Monday, November 4, 2024
More
    હોમપેજગુજરાતમાતાજીને છોડીને આવવા તૈયાર ન હતા લોકો, જવાનોએ મૂર્તિ સાથે રેસ્ક્યુ કર્યા,...

    માતાજીને છોડીને આવવા તૈયાર ન હતા લોકો, જવાનોએ મૂર્તિ સાથે રેસ્ક્યુ કર્યા, ધસમસતા પાણીમાં તણાઈ ગયેલા વૃદ્ધનો પણ આબાદ બચાવ: અતિભારે વરસાદ વચ્ચે ખડેપગે જૂનાગઢ પોલીસ

    જૂનાગઢનો એક વિડીયો વાયરલ થયો હતો જેમાં પૂરજોશથી વહેતા પાણીમાં એક કાર વહી જતી જોવા મળે છે અને તેની સાથે જ એક વ્યક્તિ પણ તણાય જાય છે, પોલીસ જવાનોએ તેમને બચાવી લીધા હતા.

    - Advertisement -

    શનિવારે (22 જુલાઈ, 2023) જૂનાગઢમાં ગિરનાર પર્વત પર ભારે વરસાદને પરિણામે પાણી શહેરમાં ઉતરી આવ્યું હતું અને શહેરના અનેક વિસ્તારો ડૂબી ગયા હતા. પાણી ભરાવાની શરૂઆત થઇ ત્યારથી જ તંત્રના અધિકારીઓ અને ખાસ કરીને જૂનાગઢ પોલીસ કામે લાગી ગયા હતા અને ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. 

    જૂનાગઢનો એક વિડીયો વાયરલ થયો હતો જેમાં પૂરજોશથી વહેતા પાણીમાં એક કાર વહી જતી જોવા મળે છે અને તેની સાથે જ એક વ્યક્તિ પણ તણાય જાય છે. પાણીનું જોર અત્યંત વધારે હોવાના કારણે તેઓ નિયંત્રણ મેળવી શકતા નથી અને તણાય જાય છે. જોકે, જૂનાગઢ પોલીસે તેમને પછીથી બચાવી લીધા હતા. પોલીસ જવાનોએ વહેતા પાણીમાં પણ જઈને પચાસ વર્ષીય આધેડને બચાવીને હેમખેમ પરત લાવવામાં આવ્યા હતા. 

    ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જૂનાગઢ પોલીસની આ કામગીરીની પ્રશંસા કરી હતી અને ટ્વિટ કરીને જવાનોને અભિનંદન પાઠવ્યા હતા. 

    - Advertisement -

    અન્ય એક કિસ્સામાં જૂનાગઢના વંથલી પોલીસ મથક વિસ્તારમાં વાડલા ફાટક પાસેના વિસ્તારમાં પાણી ભરાઈ ગયાં હતાં, જેથી પોલીસ જવાનોએ પહોંચીને ત્યાંના સ્થાનિકોને અન્યત્ર ખસેડવાની કામગીરી શરૂ કરી દીધી હતી. પરંતુ આ દરમિયાન લોકો માતાજીની મૂર્તિ મૂકીને આવવા માટે તૈયાર ન હતા તો પોલીસે મૂર્તિ સાથે તમામનું રેસ્ક્યુ કર્યું હતું અને લોકો સાથે માતાજીને પણ સહીસલામત બીજે ખસેડી લેવામાં આવ્યા હતા. 

    અન્ય એક વિડીયોમાં જૂનાગઢ પોલીસના જવાનો કેટલાંક બાળકોને ખભે બેસાડીને લાવતા નજરે પડે છે. આ બાળકો પાણીમાં ફસાઈ ગયાં હતાં, જેને સી ડિવિઝન પોલીસ મથકના અધિકારીઓએ પહોંચીને સલામત સ્થળે ખસેડ્યા હતા. જ્યારે શહેરના ગણેશનગર વિસ્તારમાં પોલીસ જવાનો દ્વારા એક બાળક અને સગર્ભા મહિલાનું સલામત રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

    જૂનાગઢ કલેક્ટરે આપેલી જાણકારી અનુસાર, શહેરમાં 10 ઇંચથી વધુ વરસાદ પડવાના કારણે પાણી ભરાઈ ગયાં હતાં. આ દરમિયાન ફસાયેલા કુલ 200 લોકોને તાત્કાલિક ધોરણે બચાવી લેવામાં આવ્યા હતા તો અંદાજે 750 લોકોનું સલમાન સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. વધુ પાણી ભરાયાં હોય તેવા વિસ્તારોમાં વિતરણ કરવા માટે 20 હજાર ફૂડ પેકેટ તૈયાર કરી દેવામાં આવ્યા છે અને જેનું વિતરણ ગઈકાલે રાત્રેથી જ શરૂ કરી દેવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, સ્થિતિ હાલ નિયંત્રણમાં છે અને પાણી ઓસરી રહ્યું છે પરંતુ જો વધુ વરસાદ પણ આવે તો પહોંચી વળવા માટે જિલ્લા તંત્ર સજ્જ છે.  

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં