દાહોદના ઝાલોદમાં ઓનલાઈન ફોર્મ ભરી આપવાની દુકાન ધરાવતા ઇસમો મોટી રકમ વસુલી બોગસ ચૂંટણી કાર્ડ બનાવી આપતા હોવાનુ કૌભાંડ બહાર આવ્યું છે. ઝાલોદ મામલતદારે દરોડો પાડ્યા બાદ પોલીસે પ્રિન્ટર, કમ્પ્યુટર મશીન સહીતના સાધનો કબ્જે લઇ જાવેદ, સાહિલ અને વકાશ નામના ત્રણ ઈસમોને ઝડપી લીધા હતા.
ઝાલોદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. ઝાલોદની મામલતદાર કચેરીની મતદારયાદી શાખામાં એક અરજદાર દ્વારા અગાઉ કઢાવેલા ચૂંટણી કાર્ડ પુરાવા તરીકે ચાલતું નથી તેવી ફરિયાદ સાથે ફરીથી ચૂંટણી કાર્ડ કઢવા માટે અરજી આપેલી હતી. જેમાં તેમના દ્વારા રજુ કરવામાં આવેલ ચૂંટણી કાર્ડની ચકાસણી કરતા ખોટું માલુમ પડ્યુ હતુ. તેથી તેમણે રજૂ કરેલ ચૂંટણી કાર્ડ કઈ જગ્યાએથી કઢાવેલ છે તેની પૂછપરછ કરતા તેઓ દ્વારા ગામડી ચોકડી, ઝાલોદ ખાતે જાવેદ ડિજિટલ સોલ્યુશન નામની દુકાન પરથી આ ચૂંટણી કાર્ડ કઢાવેલ હોવાનું જણાવ્યુ હતુ.
મામલતદાર જૈનીશ પાંડવ દ્વારા જે દુકાનને બોગસ ચૂંટણી કાર્ડ કાઢી આપવામાં આવે છે કે કેમ તેની ખરાઇ કરવા અરજદારને તેમજ મામલદાર કચેરીના રેવન્યુ તલાટી અંકુર પલાસને જાવેદ ડિજિટલ સોલ્યુશન નામની દુકાન પર મોકલવામાં આવેલા હતા. જ્યાં અરજદારે જાવેદ ઈસ્માઈલ ગાંડાને તાત્કાલિક ચૂંટણી કાર્ડ કાઢી આપવા માટે જણાવતા જાવેદ ઈસ્માઈલ ગાંડા દ્વારા ‘તમે પાસપોર્ટ સાઈઝનો ફોટો લઇ આવો હું તમને તાત્કાલિક ધોરણે ચૂંટણી કાર્ડ કાઢી આપીશ’ તેમ જણાવ્યુ હતુ. તે વાતચીતનું વિડીયો રેકોર્ડિંગ તલાટી અંકુરભાઇ પલાસ દ્વારા કરવામાં આવ્યુ હતુ.
આ દુકાન ખાતે નકલી ચૂંટણી કાર્ડ કાઢી આપવામાં આવે છે તેની પાકી ખાત્રી કર્યા બાદ પ્રાંત અધિકારી આર.આર.ગેહલોત તથા મામલતદાર જૈનીશ પાંડવ અને સંયુક્ત ટીમ સાથે મળી જાવેદ ડિજિટલ સોલ્યુશન નામની દુકાનમાં જે ગામડી ચોકડી પાસે ઝાલોદમાં આવેલ છે, જેની સ્થળ તપાસ કરતા દુકાન માલિક જાવેદ ઈસ્માઈલ ગાન્ડા તથા સાહિલ સાજીત ગાંડા, વકાશ ઇરફાનભાઇ ગાંડા હાજર હતા. દુકાનની અંદર પ્રવેશતા ડાબી બાજુ ‘ફક્ત ત્રણ દિવસમાં ચૂંટણી કાર્ડ કાઢી આપવામાં આવશે’ તેવું બેનર પણ લગાવેલું હતું. ટીમ દ્વારા તેમની પ્રાથમિક પૂછપરછ કરાતા તેઓ દ્વારા ભારતીય ચૂંટણી પંચના એનવીએસપી.ઇન પોર્ટલ દ્વારા ચૂંટણીકાર્ડ કાઢી આપવામાં આવે છે તેવું જણાવ્યુ હતુ. જેથી ટીમ દ્વારા તેમના લેપટોપની ચકાસણી કરતા ડુપલીકેટ ચૂંટણીકાર્ડની પીડીએફ ફાઈલો મળી આવેલ હતી.
દરોડા પાડતી ટુકડી દ્વારા આ લેપટોપ કબજે લઈ ઝાલોદ પોલીસ મથક ખાતે આ વિષયમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને બાદમાં પોલીસે આ ત્રણેય ઈસમોને પકડી પાડીને આગળની તપાસ શરૂ કરવામાં આવી હતી. જાવેદ પાસેથી બે અને વકાસ તેમજ સાહિલ પાસેથી એક-એક મળી કુલ ચાર મોબાઇલ પણ કબજે લેવાયા હતાં.
આ રીતે બનાવતા બોગસ ચૂંટણીકાર્ડ
જાવેદ ડિજિટલ સોલ્યુશન દ્વારા ચુંટણી કાર્ડ બનાવવાની ઇચ્છા રાખનાર વ્યક્તિ પાસેથી માત્ર પાસપોર્ટ સાઇઝ ફોટો જ લેવામાં આવતો હતો. ચુંટણી કાર્ડ કઢાવવા માટે આવનાર વ્યક્તિનો EPIC નંબર તેમજ ફોટો જાવેદ ઈસ્માઈલ અન્ય વ્યક્તિના મોબાઇલ ઉપર વોટ્સએપના માધ્યમથી મોકલતો હતો. તેના આધારે અન્ય વ્યક્તિ નકલી ચુંટણી કાર્ડની પીડીએફ ફાઇલ બનાવીને તેને મોકલતો હતો. ત્યાર બાદ તેની પ્રિન્ટ કાઢીને લેમીનેશન કરીને માત્ર 50 રૂપિયા લઇને તેને આપી દેવામાં આવતી હતી. ચુંટણી કાર્ડ કઢાવવા આવનાર દરેક વ્યક્તિનો એક જ EPIC નંબર રાખવામાં આવતો હતો કે તેઓ EPIC નંબર બદલતા હતાં તે જાણવા મળ્યું નથી. આ કૌભાંડમાં અજાણી વ્યક્તિ સાથે જાવેદને વકાશ અને સાહિલ પણ મદદ કરતા હતાં.
ઝાલોદ મામલતદારની ખૂબ સુંદર કામગીરી
આ સમગ્ર ઘટનાક્રમમાં ઝાલોદના મામલતદાર જૈનીશ પાંડવ દ્વારા ખૂબ જ પ્રસંશનીય કામગીરી કરવામાં આવી હતી. તેમણે ખૂબ જ સફાઈપૂર્વક પહેલા સ્ટિંગ ઓપરેશન કરીને પુરાવાઓ એકઠા કર્યા અને બાદમાં પૂરી તૈયારી સાથે સ્થળ પર દરોડો પાડીને આ બોગસ ચૂંટણી કાર્ડ રેકેટને આબાદ જડપી લીધું હતું અને દુકાનને સીલ મારી દીધું હતું.
ઝાલોદની મામલતદાર કચેરીની મતદાર યાદી શાખામાં આવેલા અરજદારે અગાઉ કઢાવેલું ચુંટણી કાર્ડ પુરાવા તરીકે ચાલતુ ન હોવાની ફરિયાદ સાથે નવુ કાર્ડ કઢાવવા માટે ગયો હતો. તેના દ્વારા રજૂ કરાયેલું ચુંટણી કાર્ડ મતદાર યાદીના ઇન્ચાર્જ ના. મામલતદાર સુરેશ નીનામાએ કાર્ડ ચેક કરતાં તેમને બનાવટી હોવાનું જણાયુ હતું. જેથી આની મામલતદાર ડો.જેનીસ પાંડવને જાણ કરાઇ હતી.
પુછપરછમાં અરજદારે આ કાર્ડ ગામડી ચોકડીએ આવેલી દુકાનેથી કઢાવ્યુ હોવાનું જણાવ્યુ હતું. ત્યારે આનો ભંડાફોડ કરવા માટે સ્ટીંગ ઓપરેશનનું આયોજન કરી અરજદાર સાથે રેવન્યુ તલાટી અંકુર પલાસને દુકાને કાર્ડ કઢાવવા માટે મોકલ્યો હતો. ત્યાં તાત્કાલિક ચુંટણી કાર્ડ કાઢવાની વાત કરતાં જાવેદે તરત જ કાઢવાનું જણાવી અરજદારનો પાસપોર્ટ ફોટો મંગાવ્યો હતો. આનું અંકુર પલાસે વિડિયો રેકોર્ડિંગ કર્યુ હતું. ફોટો લઇને આવવાનું કહીને દુકાનેથી જતાં રહ્યા હતાં. નકલી કાર્ડ કાઢતાં હોવાનું સ્પષ્ટ થતાં મામલતદાર ડો.જેનીસ પાંડવ અને પ્રાંત અધિકારી આર.આર ગોહેલ સહિતની ટીમે સાંજે 6 વાગ્યે છાપો મારીને કૌભાંડનો ભંડાફોડ કર્યો હતો.