અભિનેતા સલમાન ખાન અને તેમના પિતા સલીમ ખાનને મળેલી ધમકી મામલે મુંબઈ પોલીસે લૉરેન્સ બિશ્નોઇ ગેંગનું કનેક્શન શોધી કાઢ્યું છે. જેલમાં બંધ ગેંગસ્ટર લૉરેન્સ બિશ્નોઇએ સલમાન ખાન અને સલીમ ખાનને ધમકીભર્યો પત્ર પાઠવ્યો હતો. નોંધનીય છે કે લૉરેન્સ બિશ્નોઇ ગેંગ હાલ સિદ્ધુ મૂસેવાલાની હત્યા મામલે ચર્ચામાં છે.
લૉરેન્સ બિશ્નોઇ ગેંગના સાગરીત સિદ્ધેશ કામ્બલેની પૂછપરછ દરમિયાન આ અંગે વધુ વિગતો જાણવા મળી હતી. મુંબઈ પોલીસ અનુસાર, કેનેડામાં રહેતા ગેંગસ્ટર ગોલ્ડી બરારનો સાગરીત વિક્રમ બરાર પણ સલમાન ખાન અને સલીમ ખાનને ધમકી આપવાના કાવતરામાં સામેલ હતો. ઉલ્લેખનીય છે કે ગોલ્ડી બરારે જ પંજાબના ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યાની જવાબદારી લીધી છે. તે હાલ કેનેડા રહે છે અને તેની વિરુદ્ધ 20 થી વધુ કેસ નોંધાયેલા છે.
સલમાન ખાનને ધમકી આપવા માટે ત્રણ લોકો મુંબઈ આવ્યા હતા અને સૌરભ મહાકાલને મળ્યા હતા. મુંબઈ પોલીસે જણાવ્યું કે, લૉરેન્સ બિશ્નોઇએ સલમાન ખાન અને સલીમ ખાનને પત્ર મોકલ્યો હતો. તેની ગેંગના ત્રણ લોકો રાજસ્થાનથી મુંબઈ આવ્યા હતા અને લેટર નાંખીને સૌરભ મહાકાલને મળ્યા હતા.
મહાકાલ સાથે મુંબઈ પોલીસે લગભાગ છ કલાક પૂછપરછ કરી હતી અને જેમાં તેણે જણાવ્યું હતું કે ગેંગે પબ્લિસિટી માટે સલમાન ખાનને ધમકી આપી હતી અને તેની પાછળ વિક્રમ બરારનો હાથ હતો.
વિક્રમ બરાર અગાઉ રાજસ્થાનના ગેંગસ્ટર આનંદપાલનો નજીકનો માણસ હતો. પરંતુ આનંદપાલના એન્કાઉન્ટર બાદ તે લૉરેન્સ બિશ્નોઇ ગેંગ સાથે જોડાઈ ગયો હતો. હાલ તે દેશમાં રહેતો નથી.
વધુમાં, મંગળવારે મુંબઈ પોલીસે અભિનેતા સલમાન ખાનનું નિવેદન નોંધ્યું હતું. તેમને પૂછવામાં આવ્યું હતું કે તેમને કોઈ ઝઘડા કે જૂની અદાવત મામલે ધમકીભર્યા કોલ કે મેસેજ આવ્યા હતા કે કેમ? જેના જવાબમાં સલમાને કહ્યું હતું કે તેમને કોઈ ધમકીઓ મળી નથી. તેમણે એમ પણ કહ્યું કે, નજીકના ભૂતકાળમાં તેમનો કોઈ સાથે ઝઘડો થયો નથી કે કોઈ તેમને હત્યાની ધમકી આપે. તેમણે કહ્યું હતું કે, “હું ગોલ્ડી બરારને ઓળખતો નથી. લૉરેન્સ બિશ્નોઇને તેની સામે ચાલતા કેસોના કારણે ઓળખું છું, પરંતુ તેના વિશે જેટલું સામાન્ય લોકો જાણે છે એટલું જ હું પણ જાણું છું.”
અહીં નોંધવું જોઈએ કે ગત 5 જૂનના રોજ સલીમ ખાનને એક ધમકીભર્યો પત્ર મળ્યો હતો. સવારે મોર્નિંગ વોક કર્યા બાદ તેઓ બાંદ્રા બેન્ડ સ્ટેન્ડ પાસે બેઠા હતા ત્યારે એક અજાણ્યા શખ્સે તેમને પત્ર આપ્યો હતો. જેમાં સલમાન ખાન અને સલીમ ખાનને હત્યાની ધમકી આપવામાં આવી હતી.
પત્રમાં લખવામાં આવ્યું હતું કે, “સલીમ ખાન, સલમાન ખાન, બહુત જલ્દી આપકા હાલ મૂસેવાલા જૈસા હોગા.” આ ધમકી મળ્યા બાદ મુંબઈ પોલીસે સલમાન ખાન અને સલીમ ખાન બંનેની સુરક્ષામાં વધારો કરી દીધો હતો. હાલ આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.