ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે રાજ્યની મદ્રેસાઓના સરવેનો આદેશ કર્યા બાદ હવે મધ્ય પ્રદેશ સરકારે પણ ગેરકાયદે ચાલતી મદ્રેસાઓ પર લાલ આંખ કરી છે. જે અનુસાર, શિવરાજસિંહ ચૌહાણ સરકાર રાજ્યની 52 ફર્જી મદ્રેસાઓ બંધ કરવાની તૈયારી કરી રહી હોવાનું અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે.
એક રિપોર્ટમાં આ બાબતની જાણકારી આપવામાં આવી છે. જે મુજબ મધ્ય પ્રદેશમાં ચાલતી ફર્જી મદ્રેસાઓ બંધ કરવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે અને છેલ્લા એક વર્ષમાં રાજધાની ભોપાલમાં જ 48 મદ્રેસાઓ બંધ કરી દેવામાં આવી છે, જ્યારે અન્ય 52 મદ્રેસાઓ બંધ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.
રિપોર્ટ અનુસાર, રાજધાની ભોપાલમાં સરકારી ગ્રાન્ટમાંથી ચાલતી મદ્રેસાઓની સંખ્યા 468 છે જ્યારે ગ્રાન્ટ વગરની મદ્રેસાઓની સંખ્યા આનાથી અનેકગણી વધુ છે.
મધ્ય પ્રદેશમાં 7 હજારથી વધુ મદ્રેસાઓ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે અને જેમાંથી માત્ર 2200ને જ માન્યતા મળી છે. જેથી ઘણી કોઈ પણ પ્રકારના રજિસ્ટ્રેશન અને માન્યતા વગર ચાલતી હોવાનું અનુમાન છે. મદ્રેસા બોર્ડ ત્રણ વર્ષ માટે રજિસ્ટ્રેશન કરે છે અને માન્યતા વગર મદ્રેસાઓનું સંચાલન ગેરકાયદેસર ગણાય છે.
રિપોર્ટમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે, એમપીમાં મદ્રેસાઓના સંચાલન માટેના નિયમો બહુ સરળ છે એ એ જ કારણ છે કે ગેરકાયદેસર ચાલતી મદ્રેસાઓનો રાફડો ફાટ્યો છે. જોકે, સરકાર અને ગૃહ મંત્રાલય સ્પષ્ટ કરી ચૂક્યા છે કે મદ્રેસાઓને ગેરકાયદેસર ગતિવિધિઓનું કેન્દ્ર બનવા દેવામાં આવશે નહીં.
અહેવાલ અનુસાર, મધ્ય પ્રદેશ બાળ સંરક્ષણ આયોગે તાજેતરમાં રાજ્યની ઘણી મદ્રેસાઓનું નિરીક્ષણ કર્યું હતું અને આ દરમિયાન રાજધાની ભોપાલમાં ચારેક મદ્રેસાઓ ગેરકાયદેસર ચાલતી હોવાનું સામે આવ્યું હતું. જ્યારે સરકારની ગ્રાન્ટ મેળવતી મદ્રેસાઓમાંથી પણ ઘણીમાં શિક્ષણનું સ્તર ઘણું નબળું જોવા મળ્યું હતું. કેટલીક મદ્રેસાઓ માત્ર એક રૂમમાં જ ચાલી રહી હતી. તપાસમાં અનેક મદ્રેસાઓમાં નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનું પણ સામે આવ્યું હતું. આવી ઘણી મદ્રેસાઓ પર કાર્યવાહી કરવાની તૈયારી ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ મધ્ય પ્રદેશના સંસ્કૃતિ મંત્રી ઉષા ઠાકુરે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, મદ્રેસા બોર્ડ અને શિક્ષણ વિભાગની પરવાનગી વગર ચાલતી મદ્રેસાઓ પર કાર્યવાહી કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે જે મદ્રેસાઓને બોર્ડ કે વિભાગ તરફથી પરવાનગી ન મળી હોય તેમને તાત્કાલિક સીલ કરી દેવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, આ બાબતની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.