માફિયા-ગેંગસ્ટર મુખ્તાર અન્સારીને ઉત્તર પ્રદેશના ગાઝીપુરની MP-MLA કોર્ટે અપહરણ અને હત્યાના કેસમાં દોષી ઠેરવીને 10 વર્ષની સજા સંભળાવી છે. ઉપરાંત, તેને 5 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
Uttar Pradesh | Ghazipur's MP MLA court convicts jailed mafia Mukhtar Ansari in a gangster case and sentenced him to 10 years imprisonment and a fine of Rs 5 lakh. pic.twitter.com/4ZYtO0MFi6
— ANI (@ANI) April 29, 2023
આ કેસમાં મુખ્તારનો ભાઈ અફજાલ પણ આરોપી છે, પરંતુ તેની સજા પર ચુકાદો અનામત રાખવામાં આવ્યો છે. જલ્દીથી કોર્ટ આ અંગે પણ ચુકાદો આપશે. ચુકાદો સંભળાવતી વખતે અફજાલને કોર્ટમાં લઇ જવામાં આવ્યો હતો જ્યારે મુખ્તારને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રજૂ કરવામાં આવ્યો હતો.
વર્ષ 2005માં ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં ભાજપ ધારાસભ્ય કૃષ્ણાનંદ રાયની હત્યા કરી નાંખવામાં આવી હતી. જે મામલે મુખ્તાર અને તેના ભાઈ અફજાલ અન્સારી સામે ગેંગસ્ટર એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરાંત, બંને પર વેપારી નંદકિશોર રુંગટાના અપહરણ મામલેનો કેસ પણ દાખલ છે. 2007માં ગેંગસ્ટર એક્ટ હેઠળ મુખ્તાર, અફજાલ અને તેમના બનેવી એઝાઝ-ઉલ-હક સામે કેસ દાખલ થયો હતો. જેમાંથી એઝાઝ મૃત્યુ પામ્યો છે.
આ કેસમાં ગત 1 એપ્રિલે સુનાવણી પૂર્ણ કરી લેવામાં આવી હતી. ત્યારબાદ ચુકાદાની તારીખ 15 એપ્રિલ નક્કી કરવામાં આવી હતી પરંતુ પછીથી લંબાવીને 29 એપ્રિલ નક્કી કરવામાં આવી હતી. આખરે આજે ચુકાદો આપીને મુખ્તાર અંસારીને સજા સંભળાવવામાં આવી છે. કેસની ટ્રાયલ વર્ષ 2012માં શરૂ થઇ હતી.
શું છે આ બંને કેસ?
29 નવેમ્બર, 2005ના દિવસે ભાજપ MLA કૃષ્ણાનંદ રાય સહિત 7 લોકોને ગોળી મારવામાં આવી હતી. ચૂંટણીની અદાવતમાં આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. આ હત્યાનો આરોપ મુખ્તાર અન્સારી અને તેના ભાઈ પર લાગ્યો હતો. આ બંને ભાઈઓના પ્રભાવવાળી મોહમ્મદાબાદ વિધાનસભા બેઠક પરથી કૃષ્ણાનંદ રાય ચૂંટણી જીત્યા હતા.
વેપારી નંદકિશોર રુંગટાના અપહરણનો મામલો વર્ષ 1997નો છે. જાન્યુઆરી 1997માં તેમનું તેમના ઘરેથી અપહરણ કરી લેવામાં આવ્યું હતું અને મુક્તિ માટે તેમના પરિવાર પાસે 5 કરોડ રૂપિયા માંગવામાં આવ્યા હતા. પરિવારે દોઢ કરોડ રૂપિયા આપી પણ દીધા હતા પરંતુ પછીથી તેમની હત્યા કરી નાંખવામાં આવી હતી. આ કેસનો આરોપ પણ મુખ્તાર પર જ લાગ્યો હતો. ત્યારબાદ ગેંગસ્ટર એક્ટ હેઠળ કેસ દાખલ થયો હતો.
મુખ્તાર અન્સારી હાલ ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં બંધ છે. તેની ઉપર હત્યા, ખંડણી, અપહરણ સહિતના પચાસથી વધુ કેસ દાખલ છે.