અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાના અવસરે મહેસાણાના ખેરાલુમાં આયોજિત શોભાયાત્રા પર મુસ્લિમ ટોળાએ પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં પોલીસે કુલ 32 આરોપીઓ સામે નામજોગ FIR દાખલ કરીને 15ની ધરપકડ કરી લીધી હતી. જેમાંથી 2 સગીર છે. જ્યારે બાકીના 13ને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં કોર્ટે તેમના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. બીજી તરફ, આ મામલે ખેરાલુ પોલીસ મથકના PI એસ. જી શ્રીપાલની બદલી કરી નાખવામાં આવી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સિદ્ધાર્થ શ્રીપાલની બદલી સાંથલના CPI તરીકે થઈ છે. જ્યારે તેમના સ્થાને સાંથલ CPI કે. જે પટેલને ખેરાલુ ટાઉન પોલીસ મથકે PI તરીકે મૂકવામાં આવ્યા છે. પથ્થરમારાની ઘટનાના 3 દિવસ બાદ જ આ વિભાગીય કાર્યવાહી થઈ હતી. રવિવારે (21 જાન્યુઆરી) ખેરાલુના હાટડીયા વિસ્તારમાં શોભાયાત્રા પર પથ્થર ફેંકવામાં આવ્યા હતા.
બીજી તરફ, આ ઘટનામાં પકડાયેલા 13 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં કોર્ટે તમામ આરોપીઓના 26 જાન્યુઆરી સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ ઉપરાંત આ ઘટનામાં વપરાયેલા હથિયાર ક્યાંથી આવ્યા હતા અને શા માટે આ હુમલો કરવામાં આવ્યો તેની પણ પોલીસ સઘન તપાસ કરી રહી છે. રિમાન્ડ દરમિયાન આરોપીઓની પૂછપરછમાં હજુ વધુ ખુલાસા થઇ શકે છે. આ હુમલો પૂર્વનિયોજીત હોવાનું પણ FIRમાં જણાવવામાં આવ્યું હતું, જેથી તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે.
શોભાયાત્રામાં પર થયેલા હુમલામાં પોલીસે 150 લોકોના ટોળા સાથે 32 વ્યક્તિઓ વિરૂદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરી છે. પોલીસે આ મામલે મુસ્લિમ સમુદાયના 32 વ્યક્તિઓ વિરુદ્ધ IPCની કલમ 143, 147, 148, 149, 307, 332, 323, 337, 506(2), 120B, 427 અને ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હુમલામાં પકડાયેલા 15 આરોપીઓ પૈકી 2 આરોપી સગીર હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે મહેસાણાના ખેરાલુમાં રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા અગાઉ આયોજિત ભગવાન રામની શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટના નગરના હાટડીયા વિસ્તારમાં બની હતી. શોભાયાત્રા એક મસ્જિદ પાસે પહોંચી ત્યારે તેની ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ઘટના બાદ ખેરાલુને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું અને સ્થાનિક પોલીસે કાર્યવાહી કરતા 15 વ્યક્તિઓને રાઉન્ડ અપ કર્યા હતા. આ 15 વ્યક્તિઓમાં મહિલાઓ પણ સામેલ છે.
પોલીસ ફરિયાદ મુજબ આરોપીઓએ એકસંપ થઈને પૂર્વઆયોજિત કાવતરું રચીને ખેરાલુમાં નીકળનારી ભગવાન શ્રીરામની શોભાયાત્રા પર પથ્થરમારો કર્યો હતો, અને આ માટે બેલીમ વાસનાં મકાનોના ધાબા પર પથ્થરો એકઠા કરી રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત, હાથમાં તલવાર-ધારિયાં વગેરે હથિયારો લઇ આવીને શોભાયાત્રામાં જોડાયેલા માણસો પર હુમલો કર્યો હતો.