દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) હાલ દિલ્હી લિકર પોલિસી કેસ (Liqour Policy Case) મામલે તિહાડ જેલમાં બંધ છે. તાજેતરમાં તેમણે કેસની તપાસ કરતી એજન્સી CBI દ્વારા કરવામાં આવેલી તેમની ધરપકડને રદ કરીને વચગાળાના જામીન આપવા માટે અરજી હતી. જેની ઉપર 23 ઑગસ્ટે સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) આગળની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન CBIએ કેજરીવાલના જામીનનો વિરોધ કરીને કોર્ટને જણાવ્યું હતું કે જો તેમને મુક્ત કરવામાં આવે તો બહાર આવીને પુરાવા સાથે ચેડાં કરી શકે છે અને તપાસને પણ અસર કરી શકે તેમ છે, જેથી જામીન મંજૂર કરવામાં ન આવે.
#UPDATE CBI files counter now in #ArvindKejriwal case
— Bar and Bench (@barandbench) August 23, 2024
1. Kejriwal is politically sensationalising the case
2. The actions of Manish Sisodia were in consultation with and at the behest of the Petitioner, the Chief Minister of Delhi
3. Kejriwal has been involved in the criminal… pic.twitter.com/G3aprxOnNZ
કેજરીવાલની અરજી પર ચાલતી સુનાવણી દરમિયાન CBIએ સુપ્રીમ કોર્ટમાં એક એફિડેવિટ દાખલ કર્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, “એક અગ્રણી રાજકારણી અને દિલ્હીના મુખ્યમંત્રી હોવાના કારણે અરવિંદ કેજરીવાલ વગ ધરાવતા વ્યક્તિ છે. બહાર આવીને તેઓ પૂછપરછ દરમિયાન તેમની સામે જે સાક્ષીઓને રજૂ કરવામાં આવ્યા હતા કે જે પુરાવાઓ એકત્ર કરવામાં આવ્યા છે, તેને પ્રભાવિત કરી શકે છે. ઉપરાંત, હજુ જે પુરાવા એકત્રિત કરવાના બાકી છે તેની સાથે પણ ચેડાં કરી શકે તેવી શક્યતાઓ નકારી શકાય નહીં અને તેમ થાય તો તપાસને અસર પહોંચી શકે છે.”
ઉપરાંત CBIએ સોગંદનામામાં કહ્યું હતું કે, “કેજરીવાલ પાસે એક્સાઈઝ કે બીજું કોઈ પણ ખાતું નથી. જોકે, તપાસમાં જાણવા મળ્યું છે કે નવી એક્સાઈઝ પોલિસીની રચનામાં તમામ મહત્વના નિર્ણયો તત્કાલીન નાયબ મુખ્યમંત્રી અને એક્સાઈઝ ખાતાના મંત્રી મનીષ સિસોદિયાએ લીધા હતા અને આ નિર્ણયપ્રક્રિયામાં અરવિંદ કેજરીવાલ સામેલ હતા.” CBIએ કેજરીવાલ પર સમગ્ર મામલાને રાજકીય સ્વરૂપ આપવાનો આરોપ લગાવતાં કહ્યું હતું કે, “અનેક કોર્ટે પ્રથમ દ્રષ્ટિએ ગુનો થયો હોવાનું માનીને વારંવાર આદેશો પસાર કર્યા હોવા છતાં અરજદાર હાઇકોર્ટ સમક્ષ કેસને રાજકીય સ્વરૂપ આપીને સનસનાટીભર્યો બનાવવાના પ્રયાસ કરી રહ્યા છે. આ પ્રકારની અનધિકૃત માંગોને ફગાવી દેવામાં આવવી જોઈએ”
નોંધનીય છે કે કેજરીવાલે 5 ઑગસ્ટના દિલ્હી હાઈકોર્ટના આદેશને પડકારતી સુપ્રીમ કોર્ટ સમક્ષ બે અરજીઓ દાખલ કરી હતી, જેમાં હાઈકોર્ટે CBI દ્વારા કરવામાં આવેલી તેમની ધરપકડને યથાવત રાખી હતી. કેજરીવાલે સુપ્રીમ કોર્ટ સમક્ષ વચગાળાના જામીનની પણ માંગ કરી હતી, પરંતુ કોર્ટે તે માંગ માન્ય રાખી ન હતી. કોર્ટે CBIને નોટિસ પાઠવીને 23 ઑગસ્ટ સુધીમાં જવાબ રજૂ કરવા માટે કહ્યું હતું, જેની ઉપર એજન્સીએ જવાબ રજૂ કર્યો હતો અને કેજરીવાલના જામીનનો વિરોધ કર્યો હતો.