કવિ કુમાર વિશ્વાસ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પરના એક વિવાદિત નિવેદનના કારણે ચર્ચામાં છે. સંઘ સમર્પિત કાર્યકર્તાઓ દ્વારા તેમનો વિરોધ પણ થઇ રહ્યો છે. વિવાદ વધુ વકર્યા બાદ તેમણે માફી તો માંગી લીધી છે, પરંતુ તેમ છતાં પણ તેમણે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. આ જ ક્રમમાં તેમના સંઘ પરના નિવેદનના કારણે વડોદરામાં આયોજિત તેમનો કાર્યક્રમ ‘અપને અપને શ્યામ’ રદ થયો છે.
વાત જાણે એમ છે કે ગત ગુરુવારે (23 ફેબ્રુઆરી) ઉજ્જૈનમાં કવિ કુમાર વિશ્વાસનો એક કાર્યક્રમ હતો. જેમાં તેમણે RSS પર નિવેદન આપ્યું હતું. તેમણે કથા પ્રસંગ કહેતા તેમની સાથે કામ કરતા એક બાળક વિશે ટિપ્પણી કરી હતી, જે આરએસએસ માટે કામ કરતો હતો. તેણે વિશ્વાસને બજેટ વિશે પૂછ્યું હતું જેના જવાબમાં તેમણે કહ્યું કે, સમસ્યા તારી એ છે કે વામપંથી કુપઢ છે અને તું અભણ છો. આ દેશમાં બે લોકોનો ઝઘડો ચાલે છે. એક વામપંથી છે, તેમણે વાંચ્યું બધું છે પણ ખોટું વાંચ્યું છે. અને એક આ લોકો છે, જેમણે વાંચ્યું જ નથી.
આ નિવેદનને લઈને સંઘની વિચારધારામાં માનનારાઓએ સખત વિરોધ નોંધાવ્યો હતો. જોકે, કવિ કુમાર વિશ્વાસને ભૂલ સમજાતા તેમણે માફી પણ માંગી લીધી હતી. પરંતુ આ માફીથી પણ ઘણા લોકોના તેમના નિવેદનથી પડેલા ઘા ભરાયા નથી. તેવું જ એક નામ છે- વડોદરાના ‘જીગર ઈનામદાર’
આવનારી ૩ અને 4 માર્ચ-2023ના રોજ બરોડાના ઐતિહાસિક નવલખી મેદાનમાં કવિ કુમાર વિશ્વાસનો ભવ્ય કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો હતો. આ કાર્યક્રમને લઈને મોટા પ્રમાણમાં તૈયારીઓ પણ કરવામાં આવી હતી અને કવિ કુમાર વિશ્વાસનું પણ ભવ્ય સ્વાગત થવાનું હતું. પરંતુ કાર્યક્રમના મુખ્ય આયોજક જીગર ઈનામદારે કુમાર વિશ્વાસના નિવેદન બાદ કાર્યક્રમ રદ કરી દીધો છે.
સોશિયલ મીડિયામાં તેમની સહી સાથેનો એક લેટર વાયરલ થઇ રહ્યો છે, જેમાં તેમણે કુમાર વિશ્વાસના નિવેદન બાબતે દુઃખની લાગણી વ્યક્ત કરતા પોતે સંઘના જ સ્વયંસેવક છે ઉપરાંત તેમના જીવનમાં સંઘનું કેટલું મહત્વ રહ્યું છે તે વ્યક્ત કર્યું હતું. સાથે જ તેમણે કુમાર વિશ્વાસનું નિવેદન સાંખી લેવાય તેવું ન હોવાથી આવનારો તેમનો કાર્યક્રમ રદ કરવાની વાત પણ કરી હતી.
આ લેટર સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થતો હોવાથી તેની પુષ્ટિ માટે ઑપઇન્ડિયાએ જીગર ઈનામદારનો સંપર્ક કર્યો હતો. વાતચીતમાં તેમણે લેટરની તેમજ કાર્યક્રમ રદ થયાની વાતની પુષ્ટિ કરી હતી.
જીગર ઇનામદારને અમે પ્રશ્ન કર્યો કે, કુમાર વિશ્વાસે માફી માંગી લીધી છે, છતાં તેઓ આટલું મોટું પગલું કેમ ભરી રહ્યા છે? તેના જવાબમાં તેમણે કહ્યું હતું કે, સંગઠન પર ટિપ્પણી અલગ બાબત છે અને વ્યક્તિગત ટિપ્પણી સાવ અલગ બાબત છે. જો કોઈ વ્યક્તિગત ટિપ્પણી કરે તો ચલાવી પણ લઈએ, પરંતુ સંગઠન પર ટિપ્પણી કોઈ પણ સંજોગોમાં સાંખી લેવાય તેમ નથી.
વધુમાં તેમણે કહ્યું હતું કે સંઘ દેશને સમર્પિત સંગઠન છે. વાણીસ્વતંત્રતાના નામે કોઈ પણ વ્યક્તિ મન ફાવે તેમ સંગઠન બાબતે બોલી જાય તે ચલાવી લેવાય નહીં. સમય આવ્યે ચોક્કસ સ્ટેન્ડ લેવું જરૂરી હતું, માટે જ અમે આ કાર્યક્રમ રદ કર્યો છે.