Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગુજરાતમાં માહોલ બનાવવા નિરર્થક પ્રયાસ કરતા ‘આપ’ નેતાઓ: દિલ્હીના ધારાસભ્યે પાંચ વર્ષ...

    ગુજરાતમાં માહોલ બનાવવા નિરર્થક પ્રયાસ કરતા ‘આપ’ નેતાઓ: દિલ્હીના ધારાસભ્યે પાંચ વર્ષ જૂનો લેખ શૅર કર્યો, કેજરીવાલે આઈબી રિપોર્ટનું તૂત ઉભું કર્યું

    આમ આદમી પાર્ટીના ધારાસભ્યે ભાજપ હારી રહે છે તે પ્રકારનો દાવો કરવા માટે પાંચ વર્ષ જૂના લેખનો આધાર લીધો હતો તો કેજરીવાલે કથિત આઈબીના રિપોર્ટના આધારે સરકાર બનાવવાનો દાવો કર્યો હતો.

    - Advertisement -

    ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમ નજીક આવી રહી છે તેમ આમ આદમી પાર્ટી માહોલ બનાવવા માટે પૂરેપૂરા પ્રયત્નો કરી રહી છે. જે માટે પાર્ટીના નેતાઓ પાંચ વર્ષ જૂના લેખના આધારે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી ‘આપ’થી ડરી ગઈ હોવાના અને જેના કારણે સામ-દામ દંડ ભેદ અપનાવતી હોવાના દાવા કરી રહ્યા છે. બીજી તરફ, પાર્ટી કન્વીનર અરવિંદ કેજરીવાલે એક કથિત આઈબી રિપોર્ટ અંગે દાવો કર્યો હતો.

    દિલ્હીના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને દિલ્હી જળ બોર્ડના ચેરમેન નરેશ બાલ્યાને શનિવારે (1 ઓક્ટોબર 2022) એક ટ્વિટ કરીને કરીને લખ્યું હતું કે, “એટલે જ તેઓ સામ-દામ, દંડ-ભેદ અપનાવી રહ્યા છે. એક ઑટોચાલકને પણ ધમકાવી રહ્યા છે. ભાજપવાળાને હવે હારનો અહેસાસ સ્પષ્ટ રીતે થવા માંડ્યો છે.”

    આ ટ્વિટમાં તેમણે અખબાર દૈનિક ભાસ્કરનો એક લેખ પણ જોડ્યો હતો, જેનું શીર્ષક છે- ‘ગુજરાત વિધાનસભા ચૂંટણી હારી શકે છે ભાજપા, હાલત નાજુક.’

    - Advertisement -

    જોકે, અહીં અગત્યની વાત એ છે કે આ લેખ હમણાંનો નહીં પરંતુ પાંચ વર્ષ જૂનો છે. અને લેખમાં જે ગુજરાત વિધાનસભા ચૂંટણીની વાત કરવામાં આવી છે એ 2017ની ચૂંટણી વિશે થઇ છે. જેને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હાલની ચૂંટણી સાથે જોડી રહ્યા હતા. 

    જોકે, ટ્વિટર યુઝરોએ તરત તેમનું ધ્યાન દોર્યું હતું અને યાદ અપાવ્યું હતું કે જે લેખની તેઓ વાત કરી રહ્યા છે એ પાંચ વર્ષ જૂનો છે અને એટલું જ નહીં પરંતુ એ ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીએ બહુમતીથી જીત મેળવી હતી. 2017માં ભારતીય જનતા પાર્ટીએ 99 બેઠકો મેળવી હતી. જોકે, હાલ વિધાનસભામાં પાર્ટીના 111 ધારાસભ્યો છે. 

    બીજી તરફ, અરવિંદ કેજરીવાલે હવે નવું તૂત ઉભું કર્યું છે. તેમણે દાવો કર્યો કે, એક આઈબી રિપોર્ટ અનુસાર ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છે. જેના કારણે તેમને હરાવવા માટે બંને પાર્ટીઓ (ભાજપ-કોંગ્રેસ) એક થઇ ગઈ છે.

    જોકે, યુઝરોએ આ વાત પણ ગંભીરતાથી લીધી ન હતી અને ઉપરથી પ્રશ્નો કર્યા હતા. આઈબી જેવી એજન્સી એક રાજ્યના મુખ્યમંત્રીને શું કામ રિપોર્ટ કરે એવા પણ લોકોએ પ્રશ્નો ઉઠાવ્યા હતા.

    જોકે, આ પ્રકારની અધ્ધરતાલ વાત કરવી એ કેજરીવાલ માટે જાણે નિયમિત પ્રક્રિયા બની ગઈ છે. અગાઉ તેમણે એવો દાવો કર્યો હતો કે, ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલને તેમના પદ પરથી હટાવી રહી છે. જોકે, એ વાત કલ્પના હતી એ કલ્પના જ રહી ગઈ. ભાજપ સીઆર પાટીલના નેતૃત્વમાં જ ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યું છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં