પૂર્વ નાયબ વડાપ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના સ્થાપક લાલકૃષ્ણ અડવાણીને ‘ભારત રત્ન’થી સન્માનિત કરવામાં આવશે, જે સર્વોચ્ચ નાગરિક સન્માન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે (3 ફેબ્રુઆરી, 2024) આ જાહેરાત કરી હતી. ત્યારબાદ હવે LK અડવાણીએ પ્રતિક્રિયા આપી છે અને સન્માનનો સ્વીકાર કરતાં દેશ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી છે.
અડવાણીએ એક લેખિત નિવેદનમાં કહ્યું કે, “પૂરેપૂરી વિનમ્રતા અને કૃતજ્ઞતા સાથે હું ‘ભારત રત્ન’ સ્વીકારું છું. આ માત્ર એક વ્યક્તિ તરીકે મારું જ સન્માન નથી પરંતુ એ આદર્શો અને સિદ્ધાંતોનું પણ સન્માન છે, જેને અપનાવીને ચાલવાના મેં જીવનપર્યંત પૂરેપૂરા પ્રયાસો કર્યા છે.”
આગળ તેઓ કહે છે, “14 વર્ષની ઉંમરે જ્યારે હું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક તરીકે જોડાયો હતો ત્યારથી લઈને આજ સુધી મેં એક જ બાબત માંગી છે- જે કંઈ પણ કાર્ય મને સોંપવામાં આવે તેને પૂરેપૂરા સમર્પણ અને નિઃસ્વાર્થ ભાવે પૂર્ણ કરીને મારા દેશની સેવા કરવી. જે મારો જીવનમંત્ર રહ્યો છે અને જેણે મને અત્યંત પ્રેરણા આપી, એ છે- ‘ઇદં ન મમ’. મારું કશું જ નથી, મારું જીવન મારા રાષ્ટ્ર માટે છે.”
LK Advani's statement on Bharat Ratna @DeccanHerald pic.twitter.com/xJJSV1tn7D
— Shemin (@shemin_joy) February 3, 2024
Lk અડવાણી કહે છે, “આજે હું એ બે વ્યક્તિઓને આદરપૂર્વક યાદ કરું છું, જેમની સાથે મેં નિકટતાથી કામ કર્યું છે- પંડિત દીનદયાળ ઉપાધ્યાય અને ભારત રત્ન શ્રી અટલ બિહારી બાજપેયી.” સાર્વજનિક જીવનમાં જેમની સાથે કામ કરવાની મને તક મળી એવા લાખો પાર્ટી કાર્યકર્તાઓ અને સ્વયંસેવકો પ્રત્યે પણ આજે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. આ સાથે હું મારા પરિજનો અને ખાસ કરીને સ્વર્ગસ્થ પત્ની કમલાને પણ યાદ કરું છું. તેઓ મારા જીવનમાં શક્તિનો સૌથી મોટો સ્ત્રોત રહ્યા છે.
તેમણે સન્માન બદલ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ આભાર વ્યક્ત કર્યો અને અંતે પ્રાર્થના કરી કે દેશ વધુને વધુ પ્રગતિ કરે અને સમૃદ્ધ બને.
નોંધવું જોઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલકૃષ્ણ અડવાણીને ‘ભારત રત્ન’થી સન્માનિત કરવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, આ ક્ષણો તેમના માટે પણ ભાવુક છે. સાથે એવું પણ ઉમેર્યું કે, અડવાણી સાથે વાર્તાલાપ કરવાનો અને તેમની પાસેથી કશુંકને કશુંક શીખતા રહેવાના તેમને અનેક અવસર મળ્યા તેને પોતાનું સદભાગ્ય સમજે છે.