સ્વઘોષિત બોલીવુડ ક્રીટીક કમાલ રાશિદ ખાન (KRK) પોતાના બફાટના કારણે સતત ચર્ચાઓમાં રહે છે. વિવાદાસ્પદ ટ્વીટ બાદ થયેલી ધરપકડ પછી જેલમાંથી છૂટતાંની સાથે જ કેઆરકેએ રવિવારે (11 સપ્ટેમ્બર) તેમના પોતાના જ “બદલો લઈશ” વાળા ટ્વીટનું પોતે જ ખંડન કર્યું હતું. પોતાના ટ્વીટ વિશે અન્ય એક ટ્વિટમાં KRKએ કહ્યું કે, “હું કોઈની સાથે બદલો લેવા માંગતો નથી. મીડિયા માત્ર વાર્તાઓ ઘડી રહ્યું છે.”
વાસ્તવમાં KRKએ રવિવારે સવારે 8:11 વાગ્યે એક ટ્વિટ કર્યું હતું. આ ટ્વિટમાં તેમણે ગુસ્સાવાળા ઈમોજી સાથે લખ્યું હતું કે, “હું મારો બદલો લેવા પાછો આવી ગયો છું.” જોકે, આ ટ્વીટ થોડા સમય બાદ ડિલીટ કરી દેવામાં આવ્યું હતું.
આ પછી, રવિવારે જ સાંજે 6:43 વાગ્યે અન્ય એક ટ્વિટમાં KRKએ તેના જૂના ટ્વિટને મીડિયા દ્વારા ઘડવામાં આવેલી સ્ટોરી ગણાવી હતી.
તેમણે આ ટ્વીટમાં લખ્યું છે કે, “મીડિયા નવી સ્ટોરી બનાવી રહ્યું છે. હું મારા ઘરે પાછો આવી ચુક્યો છું, અને સલામત છું. મારે કોઈની સાથે બદલો લેવાની જરૂર નથી. મારી સાથે જે કંઈ પણ ખરાબ થયું તે હું ભૂલી ગયો છું. હું માનું છું કે તે મારા નસીબમાં લખાયેલું હતું.”
Media is creating new stories. I am back and safe at my home. I don’t need any revenge from anyone. I have forgotten whatever bad thing happened with me. I believe, it was written in my destiny.
— KRK (@kamaalrkhan) September 11, 2022
ઉલ્લેખનીય છે કે કેઆરકેને એક વિવાદાસ્પદ ટ્વીટ કરવા બદલ મુંબઈ પોલીસે 30 ઓગસ્ટના રોજ ધરપકડ કરી હતી. જે બાદ તેને 9 દિવસ જેલમાં પસાર કરવા પડ્યા હતા. હાલ તે જામીન પર બહાર છે.
નોંધપાત્ર વાત એ છે કે કેઆરકે જેલમાંથી છૂટ્યો તે પહેલા તેના પુત્ર ફૈઝલ કમલે કેઆરકેના ટ્વિટર એકાઉન્ટ પરથી બે ટ્વિટ કરી હતી. આ ટ્વીટમાં ફૈઝલે લખ્યું હતું કે, “હું KRKનો દીકરો ફૈઝલ કમલ છું. મુંબઈમાં મારા પિતાને મારવા માટે કેટલાક લોકો હેરાન કરી રહ્યા છે. હું અત્યારે 23 વર્ષનો છું અને લંડનમાં રહું છું. મને ખબર નથી કે મારા પિતાને કેવી રીતે મદદ કરવી. હું અભિષેક બચ્ચન, રિતેશ દેશમુખ અને દેવેન્દ્ર ફડણવીસ જીને મારા પિતાનો જીવ બચાવવા વિનંતી કરું છું. હું અને મારી બહેન તેમના વિના મરી જઈશું.”
Because he is our life. I request public also to support my father to save his life. We don’t want him to die like #SushantSinghRajput #WeStandWithKRK
— KRK (@kamaalrkhan) September 8, 2022
કેઆરકેના ટ્વિટર એકાઉન્ટ પરથી આગામી ટ્વીટમાં ફૈઝલ કમલે કહ્યું હતું કે, “તે અમારું જીવન છે. હું જનતાને પણ વિનંતી કરું છું કે મારા પિતાનો જીવ બચાવવા માટે તેમને ટેકો આપો. અમે નથી ઈચ્છતા કે તે સુશાંત સિંહ રાજપૂતની જેમ મૃત્યુ પામે.”
KRKની ધરપકડ પર ઉઠ્યા સવાલ
કેઆરકે ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો બહું મોટો ટીકાકાર છે. સૌથી મોટી વાત એ છે કે તેની ફની સ્ટાઈલને કારણે તેના મૂવી રિવ્યુને સોશિયલ મીડિયા પર લાખો વ્યૂઝ મળે છે. આ જ કારણ છે કે તેની ધરપકડ બાદ સોશિયલ મીડિયામાં ચાહકોમાં અનેક સવાલો ઉભા થયા હતા. આ દરમિયાન, સોશિયલ મીડિયા પર એવો પણ દાવો કરવામાં આવી રહ્યો હતો કે KRKની ધરપકડ પાછળ કરણ જોહરનો હાથ હોય શકે છે, કારણ કે તે ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’નો નેગેટિવ રિવ્યૂ થવા દેવા નથી માંગતો.