ ભારતીય સેનામાં ફરજ બજાવતા હતા. સૌથી પહેલાં તેમનું પોસ્ટિંગ જબલપુરમાં થયું હતું. ચાર વર્ષ બાદ ચંદીગઢમાં તેમને ફરજ પર મૂકવામાં આવ્યા હતા. જ્યાં ત્રણ વર્ષ ફરજ બજાવ્યા બાદ છએક મહિના પહેલાં જમ્મુ-કાશ્મીરમાં પોસ્ટિંગ થયું હતું. તેઓ 34 રાષ્ટ્રીય રાઇફલનો ભાગ હતા. 

    ગત 4 ઓગસ્ટ, ૨૦૨૩ના રોજ જમ્મુ-કાશ્મીરના કુલગામમાં ફરજ બજાવતી વખતે ત્રણ જવાનો વીરગતિ પામ્યા હતા, જેમાંથી મહીપાલસિંહ એક હતા. કાશ્મીરના કુલગામના હલાન જંગલ વિસ્તારમાં આતંકવાદીઓ સંતાયેલા હોવાની બાતમીના આધારે સુરક્ષાબળોએ એક વિશેષ ઓપરેશન શરૂ કર્યું હતું. અહીં જવાનો સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા તે દરમિયાન ઝાડીમાં છુપાઈને બેઠેલા આતંકવાદીઓએ તેમની ઉપર ગોળીબાર શરૂ કરી દીધો હતો. જેમાં સેનાના ત્રણ જવાનોને ગોળી વાગી ગઈ હતી. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ત્રણેયે સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. 

    મહિપાલસિંહ જ્યારે વીરગતિ પામ્યા ત્યારે તેમનાં પત્ની વર્ષાબા ગર્ભવતી હતાં. વીર જવાન તેમના સંતાનનું મોં જુએ તે પહેલાં જ વિદાય પામ્યા હતા. બીજા દિવસે યોજાયેલી તેમની અંતિમયાત્રામાં લાખોની સંખ્યામાં લોકો સ્વયંભૂ પહોંચ્યા હતા અને અશ્રુભીની આંખે અંતિમ વિદાય આપી હતી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં