Tuesday, April 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઆઝમ ખાનને જામીન અપાવનાર કપિલ સિબલને મળ્યું રાજ્યસભાની બેઠકનું ઇનામ? - નેટીઝન્સમાં...

    આઝમ ખાનને જામીન અપાવનાર કપિલ સિબલને મળ્યું રાજ્યસભાની બેઠકનું ઇનામ? – નેટીઝન્સમાં ચર્ચા ચાલી

    કોંગ્રેસના વરિષ્ઠતમ નેતા અને G23 ગ્રુપના સહુથી બોલકા સભ્ય એવા કપિલ સિબલે કોંગ્રેસ છોડીને સમાજવાદી પાર્ટીનો હાથ પકડ્યો છે, પરંતુ તેની પાછળના કારણો શું હોઈ શકે એની ચર્ચા જોરમાં છે.

    - Advertisement -

    વરિષ્ઠ કોંગ્રેસી નેતા અને સુપ્રિમ કોર્ટના વરિષ્ઠ વકીલ કપિલ સિબલે આખરે કોંગ્રેસ છોડી દીધી છે. પ્રાપ્ત સમાચાર અનુસાર કપિલ સિબલે સમાજવાદી પાર્ટી તરફથી રાજ્યસભાની ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. સમાજવાદી પાર્ટી આવનારી રાજ્યસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાંથી સિબલને લડાવશે.

    કપિલ સિબલના કહેવા અનુસાર તેમણે કોંગ્રેસ 16મી મે ના દિવસે જ છોડી દીધી હતી અને આજે તેઓ સમાજવાદી પાર્ટી તરફથી રાજ્યસભા માટે પોતાની ઉમેદવારી નોંધાવી છે.

    કપિલ સિબલ સમાજવાદી પાર્ટીમાં જોડાશે તેવી અટકળો ત્યારે જ ગતિમાન થઇ ગઈ હતી જ્યારે કપિલ સિબલે સમાજવાદી પાર્ટીના આગેવાન નેતા આઝમખાનનો કેસ સુપ્રિમ કોર્ટમાં લડ્યો હતો અને તેમને લગભગ બે વર્ષ બાદ જામીન અપાવ્યા હતા. આજ અટકળો હાલમાં સોશિયલ મિડીયામાં તેજ થઇ રહી છે અનેક લોકો એમ કહી રહ્યા છે કે આઝમ ખાનને આટલા બધા વર્ષે સુપ્રિમ કોર્ટમાંથી જામીન અપાવવા બદલ જ સિબલને રાજ્યસભામાં મોકલવામાં આવ્યા છે.

    - Advertisement -

    એક રીતે જોવા જઈએ તો વરિષ્ઠ અને કોંગ્રેસ હાઈકમાન્ડથી નારાજ એવા G-23 નેતાઓના ગ્રુપમાં કપિલ સિબલ જ સહુથી વધુ અવાજ ઉઠાવનારા નેતા હતા. એક સમયે કોંગ્રેસની વર્કિંગ કમિટીમાં જેમનો સિક્કો ચાલતો હતો અને દેશના કાયદા પ્રધાન પણ હતા એવા કપિલ સિબલે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો અને તેમની સાથે ગુલામ નબી આઝાદ અને શશી થરૂર જેવા કોંગ્રેસના અતિશય મહત્ત્વના નેતાઓ પણ જોડાયા હતા.

    આ તમામ નેતાઓએ ગાંધી પરિવારના કોંગ્રેસ પક્ષ પરના એકહથ્થુ શાસન વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો અને પક્ષની કમાન કોઈ યોગ્ય વ્યક્તિને આપવી જોઈએ જેથી કોંગ્રેસ 2014થી જ પોતાના થઇ રહેલા પતનને રોકી શકે. પરંતુ લાગે છે કે કપિલ સિબલે પોતાનો અવાજ ઉઠાવવાની કોશિશ કાયમ નિષ્ફળ રહેતા છેવટે કંટાળીને કોંગ્રેસ છોડી દીધી છે અને સમાજવાદી પાર્ટીનો પાલવ પકડી લીધો છે. તો સામે પક્ષે સમાજવાદી પાર્ટીએ પણ આઝમ ખાન જેવા પોતાના વરિષ્ઠ નેતાને જામીન અપાવનાર આ વકીલને રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય કરીને તેમને શિરપાવ આપવાનું કાર્ય કર્યું છે.

    પરંતુ કોંગ્રેસ માટે સમસ્યા તો વધી જ છે. છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસ છોડીને વરિષ્ઠતમ નેતાઓ અન્ય પક્ષમાં ખાસકરીને ભાજપમાં જવા લાગ્યા છે. જ્યોતિરાદિત્ય સિંધિયા જેવા જુના કોંગ્રેસી નેતાઓને કેન્દ્રીયમંત્રી બનાવવામાં આવ્યા છે તો હિમંતા સરમા બિસ્વાને આસામ જેવા રાજ્યના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. ગુજરાતમાં પણ છેલ્લા બે વર્ષમાં કોંગ્રેસના ધારસભ્યો ડબલ ડીજીટમાં પક્ષ છોડીને ભાજપમાં જતા રહ્યા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં