Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમાત્ર 12 દિવસમાં 5.4 સેન્ટિમીટર જેટલું ધસી પડ્યું જોશીમઠ, ISROએ જારી કરી...

    માત્ર 12 દિવસમાં 5.4 સેન્ટિમીટર જેટલું ધસી પડ્યું જોશીમઠ, ISROએ જારી કરી સેટેલાઇટ તસ્વીરો: આખા નગર ઉપર સંકટ

    ISROના રિપોર્ટ અનુસાર, માત્ર 12 જ દિવસમાં જોશીમઠની 5.4 સેન્ટિમીટર જમીન ધસી પડી છે અને હવે શહેરના એક મોટા ભાગ ઉપર ધસી પડવાનું સંકટ તોળાઈ રહ્યું છે.

    - Advertisement -

    ઉત્તરાખંડના નગર જોશીમઠમાં આવી પડેલી આફતે હજારો લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે તો બીજી તરફ સરકારો પણ સમસ્યાના સમાધાન માટે લાગેલી છે. દરમ્યાન, અવકાશીય સંશોધન કરતી સંસ્થા ISROએ જોશીમઠ નગરને લઈને એક રિપોર્ટ સોંપ્યો છે. 

    ISROના રિપોર્ટ અનુસાર, માત્ર 12 જ દિવસમાં જોશીમઠની 5.4 સેન્ટિમીટર જમીન ધસી પડી છે અને હવે શહેરના એક મોટા ભાગ ઉપર ધસી પડવાનું સંકટ તોળાઈ રહ્યું છે. જેમાં સેનાના હેલિપૅડ અને નરસિંહ મંદિરનો પણ સમાવેશ થાય છે. 

    ISROના હૈદરાબાદ સ્થિત નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર (NRSC) દ્વારા આ રિપોર્ટ જારી કરવામાં આવ્યો છે. સંસ્થાએ કાર્ટોસેટ-2S સેટેલાઇટથી 7 થી 10 જાન્યુઆરી સુધીની તસ્વીરો લઈને અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેની ઉપર તકીનીકી પ્રક્રિયા કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે કયો વિસ્તાર ધસી પડ્યો છે અને કયો ધસી પડવાની તૈયારીમાં છે. 

    - Advertisement -

    રિપોર્ટમાં ISROએ જણાવ્યું કે, એપ્રિલ 2022થી નવેમ્બર 2022 સુધી જમીન ધસવાનું પ્રમાણ ખૂબ ધીમું હતું. આ 7 મહિનાઓમાં જોશીમઠ નગરની જમીન 8.9 સેન્ટિમીટર જેટલી ધસી હતી. પરંતુ 27 ડિસેમ્બર 2022થી 8 જાન્યુઆરી 2023 સુધીના માત્ર 12 દિવસોમાં 5.4 સેન્ટિમીટર જેટલી જમીન ધસી પડી છે, જે ઝડપ બહુ વધારે છે. 

    જોશીમઠનો મધ્ય ભાગ સૌથી વધુ પ્રભાવિત થયો છે. ISRO દ્વારા જારી કરવામાં આવેલ તસ્વીરોમાં આર્મી હેલિપેડ, મંદિર સહિતના આખા નગરને સેન્સેટિવ ઝોન ઘોષિત કર્યું છે. ઉપરાંત, જોશીમઠ-ઔલી રોડ પણ ધસી પડશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. જોકે, આ પ્રાથમિક રિપોર્ટ છે. આની ઉપર હજુ વધુ અભ્યાસ કરવામાં આવશે. 

    ઉત્તરાખંડના ચમૌલી જિલ્લામાં આવેલું નાનકડું શહેર જોશીમઠ 6,150 ફિટની ઊંચાઈએ વસેલું છે. નિષ્ણાતો અનુસાર, આ જોશીમઠ મોરેન પર સ્થિત છે. મોરેન એટલે એવી જગ્યા જ્યાં ગ્લેશિયર હોય છે અને તેની ઉપર લાખો ટન માટી અને પહાડ આવેલા હોય છે. લાખો વર્ષની પ્રક્રિયા પછી ગ્લેશિયરનો બરફ પીગળી જાય છે અને તે પાછળની તરફ ધકેલાઈ જાય છે. પરંતુ માટી પહાડ બની જાય છે. જેને મોરેન કહેવાય અને જોશીમઠ તેની ઉપર આવેલું છે. હવે અહીં ગ્લેશિયર પીગળી રહ્યું છે. 

    જોશીમઠના લગભગ 600થી વધુ ઘરોમાં તિરાડો પડી ચૂકી છે અને અનેક ઘરો તો હવે રહેવાલાયક પણ રહ્યાં નથી, જેના કારણે લોકોને અન્યત્ર ખસેડવામાં આવી રહ્યા છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં