Saturday, July 27, 2024
More
    હોમપેજગુજરાતઅંબાજી મંદિરના પ્રસાદ માટે ભેળસેળયુક્ત ઘી સપ્લાય કરવાના આરોપસર પકડાઈ ચૂકેલા નીલકંઠ...

    અંબાજી મંદિરના પ્રસાદ માટે ભેળસેળયુક્ત ઘી સપ્લાય કરવાના આરોપસર પકડાઈ ચૂકેલા નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહનો આપઘાત, પોલીસ તપાસ શરૂ

    સવારે 10 વાગ્યે પત્ની જ્યારે જગાડવા ગઈ ત્યારે તેણે રૂમમાં જતીન શાહને ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકેલા જોયા હતા. ત્યારબાદ સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતાં એક ટીમ પહોંચી હતી. 

    - Advertisement -

    અંબાજી પ્રસાદ વિવાદ બાદ જેની ધરપકડ થઈ હતી તે અમદાવાદના નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહ ઘરમાંથી મૃત હાલતમાં મળી આવ્યા છે. તેમણે આપઘાત કર્યો હોવાની આશંકા છે. જતીન શાહ પર અંબાજી મંદિરનો પ્રસાદ બનાવતી એજન્સી મોહિની કેટરર્સને ભેળસેળયુક્ત ઘી મોકલવાનો આરોપ લાગ્યો હતો, જે બાદ તેમની ધરપકડ પણ થઈ હતી. જોકે, પછીથી જામીન મળી ગયા હતા. 

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 47 વર્ષીય જતીન શાહ અમદાવાદના ઈસનપુરની એક સોસાયટીમાં પરિવાર સાથે રહેતા હતા અને નીલકંઠ ટ્રેડર્સ નામની દુકાન ચલાવતા હતા. ગુરૂવારે (7 ડિસેમ્બર) સવારે 10 વાગ્યે પત્ની જ્યારે જગાડવા ગઈ ત્યારે તેણે રૂમમાં જતીન શાહને ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકેલા જોયા હતા. ત્યારબાદ સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતાં એક ટીમ પહોંચી હતી. 

    પ્રાથમિક અનુમાન એવું છે કે જતીન શાહે આપઘાત કર્યો છે. જોકે, પોલીસને હજુ સુધી કોઇ સ્યુસાઇડ નોટ મળી આવી નથી કે મૃત્યુ પાછળનું ચોક્કસ કારણ પણ જાણવા મળ્યું નથી. પોલીસે અકસ્માતે મૃત્યુનો ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે. 

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે 2 મહિના પહેલાં ભાદરવી પૂનમના મેળા બાદ સામે આવ્યું હતું કે અંબાજી મંદિરના પ્રસાદમાં ભેળસેળ કરવામાં આવતી હતી. સ્થાનિક તંત્રે મેળા પહેલાં પ્રસાદ બનાવતી એજન્સી મોહિની કેટર્રસ પાસેથી ઘીનાં સેમ્પલ લઈને 180 ડબ્બા જપ્ત કર્યા હતા. પછીથી સેમ્પલમાં લેવામાં આવેલું ઘી અખાદ્ય હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું હતું. ત્યારબાદ કેટરર્સ એજન્સીનો કોન્ટ્રાક્ટ પૂરો કરીને બ્લેકલિસ્ટ કરી દીધી હતી. 

    આ ઘીનાં ટીન પર અમૂલનાં લેબલ લગાવવામાં આવ્યાં હતાં અને તેની ઉપર લખવામાં આવ્યું હતું કે તે સાબર ડેરી દ્વારા પેક કરવામાં આવ્યાં છે. પરંતુ સાબર ડેરીએ આ બાબત નકારી કાઢી હતી. પછીથી તપાસમાં સામે આવ્યું કે મોહિની કેટરર્સ દ્વારા સપ્લાય કરવામાં આવેલાં ઘીનાં ટીન પર સાબર ડેરીનાં ડુપ્લિકેટ લેબલો લગાવવામાં આવતાં હતાં. ત્યારબાદ ડેરીએ FIR નોંધાવી હતી. 

    તપાસ બાદ ખુલ્યું હતું કે એજન્સીને આ ઘી અમદાવાદના નીલકંઠ ટ્રેડર્સ દ્વારા પહોંચાડવામાં આવ્યું હતું. તેના માલિક જતીન શાહે ઘીના 300 ડબ્બા વેચ્યા હોવાનું સામે આવ્યું હતું. પછીથી અંબાજી પોલીસે શાહની ધરપકડ કરી લીધી હતી. ત્યારબાદ તેમને દાંતા કોર્ટમાં રજૂ કરવામાં આવતાં જામીન આપી દેવામાં આવ્યા હતા. જોકે, જતીન શાહે દાવો કર્યો હતો કે તેમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે અને તેઓ માત્ર વેપારમાં જ સામેલ હતા, જેમને બીજા વ્યક્તિએ ઘી આપ્યું હતું. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં