Monday, April 29, 2024
More
    હોમપેજદુનિયાનકલી પાસપોર્ટથી કેનેડામાં ઘૂસીને બની ગયો ખાલિસ્તાની આકા: જાણો આતંકી હરદીપસિંઘ નિજ્જર...

    નકલી પાસપોર્ટથી કેનેડામાં ઘૂસીને બની ગયો ખાલિસ્તાની આકા: જાણો આતંકી હરદીપસિંઘ નિજ્જર વિશે, જેના નામે રુદન કરીને ફસાઈ ગયા જસ્ટિન ટ્રુડો

    નિજ્જર કેનેડામાં સતત ભારત વિરોધી ગતિવિધિઓને વેગ આપી રહ્યો હતો અને કથિત શીખ રેફરેંડમ કરાવવામાં પણ તેની મોટી ભૂમિકા હતી. નિજ્જરના ભારત પ્રત્યાર્પણ માટેના પ્રયાસો લાંબા સમયથી ચાલુ હતા.

    - Advertisement -

    હાલ જેની હત્યાની વાતે જોર પકડ્યું છે એ હરદીપસિંઘ નિજ્જર (Hardeep Singh Nijjar) એક ખાલિસ્તાની આતંકી હતો. 18 જૂન 2023ના રોજ તેને કેનેડામાં એક શીખ સામુદાયિક કેન્દ્ર નજીક ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. નેવુંના દાયકામાં તે નકલી પાસપોર્ટના આધારે કેનેડામાં દાખલ થયો હતો. આજે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો તેના નામ પર જ હંગામો મચાવી રહ્યા છે. તેની હત્યા માટે ભારતને જવાબદાર ઠેરવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

    નિજ્જર પ્રતિબંધિત ખાલિસ્તાન ટાઈગર ફોર્સનો સ્થાપક હતો. તે અન્ય એક ખાલિસ્તાની સંગઠન શીખ ફોર જસ્ટિસનો પણ સભ્ય હતો. આ સંગઠનનું નેતૃત્વ ખાલિસ્તાની આતંકી ગુરપતવંત સિંહ પન્નુ કરે છે. નિજ્જર લુધિયાણાના ભરતસિંહપુરા ગામનો રહેવાસી હતો. મૃત્યુ સમયે તેની ઉંમર 46 વર્ષ હતી. ખાલિસ્તાની આતંકવાદી સંગઠન બબ્બર ખાલસા સાથે પણ તેના સંબંધો હતા.

    નિજ્જર વર્ષ 1996માં ભારતથી કેનેડા એક નકલી પાસપોર્ટના આધારે ગયો હતો. આ પાસપોર્ટ હિંદુ નામ ‘રવિ શર્મા’ તરીકે બનાવવામાં આવ્યો હતો. કેનેડા પહોંચ્યા પછી તેણે રાજકીય આશ્રય માટે અરજી કરી. પરંતુ તેનો અસ્વીકાર થયો હતો. રાજકીય આશ્રય મેળવવામાં નિષ્ફળ ગયા બાદ તેણે કેનેડીયન મહિલા સાથે લગ્ન કર્યા હતા. પછી નાગરિકતા મેળવવાનો પ્રયાસ કર્યો. આ મહિલાએ જ નિજ્જરને કેનેડા લાવવામાં મદદ કરી હતી. પરંતુ તેનો આ પેતરો પણ નિષ્ફળ ગયો અને નાગરિકતા ન મળી.

    - Advertisement -
    ખાલિસ્તાની આતંકી હરદીપસિંઘ નિજ્જર (ફોટો: હિંદુસ્તાન)

    નોંધનીય છે કે જસ્ટિન ટ્રુડોએ પોતાના ભાષણમાં તેને કેનેડીયન નાગરિક કહ્યો છે જે એ દર્શાવે છે કે તેને પછીથી નાગરિકતા મળી હશે. તેણે કેનેડાના કોલંબિયા રાજ્યમાં પ્લમ્બિંગનું કામ પણ શરૂ કર્યું હતું. પરંતુ તેની સંપતિ સૂચવે છે કે તે અન્ય ધંધાઓ સાથે પણ સંકળાયેલો હતો.

    અનેક જગ્યાએ વોન્ટેડ, અનેક આતંકી ઘટનાઓમાં નામ

    નિજ્જર કેનેડામાં સતત ભારત વિરોધી ગતિવિધિઓને વેગ આપી રહ્યો હતો અને કથિત શીખ રેફરેંડમ કરાવવામાં પણ તેની મોટી ભૂમિકા હતી. નિજ્જરના ભારત પ્રત્યાર્પણ માટેના પ્રયાસો લાંબા સમયથી ચાલુ હતા. 2018માં જસ્ટિન ટ્રુડોની ભારત મુલાકાત દરમિયાન પંજાબના તત્કાલીન મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહે તેમને એવા ગુનેગારોની યાદી આપી હતી જે પંજાબ પોલીસ દ્વારા વોંટેડ હતા. તેમાં નિજ્જરનું નામ પણ હતું.

    નિજ્જર પર 2007માં લુધિયાણામાં બોમ્બ ધડાકા કરાવવાનો પણ આરોપ હતો. આ બોમ્બ વિસ્ફોટમાં 6 લોકોના મોત થયા હતા, જ્યારે લગભગ 50 લોકો ઘાયલ થયા હતા. પંજાબમાં થયેલો આ એક મોટો હુમલો હતો. ઇન્ડિયા ટુડેના અહેવાલ અનુસાર, પટિયાલામાં થયેલા એક બોમ્બ ધડાકામાં તેનું નામ કાવતરાખોર તરીકે આવ્યું હતું. બોમ્બ વિસ્ફોટો ઉપરાંત તેના પર ડેરા સચ્ચા સૌદા, નિરંકારી શીખ સંતો અને પંજાબના હિંદુ નેતાઓની હત્યા કરાવવાનો અને કાવતરું ઘડવાનો પણ આરોપ છે.

    આ જ ઉપક્રમમાં શીખ યુવક મંદીપ ધાલીવાલની ધરપકડ કરવામાં આવી હતી. તેને પંજાબમાં હિંદુ નેતાઓની હત્યાની જવાબદારી સોંપવામાં આવી હતી. ધાલીવાલને નિજ્જરે પોતે તાલીમ આપી હતી. નિજ્જરે પંજાબના દલિત ગુરુ બાબા સિંહ ભૈનારાની હત્યાનું કાવતરું પણ ઘડ્યું હતું. વર્ષ 2020માં તેણે જેલમાં બંધ રામ રહીમના ડેરા સચ્ચા સૌદાના અનુયાયી મનોહરલાલની હત્યા પણ કરાવી હતી.

    મનોહરલાલ ડેરા સચ્ચા સૌદાના અગ્રણી વ્યક્તિઓમાંના એક હતા. તે ડેરાની પચ્ચીસ સભ્યોની સમિતિના સભ્ય પણ હતા. અંગ્રેજી સમાચારપત્ર ધ ટ્રિબ્યુન અનુસાર, મનોહરલાલ બેઅદબીના એક આરોપીના પિતા હતા. ઇંડિયન એક્સપ્રેસના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2016 થી 2022 વચ્ચે ડેરાના 7 અનુયાયીઓની હત્યા કરવામાં આવી હતી અને આ બધી ઘટનાઓમાં ક્યાંકને ક્યાંક આ કટ્ટરપંથીઓની ભૂમિકા હતી.

    નિજ્જરને ભારત પરત લાવવા માટે 2016માં રેડ કોર્નર નોટિસ પણ જાહેર કરવામાં આવી હતી અને નિજ્જરને ભારતને સોંપવા માટે કેનેડાની સરકારને સતત અપીલ કરવામાં આવી હતી. પરંતુ કેનેડાના શીખ નેતા જગમીતસિંહના દબાણ અને ટ્રુડોની તુષ્ટિકરણની રાજનીતિએ આવું થવા દીધું નહીં. વર્ષ 2022માં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ પણ નિજ્જર પર 10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું.

    નિજ્જરની હત્યાને લઈને કેનેડીયન પોલીસના હાથમાં હજુ સુધી કોઇ ઠોસ પુરાવા આવ્યા નથી અને હતાશામાં ટ્રુડો તમામ આરોપ ભારત પર ઢોળી રહ્યા છે. ભારતે આનો સખત વિરોધ કર્યો છે. ભારતે કેનેડાના રાજદ્વારીને પણ ભારત છોડવાનો આદેશ આપ્યો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં