Monday, July 15, 2024
More
  હોમપેજસ્પેશ્યલબદ્રીનાથના પ્રવેશદ્વાર ઉપર ડૂબવાનું તોળાતું સંકટ: કેમ જોશીમઠનાં ઘરોમાં પડી રહી છે...

  બદ્રીનાથના પ્રવેશદ્વાર ઉપર ડૂબવાનું તોળાતું સંકટ: કેમ જોશીમઠનાં ઘરોમાં પડી રહી છે તિરાડો? કેમ ધસી રહી છે જમીન?- જાણીએ સરળ શબ્દોમાં

  આમ તો જોશીમઠની તળેટી ઉપર વર્ષોથી ભૂસ્ખલન થઇ રહ્યું છે પરંતુ ચિંતાની વાત એ એ છે કે હવે આ ઘટનાઓ રહેણાંક વિસ્તારોમાં જોવા મળી રહી છે.

  - Advertisement -

  ઉત્તરાખંડનું એક નગર આખા દેશમાં ચર્ચાનો વિષય બન્યું છે. 6000 ફીટની ઊંચાઈએ વસેલા આ નાનકડા નગર જોશીમઠમાં વસતા 20 હજાર લોકો ઉપર હાલ જોખમ તોળાઈ રહ્યું છે અને જેના કારણે કેન્દ્ર અને રાજ્યની સરકારો પણ સતર્ક થઇ ગઈ છે. બીજી તરફ આખા દેશ અને દુનિયાની પણ નજર હાલ જોશીમઠ ઉપર છે. 

  જોશીમઠ ઉત્તરાખંડના હિમાલય ક્ષેત્રના જિલ્લા ચમૌલીનું એક નગર છે. 20 હજારની વસ્તી ધરાવતું આ નગર પહાડી ક્ષેત્રમાં આવેલું છે. તેનું ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ પણ છે અને પ્રવાસનનું પણ બહુ જાણીતું સ્થળ છે. જોશીમઠ કર્ણપ્રયાગ-બદ્રીનાથ માર્ગ પર બદ્રીનાથથી 30 કિલોમીટર પહેલાં અને કર્ણપ્રયાગથી 72 કિલોમીટર દૂર આવે છે. ઉપરાંત, તેની બાજુમાંથી જ એક નેશનલ હાઈ-વે પણ પસાર થાય છે જે બદ્રીનાથ અને દિલ્હીને જોડે છે, જેના કારણે પ્રવાસીઓ અહીં આવતા રહે છે. 

  નગરનું ધાર્મિક મહત્વ એવું છે કે જોશીમઠ આદિ શંકરાચાર્યની તપોભૂમિ તરીકે ઓળખાય છે. માન્યતા અનુસાર, અહીં જ આદિ શંકરાચાર્યને જ્ઞાન પ્રાપ્ત થયું હતું અને તેમણે સૌથી પહેલો મઠ પણ અહીં જ સ્થાપ્યો હતો. પહેલાં તેનું નામ જ્યોતિર્મઠ હતું અને પછી અપભ્રંશ થઈને જોશીમઠ થઇ ગયું હતું. અહીં પ્રસિદ્ધ મંદિરો પણ આવેલાં છે. 

  - Advertisement -

  આ ઉપરાંત, નગર પ્રાકૃતિક સુંદરતા માટે પણ બહુ જાણીતું છે, જેના કારણે દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ અહીં આવતા રહે છે. આ નગર હાલ ચર્ચામાં છે અને એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે શું હવે નગર આખું સમાપ્ત થઇ જશે? 

  શું છે સમસ્યા? 

  થોડા દિવસો પહેલાં જોશીમઠમાં કેટલીક જગ્યાએ જમીન ધસી પડવાનો સિલસિલો શરૂ થયો અને હવે આ સમસ્યા વધુ ગંભીર બનતી જાય છે. અત્યાર સુધીમાં લગભગ 600 જેટલાં ઘરોમાં તિરાડો પડી ગઈ છે અને અનેક ઘરો તો રહેવા લાયક પણ રહ્યાં નથી, જેના કારણે લોકો અન્યત્ર સ્થળાંતર કરી રહ્યા છે. 

  સોશિયલ મીડિયા ઉપર અનેક તસ્વીરો પણ સામે આવી છે જેમાં ઘરોમાં મોટી-મોટી તિરાડો જોવા મળે છે તો જમીન અને રસ્તા ઉપર પણ તિરાડો દેખાઈ રહી છે. અનેક જગ્યાએ ભૂસ્ખલન થઇ રહ્યું છે. અત્યાર સુધીમાં 70 જેટલા પરિવારોને બીજી જગ્યાએ ખસેડવામાં આવી ચૂક્યા છે. જ્યારે પરિસ્થિતિને જોતાં ઓછામાં ઓછા 90 પરિવારોને જલ્દીથી ખસેડવામાં આવશે. 

  પરિસ્થિતિને લઈને કેન્દ્ર સરકાર પણ સતર્ક થઇ છે અને પીએમ મોદીએ પણ એક બેઠક યોજી હતી તેમજ ઉત્તરાખંડના સીએમ પુષ્કરસિંહ ધામી સાથે ટેલિફોનિક વાતચીત કરીને માહિતી મેળવી હતી. બીજી તરફ, કેન્દ્ર સરકારના જળશક્તિ મંત્રાલયની એક ટીમ સહિત કુલ 2 ટીમો જોશીમઠ પહોંચી રહી છે. નગર અને આસપાસના વિસ્તારોમાં નિર્માણકાર્ય પર તાત્કાલિક પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. 

  વર્ષો પહેલાં ચેતવણી અપાઈ હતી

  કહેવાય છે કે વર્ષો પહેલાં 70ના દાયકામાં એક કમિશને પોતાના રિપોર્ટમાં ચેતવણી આપી હતી અને કહેવામાં આવ્યું હતું કે આ વિસ્તાર અતિસંવેદનશીલ છે અને તેના મૂળ સાથે કોઈ પણ ચેડાં કરવા એ મોટું જોખમ સાબિત થશે. કમિશને આ બાબતો જણાવીને ત્યાં ચાલતા નિર્માણકાર્યને સીમિત પ્રમાણમાં જ થવા દેવામાં આવે. પરંતુ ત્યારે આ બાબતો અવગણી દેવામાં આવી હતી અને ત્યારપછી પણ નિર્માણકાર્ય ચાલુ જ રહ્યું. 

  વરિષ્ઠ ભૂગર્ભ વૈજ્ઞાનિક એસપી સતી અનુસાર, જોશીમઠ મોરેન પર સ્થિત છે. મોરેન એટલે એવી જગ્યા જ્યાં ગ્લેશિયર હોય છે અને તેની ઉપર લાખો ટન માટી અને પહાડ આવેલા હોય છે. લાખો વર્ષની પ્રક્રિયા પછી ગ્લેશિયરનો બરફ પીગળી જાય છે અને તે પાછળની તરફ ધકેલાઈ જાય છે. પરંતુ માટી પહાડ બની જાય છે. જેને મોરેન કહેવાય અને જોશીમઠ તેની ઉપર આવેલું છે. હવે અહીં ગ્લેશિયર પીગળી રહ્યું છે અને તેમાં વધારો થયો છે વિકાસકાર્યોની વિવિધ પરિયોજનાઓથી. 

  રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે જોશીમઠમાં બ્લાસ્ટ, ખનન જેવી પ્રવૃત્તિઓ કરવામાં ન આવે અને મોટાં નિર્માણો પણ ટાળવામાં આવે. ઉપરાંત, અલકનંદા નદીના કિનારે સુરક્ષા વૉલ બનાવવા માટે પણ કહેવામાં આવ્યું હતું. પરંતુ આ બાબતોને ખાસ ધ્યાન પર લેવામાં ન આવી. 

  આમ તો જોશીમઠની તળેટી ઉપર વર્ષોથી ભૂસ્ખલન થઇ રહ્યું છે પરંતુ ચિંતાની વાત એ એ છે કે હવે આ ઘટનાઓ રહેણાંક વિસ્તારોમાં જોવા મળી રહી છે. નગરના અનેક વોર્ડમાં કુલ 600થી વધારે ઘરોમાં તિરાડો પડી ગઈ છે. અસરગ્રસ્ત પરિવારોને ખસેડવામાં આવી રહ્યા છે. 

  હમણાં બદ્રીનાથના પ્રવેશદ્વાર ઉપર ડૂબવાનું સંકટ તોળાઈ રહ્યું છે. બીજી તરફ, વૈજ્ઞાનિકોની ટીમો સતત આ પાછળનાં કારણો અને ઉપાયો શોધવામાં લાગેલી છે. 

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં