Saturday, May 4, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅદાણી મુદ્દે અતિરેક કરીને રાહુલ ગાંધી બાજી બગાડી નાંખશે તેવો કર્ણાટકના કોંગ્રેસ...

    અદાણી મુદ્દે અતિરેક કરીને રાહુલ ગાંધી બાજી બગાડી નાંખશે તેવો કર્ણાટકના કોંગ્રેસ નેતાઓને ડર, કહ્યું- એક-બે વખત ઠીક છે, હવે બીજા મુદ્દાઓ પર ધ્યાન આપો

    આગામી 10 એપ્રિલે રાહુલ ગાંધી પ્રચાર માટે કર્ણાટક જઈ રહ્યા છે ત્યારે કોંગ્રેસ નેતાઓને એ વાતની ચિંતા છે કે રાહુલ ગાંધી આવીને શું બોલશે.

    - Advertisement -

    કર્ણાટક વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે તેમ રાજકીય પાર્ટીઓએ પણ પ્રચાર માટે કમર કસી છે. ભાજપે સ્ટાર પ્રચારકોને ઉતાર્યા છે તો બીજી તરફ કોંગ્રેસ પાર્ટી પણ રાહુલ ગાંધીનો ઉપયોગ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. જોકે, કર્ણાટક કોંગ્રેસને એક ચિંતા છે કે રાહુલ ગાંધી અદાણી મુદ્દે હવે વધુ લાંબુ ન ખેંચે અને બીજા મુદ્દાઓ પર વધુ ધ્યાન આપે. 

    ન્યૂઝ18ના એક રિપોર્ટમાં કર્ણાટક કોંગ્રેસના સૂત્રોને ટાંકીને આ બાબત જણાવવામાં આવી છે. સ્થાનિક નેતાઓએ કહ્યું કે, એક-બે વખત અદાણી મુદ્દે બોલવું ઠીક છે પરંતુ હવે રાહુલ ગાંધીએ રાજ્યના સ્થાનિક મુદ્દાઓ પર વધુ ધ્યાન આપવું જોઈએ. જોકે, સાથે એમ પણ કહ્યું કે, રાહુલ ગાંધી પોતાનું જ ધાર્યું કરવા ટેવાયેલા છે, જેથી આ ચિંતા પ્રત્યે ધ્યાન આપે છે કે કેમ તે પણ સવાલ છે. 

    આગામી 10 એપ્રિલે રાહુલ ગાંધી કર્ણાટકના કોલારમાં ચૂંટણી પ્રચાર માટે જશે. તે પહેલાં ચાલતી તૈયારીઓને લઈને કોંગ્રેસ નેતાઓએ ન્યૂઝ18 સાથે વાતચીત કરી હતી અને તેમની ચિંતા વ્યક્ત કરી હતી. આ નેતાઓને એ વાતની ચિંતા છે કે રાહુલ ગાંધી આવીને શું બોલશે. કારણ કે હાલમાં જ તેમને સુરત કોર્ટ દ્વારા સજા આપવામાં આવી છે અને ત્યારથી તેઓ સતત કહી રહ્યા છે કે અદાણી મુદ્દે બોલવાના કારણે તેમની સાથે બદલો લેવામાં આવ્યો છે. જેથી તેઓ ફરી અદાણીનો મુદ્દો ઉછાળી શકે છે. 

    - Advertisement -

    કોંગ્રેસ નેતાઓએ મીડિયાને કહ્યું, “અમે તેમની (રાહુલ ગાંધીની) ટીમનો સંપર્ક કર્યો છે અને સલાહ આપી છે. અમે ઇચ્છીએ છીએ કે તેઓ આ મુદ્દો (અદાણીનો) વારંવાર ન ઉછાળે. એક-બે વખત ઠીક છે. કારણ કે આખરે તો બોમ્માઈ સરકારના ભ્રષ્ટાચાર જેવા સાચા અને સ્થાનિક મુદ્દાઓનું મહત્વ વધારે છે.” 

    સાથે કોંગ્રેસ નેતાઓએ એમ પણ કહ્યું કે, રાહુલ ગાંધી પોતાનું જ ધાર્યું કરવા માટે ટેવાયેલા છે. જેથી મહત્તમ શક્યતા એવી જ છે કે તેઓ સ્થાનિક નેતાઓની આ ચિંતા પ્રત્યે ધ્યાન નહીં આપે. 

    ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ સુરતની કોર્ટે માનહાનિના કેસમાં રાહુલ ગાંધીને 2 વર્ષની સજા સંભળાવ્યા બાદ તેમનું લોકસભાનું સભ્યપદ રદબાતલ ઠેરવવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમણે હવે સુરત સેશન્સ કોર્ટમાં અપીલ કરી છે. જેની સુનાવણી આગામી 13 એપ્રિલે હાથ ધરવામાં આવશે.

    સજા અને સાંસદપદ પ્રકરણ બાદ સતત રાહુલ ગાંધી અને કોંગ્રેસ રટણ કરતા રહ્યા છે કે અદાણી મુદ્દે બોલવાના કારણે મોદી સરકારે તેમની સાથે બદલો લીધો છે. તો બીજી તરફ, કર્ણાટકના કોંગ્રેસ નેતાઓને ડર છે કે આ મુદ્દાના અતિરેકના કારણે ક્યાંક રાહુલ ગાંધી બાજી વધુ ન બગાડી બેસે!

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં