Saturday, April 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકેન્યા: સ્વર્ગમાં ઈસુને મળવાની લાલચે ઉપવાસ કરીને મૃત્યુ પામેલા લોકોનો આંકડો 200...

    કેન્યા: સ્વર્ગમાં ઈસુને મળવાની લાલચે ઉપવાસ કરીને મૃત્યુ પામેલા લોકોનો આંકડો 200 પર પહોંચ્યો, બાળકોને પહેલાં ટાર્ગેટ કરાતાં હોવાનો ખુલાસો 

    પાસ્ટરે જણાવ્યું હતું કે, બાળકોને પાંચ-પાંચ દિવસ સુધી ભોજન-પાણી વગર એક ઝૂંપડીમાં બંધ રાખવામાં આવતાં હતાં અને ત્યારબાદ તેમને ધાબળામાં વીંટીને દફનાવી દેવામાં આવતાં.

    - Advertisement -

    કેન્યામાં એક પાદરીએ તેના અનુયાયીઓને સ્વર્ગમાં ઈસુને મળવાની લાલચ આપીને ભૂખ્યા રહેવા માટે કહ્યું હતું. તેની વાતમાં આવીને લોકોએ ભોજન-પાણી છોડી દેતાં અનેકનાં મોત થયાં હતાં. પહેલાં 4 લોકોનાં મોત થયાં હોવાનું સામે આવ્યા બાદ મામલાની વધુ તપાસ કરતાં આંકડો વધતો જ ગયો હતો, જે 200 પર આવીને પહોંચ્યો છે. 

    તપાસ કરતી ટીમોએ કેન્યાના માલિન્દી નજીકના શાકાહોલાના જંગલમાંથી અત્યાર સુધીમાં 200 જેટલી લાશ શોધી કાઢી છે. જેમાંથી મોટાભાગના ભૂખ્યા રહેવાના કારણે મૃત્યુ પામ્યા હોવાની આશંકા છે. સ્થાનિક તંત્રે અમુક લાશોની ઓટોપ્સી કરી ત્યારે તેમના મૃત્યુનું કારણ ભૂખ, મારપીટ અને ગૂંગળામણ જાણવા મળ્યું હતું. 

    અન્ય એક મોટો ઘટસ્ફોટ એ થયો છે કે આ સમગ્ર પ્રક્રિયામાં બાળકોને પહેલાં ટાર્ગેટ કરવામાં આવતાં હતાં. આ ખુલાસો સ્વયં પાદરી નથેંગેના એક સમયના સાથી રહી ચૂકેલા પાસ્ટરે કર્યો છે. તેમણે કહ્યું કે, બાળકોને સૂર્યપ્રકાશમાં ઉપવાસ કરવા માટે કહેવામાં આવતું, જેથી તેઓ જલ્દી મૃત્યુ પામી શકે. ત્યારબાદ મહિલાઓ અને પુરુષોનો વારો આવતો. 

    - Advertisement -

    પાસ્ટરે જણાવ્યું હતું કે, બાળકોને પાંચ-પાંચ દિવસ સુધી ભોજન-પાણી વગર એક ઝૂંપડીમાં બંધ રાખવામાં આવતાં હતાં અને ત્યારબાદ તેમને ધાબળામાં વીંટીને દફનાવી દેવામાં આવતાં. તેમાંથી અમુક તો દફનાવતી વખતે જીવિત રહેતાં, તેમ છતાં દયા દાખવવામાં આવતી નહીં. પાસ્ટર વર્ષ 2015માં ગુડ ન્યૂઝ ચર્ચમાં જોડાયા હતા અને ડેપ્યુટી પાસ્ટર પણ રહ્યા હતા. જોકે, તેમણે જણાવ્યું હતું કે આ બધું થયું ત્યારે તેઓ અલગ થઇ ચૂક્યા હતા અને સ્યુસાઇડ પ્રોગ્રામ વખતે ત્યાં હાજર ન હતા. પરંતુ જે લોકો ત્યાં હતા તેમણે તેમને આ બાબતો જણાવી હતી. હાલ તેઓ પોલીસને તપાસમાં મદદ કરી રહ્યા છે. 

    ન્યૂયોર્ક ટાઈમ્સ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, પાદરી મેકેન્ઝી તેના અનુયાયીઓને કહેતો કે તે તેમને સ્વર્ગમાં ઈસુ સાથે મુલાકાત કરાવવા માટે જીવિત રહે છે પરંતુ એક વખત તેનું કામ પૂરું થઇ જાય પછી પોતે પણ આ જ રીતે ઉપવાસ કરીને જીવન ટૂંકાવી દેશે. 

    આ મામલો ગત એપ્રિલમાં સામે આવ્યો હતો, જ્યારે કેન્યામાં એક શહેરમાં એક જ ઘરમાંથી 15 લોકો મળી આવ્યા હતા, જેઓ કેટલાય દિવસોથી ભૂખ્યા હતા. તેમને પાદરીએ તેમને સ્વર્ગમાં ઈસુને મળવાની લાલચ આપી હતી અને કહ્યું હતું કે તેના માટે તેમણે ઉપવાસ કરવા પડશે. ત્યારબાદ તમામ એક જ ઘરમાં રહીને ઉપવાસ કરતા હતા. તમામને ત્યારબાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ચારનાં મોત થયાં હતાં. 

    ઘટના બાદ પાદરીની ધરપકડ કરી લેવામાં આવી હતી અને બીજી તરફ શંકાના આધારે જંગલમાં કબરોમાં શોધખોળ કરતાં વધુ લાશો મળી હતી. અત્યાર સુધીમાં 200 લાશ મળી ચૂકી છે, બીજી તરફ 600થી વધુ લોકો હજુ પણ લાપતા છે. જેમની શોધખોળ ચાલી રહી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં